Monday, 26 October 2020

સાજાને વધુ સાજા કરવાની કવાયતઃ અનુઆધુનિકવાદ

ઉદારમતવાદીઓની આધુનિકતા માટેની ખેવનામાંથી જન્મેલી આ બૌદ્ધિક ચળવળ આજે એવા બિંદુએ પહોંચી છે, જ્યાંથી એ માત્ર આધુનિકતા માટે જ નહિ, લોકશાહી માટે પણ ખતરો ઊભો કરી રહી છે.

 

આજનો લિબરલઃ રૂઢિચુસ્તનું પ્રતિરૂપ

ઉદારમતવાદીઓ અને રૂઢિચુસ્તો સદીઓથી એકમેકથી વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યા છે. એમાં કોઈ સંદેહ નથી કે ઉદારમતવાદીઓની કૂચ આધુનિકતા તરફ છે, વ્યક્તિસ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય અને માનવઅધિકાર જેવાં માનવીય મૂલ્યોની સ્થાપનાની દિશામાં છે. જ્યારે રૂઢિચુસ્તોની કૂચ સંકુચિતતા તરફ છે, જીર્ણશીર્ણ ધાર્મિક-સામાજિક માન્યતાઓની દિશામાં છે.

જોકે છેલ્લા થોડા દાયકાથી આ બેય જૂથોની કૂચ, કમસે કમ પશ્ચિમી સમાજોમાં, ચિંતા જન્માવે એવા બિંદુએ પહોંચી છે. કહેવાય છે કે બે જણ વિરુદ્ધ દિશામાં નાકની દાંડીએ સતત પ્રવાસ કરે તો પૃથ્વી ગોળ હોવાને કારણે કોઈ એક બિંદુ પર એ બન્ને સામસામા થઈ જાય. ઉદારમતવાદીઓની અને રૂઢિચુસ્તોની કૂચે પણ આવું વર્તુળ પૂરું કરી લીધું છે. બન્ને જૂથ માત્ર સામસામાં જ નથી આવ્યાં, એકમેકમાં ભળી ગયાં છે. એ હદે ભળી ગયાં છે કે એમની વચ્ચેનો ભેદ પારખવાનું કઠિન બની ગયું છે.

ઉદારમતવાદીઓ/લિબરલો આજે એટલા કટ્ટર લાગે છે કે એમની સામે રૂઢિચુસ્તોની કટ્ટરતા પણ ઝંખવાઈ જાય. એમની આક્રમકતા અને રૂઢિચુસ્તોની આક્રમકતામાં કોઈ ફરક દેખાતો નથી. એમનો ઘમંડ અને રૂઢિચુસ્તોનો અહંકાર એકસમાન લાગે છે. અન્યોના અભિપ્રાયોને કાને-ધ્યાને ન લેવાની રૂઢિચુસ્તોની જડતા એમનામાં પણ દેખાય છે. રૂઢિચુસ્તોને ઝાંખા પાડે એવો ઝેરી તિરસ્કાર એમનામાં પણ પ્રવેશી ગયો છે. આજે ઉદારમતવાદીનું મહોરું પહેરીને ફરતાં ઑલ્ટ-લેફ્ટ/કટ્ટર ડાબેરી જૂથો અને ઑલ્ટ-રાઈટ/કટ્ટર જમણેરી જૂથો એકસરખાં રિગ્રેસિવ લાગે છે.

પરિણામે, એવી સ્થિતિ ઊભી થઈ છે કે સામાજિક, રાજકીય, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને દાર્શનિક ચળવળો થકી ગુલામીપ્રથા, જાતિભેદ, રંગભેદ, લિંગભેદ, ધાર્મિક કટ્ટરવાદ અને જડ રાષ્ટ્રવાદ જેવાં અનિષ્ટો સામે સદીઓથી લડી રહેલા લિબરલો આજે એ જ અનિષ્ટો પ્રત્યે કાં તો આંખ આડા કાન કરતા થઈ ગયા છે કાં એમનું ખુલ્લેઆમ સમર્થન કરતા થઈ ગયા છે. ટૂંકમાં, આજના લિબરલો ફાર-રાઈટ્સનું પ્રતિરૂપ બની ગયા છે.

આ વિધાનો આંચકાજનક લાગી શકે. પૂર્વગ્રહયુક્ત લાગી શકે. ઉદારતાના મહોરા હેઠળથી કોઈ રૂઢિચુસ્તે કરેલા આધારહીન આરોપો પણ લાગી શકે. પરંતુ આ વિધાનો સાવ હવામાં નથી, એમને આધાર છે. એમાં તથ્ય હોવાનાં પ્રમાણો છે, જે આ લેખમાં આગળ નિશ્ચિતપણે ચર્ચાશે. મુખ્ય પ્રશ્ન એ છે કે લિબરલો જે શત્રુઓ સામે લડી રહ્યા હતા એમના જેવા જ કેમ બની ગયા? કેમ એ એક પ્રકારના ધાર્મિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માંડ્યા અને બીજા પ્રકારના ધાર્મિક કટ્ટરવાદને વખોડવા માંડ્યા? આધુનિકતા માટે લડતાં લડતાં એ લોકોએ પછાતપણાનું ઉપરાણું લેવાનું કેમ શરૂ કર્યું? આવાં બેવડાં ધોરણો કેમ અપનાવ્યાં એમણે? કેમ થયું આવું?

આનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે, પણ એક મહત્ત્વનું કારણ છેઃ પોસ્ટમોડર્નિઝમ/ અનુઆધુનિકવાદ. આ અનુઆધુનિકતાવાદે લિબરલોનો ચહેરો કેવી રીતે અને શું કામ કુરૂપ કરી નાખ્યો એ જાણવા માટે આપણે અનુઆધુનિકવાદની વિભાવના પર તો જઈશું જ; પરંતુ એ પહેલાં સામાજિક, રાજકીય, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને દાર્શનિક ચળવળોના ઈતિહાસનું ખંખોળિયું ખાઈ લેવું જરૂરી છે. કારણ, એ આધારને જાણ્યા વિના અનુઆધુનિકવાદની અટપટી વિભાવના વધુ જટિલ લાગે એવી પૂરી શક્યતા છે.

વિવિધ ચળવળોઃ એક પશ્ચાદભૂ

ધર્મપ્રેરિત અજ્ઞાનનાં અંધારાં ઉલેચીને જ્ઞાનનાં અજવાળાં ફેલાવતી મશાલો ઘણી સંસ્કૃતિઓમાં પ્રજળતી રહી છે. આવી જ મશાલોએ માણસને સંકુચિતતામાંથી બહાર નીકળવાનો અને માનવીય મૂલ્યો તરફ જવાનો માર્ગ દેખાડ્યો છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા જેવા મુખ્ય 6 પ્રકારો ઉપરાંત ચાર્વાક, બૌદ્ધ અને જૈન જેવા બીજા પ્રકારોમાં વહેંચાયેલા ભારતીય દર્શનશાસ્ત્રમાં પણ આવી એક મશાલ હતી, જે ઓળખાય છે ચાર્વાક વિચારધારાના નામે.

ઈશ્વરના અસ્તિત્વને નકારતી આશરે 2600 વર્ષ જૂની આ વિચારધારાનું આશ્ચર્ય એ છે કે એ ધર્મમાંથી જ ઉદ્ભવી હતી અને આજેય સનાતન ધર્મનો ભાગ ગણાય છે. આ વિચારધારાનાં મહત્ત્વનાં પ્રદાન એટલે નાસ્તિકતાનો વિચાર અને સંશયવાદ. વેદઆધારિત કર્મકાંડોને નકારતી આ વિચારધારામાં મેટાફિઝિકલ (મેટાફિઝિક્સ એટલે અસ્તિત્વ, અનુભવ, યથાર્થ, જ્ઞાન, સમય, અવકાશ આદિ અમૂર્ત વિભાવનાઓની તત્ત્વમીમાંસા) સત્યોને તાર્કિક વાદવિવાદ દ્વારા સ્થાપિત કરવાની પદ્ધતિ નકારી દેવાઈ હતી. એને સ્થાને નક્કર પ્રમાણ અને માનવીય અનુભૂતિઓનો જ્ઞાનના મુખ્ય સ્રોત તરીકે સ્વીકાર થયો હતો.

એ પછી સૈકાઓ સુધી સનાતન ધર્મમાં બાવાજાળાં બાઝતાં રહ્યાં, જેને છેક 9મી સદીમાં આદિ શંકરાચાર્યે સાફ કર્યાં. સનાતન ધર્મનાં કર્મકાંડોની આલોચના કરીને એમણે આત્મન્ અને નિર્ગુણ બ્રહ્મનના ઐક્યનો સિદ્ધાંત આપ્યો. આત્મન્ એટલે આત્મા અને બ્રહ્મન્ એટલે પરમ સત્ય. એ બન્ને વચ્ચે કોઈ ભેદ નથી એવું પ્રતિપાદિત કરતો એમનો સિદ્ધાંત અદ્વૈત વેદાંત તરીકે ઓળખાય છે.

ભારતીય દર્શનની જેમ પાશ્ચાત્ય દર્શને પણ આવી મથામણો કરી છે.

લગભગ 2600 વર્ષ પહેલાંના સમયમાં થેલ્સ ઑફ મિલેટસ જેવા ગ્રીક ફિલસૂફે દૈવી દંતકથાઓને નકારીને નક્કર તાર્કિકતા તરફ પ્રયાણ કર્યું હતું. એની દોઢેક સદી પછી સૉક્રેટિસે પણ સાચું-ખોટું નક્કી કરવા ક્રિટિકલ રીઝનિંગ (વિચારો અને માન્યતાઓનું તાર્કિક પ્રશ્નો દ્વારા તાટસ્થ્યપૂર્ણ વિશ્ર્લેષણ)નો આશરો લીધો. સોક્રેટિસના પ્લેટો અને ઍરિસ્ટોટલ જેવા શિષ્યો પણ લગભગ એના જ માર્ગે આગળ ચાલ્યા. એ પછી છઠ્ઠીથી ચૌદમી સદી સુધી આ ગ્રીક ફિલસૂફી અંધારામાં ગરકાવ રહી. એ દરમિયાન પશ્ચિમી ફિલસૂફોએ માત્ર ઈશ્વરના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે જ દર્શનને ઉપયોગમાં લીધું.

રેનેસાં/પુનરુત્થાનઃ છેક મધ્યયુગમાં એટલે કે 14મી સદીમાં ઈટાલીમાં એક જુવાળ આવ્યો, જેણે યુરોપને ખ્રિસ્તી માન્યતાઓથી અળગું કરીને માનવવાદ તરફ તાણવાનું શરૂ કર્યું. એ હતી રેનેસાં નામની ચળવળ. 17મી સદી સુધી ચાલેલી આ ચળવળ દરમિયાન સ્થાપત્ય, કલા, સાહિત્ય, દર્શન, રાજકારણ, વિજ્ઞાન એમ તમામ ક્ષેત્રોમાં માનવવાદી વિચારોનો મહિમા થયો. કલાક્ષેત્રે લિયોનાર્દો દ વિન્ચી અને માઈકલએન્જેલો તથા દર્શનશાસ્ત્ર-રાજકારણમાં મૅકિયાવેલી જેવા મહારથીઓએ રેનેસાંમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આ જ કાળમાં એક તરફ ગ્રીક દર્શનની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરીને સંકુચિત ખ્રિસ્તી માન્યતાઓ સામે પ્રશ્નો ઉઠાવાયા તો બીજી તરફ આધુનિક ફિલસૂફીના જન્મ માટે ફળદ્રુપ માહોલ પણ ઊભો કરાયો.

એજ ઑફ રીઝનઃ રેનેસાં દરમિયાન થયેલા અથાક પ્રયાસોને કારણે 17મી સદીમાં યુરોપ ક્રમશઃ આધુનિક યુગમાં પ્રવેશ્યું. એ યુગનું પ્રથમ ચરણ પશ્ચિમી દર્શનશાસ્ત્રમાં એજ ઑફ રીઝન તરીકે ઓળખાય છે, જેમાં દર્શન વધુ તર્કસંગત અને ઉદાર સ્વરૂપ પામ્યું. આ અરસામાં ધાર્મિક સહનશીલતા વધી અને રાજકીય ફિલસૂફી પણ પાંગરી. હું વિચારું છું એટલે હું છું જેવું મહાવાક્ય આપનાર ફ્રેન્ચ દાર્શનિક રેને દેકાર્તેએ, પોર્ચ્યુગીઝ-જ્યુઈશ ફિલસૂફ બેનેડિક્ટ સ્પિનોઝાએ તથા એ સ્કૂલના બીજા ઘણા ફિલસૂફોએ બુદ્ધિગમ્ય, અનુભવમૂલક અને પ્રયોગમૂલક દર્શનને પ્રસ્થાપિત કર્યું.

એજ ઑફ એન્લાઈટન્મેન્ટઃ 18મી સદીમાં આધુનિક યુગના બીજા ચરણનો એટલે કે એજ ઑફ એન્લાઈટન્મેન્ટનો પ્રારંભ થયો, જે એક બૌદ્ધિક ચળવળ હતી. એનો ઉદ્દેશ માનવજાતને રાજ્યની એકહથ્થુ સત્તાની, અંધશ્રદ્ધાની અને અજ્ઞાનની ચુંગાલમાંથી છોડાવીને પ્રગતિના પંથે લઈ જવાનો હતો. આ ચળવળમાં સ્વાતંત્ર્ય, લોકશાહી અને તર્કસંગતતાને સમાજનાં મૂળભૂત મૂલ્યો તરીકે સ્વીકારવામાં આવ્યાં. આ કાળમાં વોલ્ટેર (ફ્રાન્ઝવા-મારી આહુયે) જેવા ફ્રેન્ચ ફિલસૂફોએ નાગરિકહકો, ધાર્મિક સ્વાતંત્ર્ય અને મુક્ત વેપાર જેવા સામાજિક સુધારાની તરફેણ કરી. વોલ્ટેર ઉપરાંત જૉન લૉક, થોમસ હોબ્સ અને ઝ્યાં ઝાક-રુસો જેવા ફિલસૂફોનાં જીવનકવને અમેરિકન અને ફ્રેન્ચ ક્રાંતિ માટેની ભૂમિકા રચી આપી.

આ જ કાળમાં ચર્ચનું મહાત્મ્ય ઘટ્યું. રાજકીય રીતે આ કાળ અરાજકતાનો તથા ક્રાંતિઓનો રહ્યો. આ જ અરસામાં સ્કૉટિશ ફિલસૂફ અને અર્થશાસ્ત્રી ઍડમ સ્મિથે આધુનિક મૂડીવાદનાં મૂળ નાખ્યાં. સાથેસાથે એય દર્શાવ્યું કે માણસ સ્વભાવે સ્વાર્થી હોવા છતાં એના સામાજિક સંબંધો એને કઈ રીતે નૈતિક બનવા પ્રેરી શકે. બીજી તરફ, મેટાફિઝિક્સ પર ક્રિટિક ઑફ પ્યૉર રીઝન જેવું અદ્ભુત પુસ્તક લખનાર જર્મન ફિલસૂફ ઈમૅન્યુઅલ કાન્ટે એપિસ્ટેમોલૉજી (જ્ઞાનનાં સ્વરૂપ ને વ્યાપનું શાસ્ત્ર), એથિક્સ (સાચાખોટાની આચારસંહિતા) અને મેટાફિઝિક્સ પર પ્રચંડ અને સઘન કાર્ય કરીને પાશ્ચાત્ય દર્શનને નવો વળાંક આપ્યો. કાન્ટનું દર્શન જર્મન આઈડિયલિઝમ (અર્થાત્, મૂળભૂત વાસ્તવિકતા વિચારોની જ બનેલી છે; ચેતના ન હોય તો બાહ્ય પદાર્થના અસ્તિત્વ વિશે ખાતરીથી ન કહી શકાય એવી ફિલસૂફી) માટે પણ પ્રેરણારૂપ બન્યું.

મૉર્ડનિઝમઃ 19મી અને 20 સદી એટલે આધુનિક યુગનું ત્રીજું ચરણ. આ કાલખંડ મૉડર્નિઝમ/આધુનિકવાદના નામે ઓળખાયો. વૈજ્ઞાનિક શોધખોળો અને રાજકીય ઊથલપાથલોથી આ કાળ ગાજતો-ગૂંજતો રહ્યો. જ્ઞાનનાં નવાં દ્વાર ખૂલ્યાં. રેલવે જેવી શોધને કારણે ઔદ્યોગિક ક્રાંતિ ચરમસીમાએ પહોંચી. શહેરોનો બહુ ઝડપથી વિકાસ થયો. ઘણા આધુનિકતાવાદીઓએ ધાર્મિક માન્યતાઓ પર મરણતોલ ફટકા માર્યા. નવા ઔદ્યોગિક જગતમાં ઊભરી રહેલા નવા આર્થિક, સામાજિક અને રાજકીય માહોલમાં આધુનિકતાવાદીઓને પરંપરાગત કળા, સાહિત્ય, ધર્મ, દર્શન, સમાજવ્યવસ્થા, વિજ્ઞાન ઈત્યાદિ બંધબેસતાં ન લાગ્યાં. એટલે એ તમામને નકારી દેવાયાં અને નવાં સર્જનો થયાં.

જીડબ્લ્યુએફ હેગલ, આર્થર શૉપનહોવર, જૉન સ્ટુઅર્ટ મિલ, સોરેન કર્કગાર્ડ, કાર્લ માર્ક્સ, ફ્રેડરિક નીત્શે, બર્ટ્રાન્ડ રસેલ, લુડવિગ વિટ્ગેન્સ્ટાઈન, માર્ટિન હાઈડેગર અને ઝ્યૉં પોલ સાર્ત્ર જેવા ધુરંધર લેખકો/ફિલોસૉફરોએ અમુક જૂની ફિલસૂફીઓને નવા સ્વરૂપે વિકસાવી અને ઘણી નવી વિભાવનાઓને પણ જન્મ આપ્યો.

ઉદાહરણરૂપે રોમૅન્ટિસિઝમ (કળા, સાહિત્ય અને સંગીતમાં ઉદ્ભવેલી વ્યક્તિની મહત્તા પર ભાર મૂકતી ચળવળ), હેગલિયનિઝમ (યથાર્થને તાર્કિકતાથી સમજાવી શકાય એવું કહેતી હેગલની ફિલસૂફી), ટ્રાન્સેન્ડેન્ટલિઝમ (માણસો ને પ્રકૃતિમાં દૈવી તત્ત્વ રહેલું છે એવી આદર્શવાદી દાર્શનિક-સામાજિક ચળવળ), અસ્તિત્વવાદ (પહેલાં માણસનું અસ્તિત્વ હોય છે, એના સારની વાત તો પછી આવે છે એવું કહેતો અને અસ્તિત્વની અર્થહીનતાની વાત કરતો સિદ્ધાંત, જેમાં માણસની સ્વતંત્રતા, પસંદગી અને વ્યક્તિગત ઉત્તરદાયિત્વ મહત્ત્વનાં ગણાયાં છે), સ્ટ્રક્ચરલિઝમ/સંરચનાવાદ (માનવસંસ્કૃતિ, માનવસંબંધો, માનવીય વર્તણૂક તથા અનુભવોનું અર્થઘટન તથા વિશ્ર્લેષણ કરતી સમાજશાસ્ત્ર, નૃવંશસાસ્ત્ર, ભાષા અને સાહિત્યને લગતી ચળવળ), માર્ક્સવાદ અને અનુઆધુનિકવાદ ઈત્યાદિ. આ યુગના 4 ધુરંધર પશ્ચિમી દાર્શનિકો હેગલ, કાર્લ માર્ક્સ, નીત્શે અને હાઈડેગર વિશે થોડુંક વિસ્તારથી જાણી લેવું જરૂરી છે.

1. જીડબ્લ્યુએફ હેગલઃ આ જર્મન ફિલસૂફે પ્લેટો, ઍરિસ્ટોટલ, સ્પિનોઝા, રુસો અને કાન્ટ જેવા ધરખમ પુરોગામીઓનાં દર્શનને આગળ વધાર્યું. એને લાગ્યું કે પરંપરાગત દર્શન અને સામાન્ય સમજણની ઘણી મર્યાદાઓ છે, જેને લીધે વિચાર ને વાસ્તવિકતા વચ્ચેનો સંબંધ અને ફિલસૂફીની સમસ્યાઓ બરાબર સમજાવી શકાતાં નથી. આ મર્યાદાઓ દૂર કરવા એણે સ્પેક્યુલેટિવ રીઝન/ધારણાત્મક તર્કનું એક નવું સ્વરૂપ વિકસાવ્યું. એ માટે એણે ઍરિસ્ટોટલના સમયથી ચાલી આવતી ડાયલેક્ટિક્સ (મંતવ્યોનું સત્ય તપાસવાની રીત) નામની પદ્ધતિ અજમાવી. આ પદ્ધતિમાં થીસિસ/સિદ્ધાંત અને એના વિરોધી ઍન્ટિથીસિસ/પ્રતિસિદ્ધાંતના સાયુજ્યથી સિન્થેસિસ/સંયોજન રચવામાં આવતું. પરંતુ હેગલ આ ડાયલેક્ટિક્સથી એક ડગલું આગળ વધ્યો. એણે કહ્યું કે આ થીસિસ-ઍન્ટિથીસિસ-સિન્થેસિસનું ચક્ર ત્યાં સુધી ચાલતું રહેવું જોઈએ જ્યાં સુધી અંતિમ સિન્થેસિસ ન બને. આ અંતિમ સિન્થેસિસને હેગલે નામ આપ્યું - ઍબ્સોલ્યુટ આઈડિયા/પૂર્ણ વિચાર.

આ પદ્ધતિ થકી હેગલે દર્શન, વિજ્ઞાન, કલા, રાજકારણ તથા ધર્મના ઈતિહાસને સમજાવવાનો પ્રયાસ કર્યો. હેગલ ઈતિહાસને અને ઈતિહાસની ફિલસૂફીને મહત્ત્વ આપનાર પ્રથમ ફિલસૂફ હતો. એના મત મુજબ તમામ માનવસમાજોને અને એમની પ્રવૃત્તિઓને સમજવાં હોય તો એમનો ઈતિહાસ જાણવો પડે. એણે કહેલું: “કોઈ વ્યક્તિને સમજવા માટે પહેલાં તો એના સમાજને જાણો. એ સમાજને જાણવા માટે પહેલાં એનો ઈતિહાસ જાણો. એ ઈતિહાસને આકાર આપતાં પરિબળોને ઓળખો. હેગલનું બહુ જાણીતું વાક્ય છેઃ દર્શન એ ખરેખર તો દર્શનનો ઈતિહાસ જ છે. એનું બીજું જાણીતું વાક્ય છે: “જે વાસ્તવિક છે એ રૅશનલ/બુદ્ધિગમ્ય છે અને જે બુદ્ધિગમ્ય છે એ વાસ્તવિક છે. એનું કહેવું હતું કે ગાઈસ્ટ (જર્મન શબ્દ, જેનો અર્થ મન કે આત્મા થઈ શકે) વાસ્તવિક છે. એના મત મુજબ દરેક યુગનો પણ ઝાઈટગાઈસ્ટ (સ્પિરિટ/આત્મા) હોય છે. હેગલના આ વિચારો જર્મન આઈડિયલિઝમના શિખરસમા ગણાય છે. એ વિચારોએ અસ્તિત્વવાદ, રાષ્ટ્રવાદ અને માર્ક્સવાદ પર પ્રચંડ પ્રભાવ પાડ્યો છે.

2. કાર્લ માર્ક્સઃ હેગલથી પ્રભાવિત થયેલા જર્મન દાર્શનિક અને ક્રાંતિકારી માર્ક્સે સમાજને એના વિવિધ વર્ગો અને એની આર્થિક સંરચના દ્વારા સમજવાનો પ્રયાસ કર્યો. સામ્યવાદના જનક માર્ક્સે માર્ક્સિસ્ટ થિયરી પણ આપી, જેનો ઉદ્દેશ છેઃ ઉત્પાદનનાં સાધનો પર સમાજનું સ્વામીત્વ સ્થાપીને વર્ગવિહીન સમાજની રચના કરવી. માર્ક્સવાદ માને છે કે માનવસમાજ શોષક અને શોષિત એમ બે વર્ગમાં વિભાજિત હોય છે. બુર્ઝવા/મૂડીવાદી વર્ગ ઉત્પાદનનાં સંસાધનો પર કબ્જો જમાવીને પ્રોલેટરિયટ/કામદારને એ સંસાધનોથી વંચિત રાખે છે. વંચિતોને જ્યારે એ હકીકત સમજાય છે ત્યારે વર્ગસંઘર્ષ થઈને જ રહે છે. એવો વર્ગવિગ્રહ આવશ્યક પણ છે, જેમાં શોષિત વર્ગના કલ્યાણના હેતુસર કામદારોની સરમુખત્યારશાહી સ્થપાય. આજે સામ્યવાદના જેટલા પણ પ્રકાર છે એ સર્વનો બૌદ્ધિક આધાર આ થિયરી જ છે.

આ થિયરી ઉપરાંત, માર્ક્સે માનવસમાજોના ક્રમિક ભૌતિક વિકાસનો સિદ્ધાંત પણ આપ્યો. માર્ક્સ માનતા કે ઈતિહાસ ક્યારેય માણસની ચેતના કે એના આદર્શોથી પ્રેરિત નથી હોતો, બલ્કે પ્રકૃતિના મૂળ પરિબળ એવા પદાર્થ/મૅટરથી પ્રેરિત હોય છે. આથી એમણે હિસ્ટોરિકલ મટીરિયલિઝમ નામનો સિદ્ધાંત આપ્યો, જે મટીરિયલ કન્સેપ્શન ઑફ હિસ્ટરી/ઈતિહાસની ભૌતિક વિભાવના તરીકે પણ ઓળખાય છે. ઈતિહાસ માનવીય આદર્શોનું નહીં, પણ માનવસમાજની આર્થિક સ્થિતિનું પરિણામ હોય છે એવું પ્રતિપાદિત કરતો આ સિદ્ધાંત કહે છેઃ સમાજની ઉત્પાદનક્ષમતા અને ઉત્પાદનને કારણે સમાજમાં રચાતા પારસ્પરિક સંબંધોને ધ્યાનમાં રાખીને સમાજનું માળખું તથા એનો વિકાસ નક્કી કરી શકાય છે.

આ વાતને જરાક વિસ્તારથી જોઈએઃ માનવજીવનની મૂળભૂત વાસ્તવિકતા એ છે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા એણે જીવનજરૂરિયાતની ચીજોનું ઉત્પાદન કરવું પડે છે. આ ઉત્પાદનો કરવા માટે માણસો વચ્ચે વિવિધ સંબંધો રચાય છે. નિશ્ચિત સમયખંડમાં એક સમાજની ઉત્પાદનક્ષમતા કેવી છે, એના ઉત્પાદનલક્ષી આપસી સંબંધો કેવા છે અને ઉત્પાદનનાં પરિબળો (જમીન, કાચો માલ, ઓજારો, ટેક્નોલૉજી અને આ સંસાધનોના ઉપયોગ અંગેની માણસની જાણકારી) કેવાં છે એ બધાંના અભ્યાસ પરથી એક સમાજનું માળખું ને એનો વિકાસ વૈજ્ઞાનિક ઢબે નક્કી કરી શકાય છે.

3. ફ્રેડરિક નીત્શેઃ આ અસ્તિત્વવાદી જર્મન ફિલસૂફ અને લેખકે ઈશ્વર મૃત્યુ પામ્યો છે એમ કહીને ખ્રિસ્તી માન્યતા અને નૈતિકતા પર પ્રહાર કર્યો. એની દલીલ એ હતી કે આધુનિક વિજ્ઞાને તથા યુરોપમાં વ્યાપ્ત બિનસાંપ્રદાયિકતાએ સમાજને મૂલ્યો ને અર્થ આપનારા ઈશ્વરને મારી નાખ્યો છે. આ સમસ્યાનો ઉકેલ આપતાં એણે એવી ભલામણ કરી કે ઈશ્વરની અનુપસ્થિતિમાં માણસ જાતે જ પોતાનાં મૂલ્યો ને સત્યો ઘડે તથા એ જેવો છે એવો રહીને (બી યૉરસેલ્ફ), બીજાની ચિંતા કર્યા વિના, ભરપૂર જીવન જીવે. એના આ વિચારને અસ્તિત્વવાદીઓએ સ્વીકારી લીધો.

નીત્શેએ એવો દાવો પણ કર્યો કે ઈશ્વરની અનુપસ્થિતિનું છેવટનું પરિણામ એ આવશે કે એક તટસ્થ સત્યને સ્થાને ઘણાં નાનાંમોટાં સત્યો ઉદ્ભવશે. અર્થાત્, એપિસ્ટેમિક રિલેટિવિઝમ (જ્ઞાનની સાપેક્ષતા)ની મહત્તા થશે. એટલે જ એણે યથાર્થ જેવું કંઈ હોતું નથી, માત્ર અર્થઘટનો હોય છે એવાં વિધાનો કર્યાં. સાતત્યના અભાવ અને ઉડઝૂડ દલીલોને કારણે વગોવાયેલો નીત્શે આ બાબતમાં તો સાચો જ પડ્યો, કેમ કે વખત જતાં ખરેખર સાપેક્ષતાનો મહિમા થયો. ખાસ કરીને પોસ્ટમૉડર્નિઝમમાં. જોકે ઘણા લોકો માને છે કે ઈશ્વરના મૃત્યુની ઘોષણા દ્વારા નીત્શે સાપેક્ષતા કરતાં જીવનની અર્થશૂન્યતા (નિહિલિઝમ/શૂન્યવાદ) પર વધુ ભાર મૂકવા માગતો હતો. નીત્શેએ બીજી એક મહત્ત્વની વાત એ પણ કહી હતી કે માણસની મૂળભૂત વૃત્તિ અસ્તિત્વ ટકાવી રાખવાની નહીં, પણ સત્તા પ્રાપ્ત કરવાની (વિલ ટુ પાવર) હોય છે.

4. માર્ટિન હાઈડેગરઃ વીસમી સદીના સૌથી વધુ મૌલિક, જટિલ અને વિવાદાસ્પદ ફિલસૂફોમાંનો એક ગણાયેલો આ જર્મન દાર્શનિક જર્મનીની નાઝી સત્તાનો સમર્થક હતો. અસ્તિત્વવાદના જનક મનાતા હાઈડેગરના કાર્યનો ફિનોમિનોલૉજી (ચેતના અને અનુભવનો અભ્યાસ), ડીકન્સ્ટ્રક્શન (વિખંડન - ટેક્સ્ટ/કૃતિપાઠ અને એના અર્થ વચ્ચેના સંબંધની સમીક્ષા કરતો અને અર્થની નિશ્ચિતતા તેમ જ યથાર્થતા વિશેની પારંપરિક માન્યતાને પડકારતો ભાષાવિદ્ ઝાક દેરિદાનો સિદ્ધાંત) અને પોસ્ટમૉર્ડનિઝમ પર ઘેરો પ્રભાવ પડ્યો હતો. હાઈડેગરે ફિનોમિનોલૉજીને તથા વ્યક્તિ ને વસ્તુ વચ્ચેના સંબંધને નકારી કાઢ્યાં હતાં. ઉપરાંત, એણે દેકાર્તે જેવા ફિલસૂફોના, બાહ્ય જગતના અસ્તિત્વને પ્રમાણિત કરતા, અભિગમને પણ નકારી કાઢ્યો હતો.

હાઈડેગરને ઑન્ટૉલૉજીમાં રસ હતો. ઑન્ટૉલૉજી એટલે બીઈંગ/હોવાનો, વાસ્તવનો અને અસ્તિત્વમાં હોય એવી વસ્તુઓમાં પરિવર્તનની સંભાવનાનો અભ્યાસ કરતી મેટાફિઝિક્સની એક શાખા. હાઈડેગર માનતો કે સમય અને માનવ અસ્તિત્વ પરસ્પર જોડાયેલાં છે અને માણસ કાયમ પોતાના ભાવિ તરફ મીટ માંડીને બેઠો હોય છે. એટલે જ એણે એવી દલીલ કરેલી કે બીઈંગ ઈઝ બીકમિંગ (હસ્તી એટલે જ હસ્તીમાં રહેલી પરિવર્તનની સંભાવના). બીઈંગ ઍન્ડ ટાઈમ અને ઍન ઈન્ટ્રોડક્શન ટુ મેટાફિઝિક્સ જેવાં સંખ્યાબંધ પુસ્તકો લખનાર આ મેધાવી ફિલસૂફને પાછળથી ભાષામાં બહુ રસ પડ્યો હતો. એના મત મુજબ ભાષા માત્ર વસ્તુને વર્ણવવા માટે જ નથી બની, બલ્કે એનો વિશ્વ પર ઘેરો પ્રભાવ પડી શકે છે. એટલે જ એના કહેવા મુજબ માનવતાની કૂચમાં અગ્રસ્થાને ધર્મગુરુઓ, વિજ્ઞાનીઓ અને દાર્શનિકો નહિ, બલ્કે કવિઓ હોય છે.

નીત્શે અને હાઈડેગરના આવા વિચારોએ એના પછીના આલ્બેર કામુ, ઝ્યૉં પોલ સાર્ત્ર, મિશેલ ફુકો અને ઝાક દેરિદા જેવા ફિલસૂફો-લેખકો પર અમિટ છાપ છોડી. આમાંથી ફુકો અને દેરિદા પોસ્ટમોડર્નિઝમના પુરસ્કર્તા ગણાય છે. ફ્રેન્ચ ફિલસૂફ ઝ્યૉં લ્યૉટાર્ડનું નામ એમાં મોખરે આવે. આ ઉપરાંત, વીસમી સદીના રિચર્ડ રૉર્ટી જેવા અમેરિકન તથા રોલાં બાર્થ અને ઝ્યૉં બોદ્રિયાર જેવા ફ્રેન્ચ ફિલસૂફોનાં નામ પણ એમાં ઉમેરી શકાય.

પોસ્ટમોર્ડનિઝમઃ વ્યાખ્યા અને પુરસ્કર્તાઓ

આમ, વિવિધ ચળવળોએ પશ્ચિમી માનવસમાજોને સંકુચિત માન્યતાઓના કળણમાંથી કાઢીને એવા નક્કર ધરાતલ પર મૂકવાના પ્રયત્નો કર્યા, જ્યાંથી માનવવાદ અને ઉદારતા જેવાં મૂલ્યો તરફની ગતિ શક્ય બની; જ્યાંથી પ્રગતિ, વૈજ્ઞાનિક ક્રાંતિ, આધુનિકતા તરફની દોટ સરળ બની. માણસની ઓળખ કોઈ ચોક્કસ સમૂહના આધારે નહિ, પણ આખી માનવજાતના સભ્ય તરીકે સ્થાપિત થઈ. એ રીતે માનવવાદનો એક ગ્રાન્ડ નૅરેટિવ/વિસ્તૃત વૃત્તાંત ઊભો થયો.

આમ, કમસે કમ પશ્ચિમી સમાજોમાં, ઉદારમતવાદીઓની કૂચ એના લક્ષ્યને આંબી ગઈ. જોકે આંબી ગયા પછીયે કૂચ વણથંભી ચાલુ રહી. છેવટે, લેખના પ્રારંભે કહ્યું તેમ, એ કૂચે એક વર્તુળ પૂરું કરી લીધું. અહીંથી જ સ્થિતિ વણસવાની શરૂઆત થઈ. રૂઢિચુસ્તો સાથેના સૈકાઓના સંઘર્ષ પછી જે માનવમૂલ્યોની સ્થાપના થઈ રહી હતી એમાં લિબરલોએ જ ફાચર પડવા માંડી.

આ વાતમાં સાખ પૂરતાં ડિજિટલ સામયિક એરિયોમૅગેઝિનનાં લંડનસ્થિત તંત્રી તથા  લેખિકા હેલન પ્લકરોઝ કહે છેઃ આપણે આજે ઈતિહાસના એવા અનોખા બિંદુએ આવીને ઊભા છીએ, જ્યાં યથાતથ સ્થિતિ ખાસ્સી ઉદાર છે. આજે એવો ઉદારમતવાદ પ્રવર્તે છે, જે સ્વાતંત્ર્યની અને સૌને સમાન હક તથા સમાન તકની તરફેણ કરે છે. પરિણામે, એવો ગૂંચવાડો ઊભો થયો છે કે અત્યારની ઉદાર સ્થિતિને યથાતથ જાળવવા મથતા લિબરલોની ગણતરી હવે રૂઢિચુસ્તોમાં થવા માંડી છે. બીજી તરફ, જે લોકો રૂઢિચુસ્તતાને ગમે તે ભોગે જાકારો આપવા માગે છે એ જ લોકો રૂઢિવાદ અને અતાર્કિકતાનું સમર્થન કરતા દેખાય છે.

આમ, લિબરલો રૂઢિચુસ્તોનું પ્રતિરૂપ બની ગયા છે. કેવી રીતે? આવું કેમ બન્યું? એનો જવાબ છે, આગળ કહ્યું તેમ, પોસ્ટમૉર્ડનિઝમ/અનુઆધુનિકવાદ. શું છે આ અનુઆધુનિકવાદ? એનો શાબ્દિક અર્થ છેઃ આધુનિકવાદ/મૉર્ડનિઝમ પછીની ચળવળ. એનાં મૂળભૂત પાસાં પ્રથમ વાર 1940ના દાયકામાં જોવા મળ્યાં - ખાસ કરીને જૉર્જ લુઈ બૉર્હેસ નામના આર્જેન્ટિનિયન કવિ-લેખકના દાર્શનિક સાહિત્યમાં. જોકે ખરી ચળવળ 1960ના દાયકામાં ફ્રાન્સમાં શરૂ થઈ. એ ચળવળ કળાકીય અને દાર્શનિક હતી. એણે જ મૉર્ડનિઝમ પર ઘાત કરતાં સિદ્ધાંત અને કળાને જન્મ આપ્યો.

અમુક વિદ્વાનોના મતે અનુઆધુનિકવાદનો પ્રારંભ 1950-60ના દાયકામાં સ્થાપત્ય કળામાં થયો. એનું કારણ એ હતું કે આધુનિક સ્થાપત્યોમાં પૂર્ણતા અને સંવાદિતાનો દુરાગ્રહ રખાતો અને આલંકારિક સુશોભનને જાકારો અપાતો. એના પ્રત્યાઘાતરૂપે અનુઆધુનિકવાદની ચળવળ ઉદ્ભવી. એ ચળવળને સ્થાપત્યમાંથી કળા, સંગીત, સાહિત્ય અને દર્શનમાં આવતાં ઝાઝી વાર ન લાગી. આ બધાં ક્ષેત્રોમાં ઝડપભેર સ્થાપિત થઈ ગયું કે અનુઆધુનિકવાદ એટલે એવી ચળવળ, જે આધુનિકવાદ કરતાં વધુ આલંકારિક હોય, વધુ સંકુલ, વધુ વિરોધાભાસી ને વૈવિધ્યસભર તથા વધુ સંદિગ્ધ હોય. ઉપરાંત, એમાં પરંપરા ફરી ઊઘડતી આવતી હોય.

દર્શનશાસ્ત્રમાં ફિનોમિનોલૉજી, સંરચનાવાદ અને અસ્તિત્વવાદ વગેરેથી પ્રભાવિત થયેલી આ ચળવળ વિશે એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા કહે છેઃ યુરોપીય ઈતિહાસનાં આધુનિક કાળનાં મૂલ્યો તથા દાર્શનિક ધારણાઓ સામેનો પ્રત્યાઘાત. આ પ્રત્યાઘાત એટલે મૉર્ડનિઝમનો વિરોધ.

હેલન પ્લકરોઝ પોસ્ટમૉર્ડનિઝમની આ વક્રતાને વધુ સ્પષ્ટ કરતાં કહે છેઃ આધુનિકતા એટલે વિજ્ઞાન, વિવેકબુદ્ધિ, માનવવાદ અને સાર્વત્રિક ઉદારવાદનો વિકાસ એવું જો આપણને અભિપ્રેત હોય તો, પોસ્ટમૉર્ડનિસ્ટો એવા વિકાસની વિરુદ્ધ છે. હા, આધુનિકતા એટલે ચર્ચ, સામંતશાહી, રાજાશાહી અને પિતૃસત્તાક વ્યવસ્થા જેવાં સત્તાકેન્દ્રો પર પ્રહાર એવું જો આપણને અભિપ્રેત હોય તો, પોસ્ટમૉર્ડનિસ્ટો એવા પ્રહારો ચાલુ રાખવાની કોશિશ કરી જ રહ્યા છે. પરંતુ આજે સ્થિતિ એવી છે કે પોસ્ટમૉર્ડનિસ્ટોએ વિજ્ઞાન, તાર્કિકતા, માનવવાદ અને ઉદારવાદ પર જ નિશાન તાકેલું છે.

બેશક, અનુઆધુનિકવાદ આધુનિક ચળવળોના ઉદાર માનવવાદથી અવળો ચાલ્યો છે. એણે વાસ્તવનો વિરોધ કરવા આવાં-ગાર્ડ (કળાક્ષેત્રે નવા અગ્રગામી વિચારો)માંથી, સરરિયલિઝમ/અતિવાસ્તવવાદ (20મી સદીના પૂર્વાર્ધમાં કળા-સાહિત્યમાં શરૂ થયેલી ચળવળ, જેમાં સ્વપ્નનાં અને અચેતન મનનાં તત્ત્વો ધરાવતાં વિચિત્ર ને અતાર્કિક વિચારો-છબિઓની સહોપસ્થિતિ હોય)માંથી અને નીત્શે તેમ જ હાઈડેગરના વિચારોમાંથી પ્રેરણા લીધી છે. નૈતિકતા, તર્ક અને સ્પષ્ટતાનું સન્માન કરતાં દર્શનોને પણ એણે નકારી કાઢ્યાં છે. એની સંદિગ્ધતાને કારણે જ એની મૂળભૂત પ્રકૃતિ ઝટ સમજાતી નથી. કોઈ એક સ્થિર વાસ્તવિકતા હોઈ શકે અને વસ્તુનિષ્ઠ-વિશ્વસનીય જ્ઞાન સંભવી શકે એ તથ્ય એમાં નકારી કઢાયું છે.

પ્લકરોઝ કહે છેઃ અનુઆધુનિકવાદ વિરોધાભાસો અને વિસંગતિઓથી ભરેલો હોવા છતાં એના મૂળમાં કેટલાક અવિચળ વિચારો છે. એ જ વિચારો ડાબેરીઓની વિશ્વસનીયતા પર પ્રહાર કરી રહ્યા છે અને આપણને અતાર્કિક અને આદિવાસી કલ્ચર તરફ ખેંચી રહ્યા છે. આ જ વિચારોએ સ્ટ્રક્ચરલિઝમ પર પ્રહાર કર્યો. સમાજને એના આર્થિક માળખા થકી સમજવાનો પ્રયાસ કરનાર માર્ક્સવાદ પણ આ વિચારોને બહુ ન ભાવ્યો. એટલું ઓછું હોય તેમ માનવીય અનુભૂતિઓ વિનાય જાણીસમજી શકાય એવા વસ્તુનિષ્ઠ વિજ્ઞાનને પણ નકારી કાઢવામાં આવ્યું. એમાં કોઈ સંદેહ નથી કે અનુઆધુનિકવાદ એક એવી ડાબેરી ચળવળ હતી, જેમાં નિહિલિઝમ/શૂન્યવાદ (જીવન અર્થશૂન્ય હોવાની માન્યતાને કારણે સર્વ ધાર્મિક અને નૈતિક સિદ્ધાંતોનો નકાર) પણ હતો અને ક્રાંતિકારી તાસીર પણ. એ ક્રાંતિકારી પ્રકૃતિમાં યુદ્ધ અને સામ્રાજ્યવાદ પછીની પશ્ચિમની યુગચેતનાનો પ્રતિઘોષ હતો. જોકે જેમ જેમ અનુઆધુનિકવાદ વિકસિત થતો ગયો તેમતેમ એનું શૂન્યવાદી અને ખંડનાત્મક ચરણ ગૌણ થતું ગયું અને આઈડેન્ટિટી પોલિટિક્સ (ધર્મ, જાતિ ને રેસના આધારે રચાતાં રાજકીય જૂથો)નું ચલણ હાવી થતું ગયું.

અનુઆધુનિકવાદ પર ઉજાસના આટલા શેરડા ફેંક્યા પછી પણ શક્ય છે કે એનો ચહેરો ઝાંખો દેખાય. આથી એને વધુ નજીકથી જોવા એના પુરસ્કર્તા ગણાતા લ્યૉટાર્ડ, ફુકો અને દેરિદાના વિચારો વિશે થોડુંક જાણી લેવું જરૂરી છે.

ઝ્યૉં-ફ્રાન્ઝવા લ્યૉટાર્ડઃ ફિનોમિનોલૉજી, લિબિડિનલ (કામેચ્છાને લગતી) ફિલોસૉફી અને પોસ્ટમૉર્ડનિઝમ પર વિદ્વતાપૂર્ણ કાર્ય કરનાર આ ફ્રેન્ચ ફિલસૂફ માનતો હતો કે વાસ્તવિકતા વેરવિખેર ઘટનાઓથી બનેલી હોય છે અને એને તાર્કિક સિદ્ધાંતો થકી સચોટ રીતે રજૂ ન કરી શકાય. આમ, એણે તાર્કિકતા સામે જ પ્રશ્ન ઊભો કર્યો. ઈન્દ્રિયગ્રાહ્ય અનુભૂતિઓ તથા ભાવુકતાને મહત્ત્વ આપ્યું. માનવવાદને નકારી કાઢ્યો. વૈવિધ્યનો મહિમા કર્યો. પોસ્ટમૉર્ડન શબ્દને ચલણી બનાવ્યો.

લ્યૉટાર્ડ એના પુસ્તક ધ પોસ્ટમૉર્ડન કન્ડિશનઃ અ રિપોર્ટ ઑન નૉલેજમાં કહે છેઃ પોસ્ટમૉર્ડન એટલે મેટાનૅરેટિવ્સ પ્રત્યેનો સંદેહ. મેટાનૅરેટિવ એટલે વ્યાપક કથન અથવા સત્ય. એટલે ધર્મ, ઈતિહાસ અને વિભિન્ન વિચારધારાઓ. આ મેટાનૅરેટિવ્સ જીવનનો અર્થ સમજાવવાની સાથે સાંસ્કૃતિક રીતિઓ અને સામાજિક દૂષણો-કર્તવ્યો વિશેનું વ્યાપક જ્ઞાન સ્થાપિત કરે છે. લ્યૉટાર્ડે મિનિનૅરેટિવ્સની એટલે કે નાનાં વ્યક્તિગત સત્યોની તરફેણ કરી. એ જ સંદર્ભમાં એણે માર્ક્સવાદી વિચારધારા અને ખ્રિસ્તી ધર્મને તપાસ્યાં. તકલીફ ત્યારે થઈ જ્યારે એણે વિજ્ઞાનને પણ મેટાનૅરેટિવને બદલે મિનિનૅરેટિવ તરીકે જોવાનું શરૂ કર્યું.

આ વાત વિગતે સમજીએ. લ્યૉટાર્ડના કહેવા પ્રમાણે જ્ઞાન બે પ્રકારનાં હોય છેઃ નૅરેટિવ નૉલેજ અને સાયન્ટિફિક/વૈજ્ઞાનિક નૉલેજ. આમાંથી નૅરેટિવ નૉલેજ રૂઢિગત સમાજોમાં જોવા મળે છે, જે નૃત્ય કે ગીત દ્વારા અથવા તો મુખોપમુખ કહેવાતી વાર્તાઓમાં અને પરંપરાગત ધાર્મિક-સામાજિક વિધિઓમાં રહેલું હોય છે. આવા નૅરેટિવ નૉલેજમાં પ્રમાણભૂતતાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. એની પ્રમાણભૂતતા એના નૅરેટિવમાં અને એની કાલાતીત પરંપરામાં જ નિહિત હોય છે.

આનો સીધો અર્થ એ કે રૂઢિગત સમાજોની પરંપરાગત કોઠાસૂઝ કે માન્યતાઓ સામે સવાલ ન ઉઠાવાય, પરંતુ સાયન્ટિફિક નૉલેજમાં તો પ્રમાણભૂતતાનો પ્રશ્ન ઉદ્ભભવે જ, કેમ કે વિજ્ઞાન તો પ્રયોગમૂલક પ્રમાણો મળ્યા પછી જ નૉલેજ તરીકે માન્યતા પામે. નૅરેટિવ અને સાયન્ટિફિક નૉલેજ વચ્ચેનો આ ભેદ જ લ્યૉટાર્ડના પોસ્ટમૉર્ડનિઝમનું મુખ્ય પાસું છે. સાયન્ટિફિક નૉલેજ એના પ્રમાણભૂતતાના આગ્રહને કારણે નૅરેટિવ નૉલેજને જ્ઞાન ગણે જ નહિ. ઉદાહરણ તરીકે ભડલીવાક્યો. ઋતુઓ અને વરસાદના વરતારા વિશેનાં એ અનુભવસિદ્ધ વાક્યોમાં તત્કાલીન સમાજને જ્ઞાન દેખાયું હોઈ શકે, પરંતુ વિજ્ઞાન એને જ્ઞાન ન ગણે.

આ વાત લ્યૉટાર્ડને ભયજનક લાગે છે. કારણ, એના મત મુજબ, વેરવિખેર ઘટનાઓની બનેલી વાસ્તવિકતાને સાયન્ટિફિક નૉલેજ ક્યારેય પૂર્ણરૂપે ન પામી શકે, પરંતુ નૅરેટિવ નૉલેજ પામી શકે. એટલે વિજ્ઞાન નૅરેટિવ કરતાં વધુ પ્રમાણભૂત હોવાનો દાવો ન કરી શકે એવી લ્યૉટાર્ડની માન્યતા દૃઢ થઈ. આમ, લ્યૉટાર્ડે રૂઢિગત ધાર્મિક-સામાજિક માન્યતાઓમાંથી ઉદ્ભવેલા જ્ઞાનને વિરાટ ઘોષિત કર્યું અને વિજ્ઞાનને વામન. વૈજ્ઞાનિક પ્રમાણોને ધુત્કારીને એણે માનવીય અનુભવોને વધુપડતું મહત્ત્વ આપ્યું અને વિજ્ઞાન સામે ધર્મનો એકડો મોટો કર્યો. વળી, એણે નીત્શેના વિચારો (યથાર્થ જેવું કંઈ હોતું નથી, માત્ર એનાં અર્થઘટનો હોય છે)નો અને પ્લુરલિઝમ/બહુલતાવાદની એવી આવૃત્તિનો મહિમા કર્યો, જે લિબરલોનાં લોકતાંત્રિક મૂલ્યોના સ્થાને નાનાં સામાજિક જૂથોની ધાર્મિક-સાંસ્કૃતિક માન્યતાને મહત્ત્વ આપતી હતી.

આ રીતે ઉદારમતવાદીઓની કૂચ, લેખના પ્રારંભે કહેલું તેમ, એવા બિંદુએ આવી ગઈ, જ્યાં ઉદારમતવાદીઓનો સ્વર રૂઢિચુસ્તોના સ્વરમાં ભળી ગયો. આ ખરેખર તો પોસ્ટમોર્ડનિઝમે આધુનિકવાદ પર મારેલો મરણતોલ ફટકો હતો. એનાં દુષ્પરિણામો આપણે આગળ જોઈશું.

મિશેલ ફુકોઃ ફુકોએ કળા અને સાહિત્ય, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને દર્શન જેવી વિવિધ વિદ્યાઓમાં કાર્ય કર્યું હતું. યુકેની મિડલસેક્સ યુનિવર્સિટી સાથે સંકળાયેલા પ્રૉફેસર માર્ક કેલી લખે છેઃ ફુકોએ મહદંશે દાર્શનિક વિચારોનો ઐતિહાસિક વૃત્તાંત આપ્યો છે. નીત્શેથી પ્રભાવિત ફુકોના પ્રથમ પુસ્તક ધ હિસ્ટરી ઑફ મૅડનેસમાં જ એનાં આગામી કાર્યનો અણસાર મળી ગયો હતો. એ પછી ધ બર્થ ઑફ ક્લિનિક અને ધી ઑર્ડર ઑફ થિંગ્સ જેવાં બે પુસ્તકોમાં એણે સંરચનાવાદ પર કામ કર્યું, પણ પાછળથી એ સંરચનાવાદથી અળગો થઈ ગયો. એણે હિસ્ટરી અને કલ્ચરના અભ્યાસ માટે ભાષા અને રિલેટિવિઝમ/સાપેક્ષવાદનો ઉપયોગ કર્યો.

ફુકોને, જોકે, સૌથી વધુ રસ સત્તા અને જ્ઞાન વચ્ચેનો સંબંધ તપાસવામાં હતો. સામાજિક નિયંત્રણો ઊભાં કરવા માટે સત્તા અને જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે થાય છે એ સમજાવવાના એણે સઘન પ્રયાસ કર્યા. ધ હિસ્ટરી ઑફ સેક્સ્યુઆલિટીઃ ધ વિલ ટુ નૉલેજ નામના પુસ્તકમાં એણે સત્તાની વિભાવના તથા સમાજમાં સત્તાની ભૂમિકા ચર્ચી. એમાં એણે માર્ક્સિસ્ટ અને ફ્રોઈડિયન સિદ્ધાંતોને નકારી કાઢ્યા. એ માનતો કે મધ્યકાલીન સામંતશાહી અને આધુનિક ઉદારમતવાદી લોકતંત્રો એકસરખાં અત્યાચારી છે. ફુકો એ સંસ્થાઓની આલોચના કરવાના પક્ષમાં હતો, જેથી રાજકીય હિંસાને ઉઘાડી પાડી શકાય.

આ જ કારણસર, ચળવળકાર જૂથોને પણ ફુકોના સિદ્ધાંતો આકર્ષતા રહ્યા છે અને કદાચ એ જ કારણથી, ફુકો પણ કાયમ રાજકીય ચળવળકાર રહ્યો હતો. માર્ક્સવાદને એણે ક્યારેય નહોતો અપનાવ્યો, છતાં એ ડાબેરી જરૂર રહ્યો હતો. એના વિરોધીઓએ એના કાર્યને નિરાશાજનક અને મૂળભૂત રીતે નકારાત્મક કહ્યું છે. કદાચ, એ વાત સાચી પણ હતી. અમેરિકન ભાષાવિદ્ અને ફિલસૂફ નોઆમ ચોમ્સ્કીએ ફુકો સાથેની ચર્ચામાં કહેલું કે ન્યાયની વિભાવના માણસની વિવેકબુદ્ધિમાં જ રહેલી છે. પરંતુ ફુકોએ એ વાત નકારી કાઢતાં કહ્યું હતું કે ન્યાયની વિભાવનાનો કોઈ યુનિવર્સલ/સર્વસામાન્ય આધાર હોઈ જ ન શકે.

ફુકોના આવા જ આઘાતજનક, સંદિગ્ધ અને પોસ્ટમૉર્ડનિસ્ટ સિદ્ધાંતોએ એને એવો ઉદ્દામવાદી બનાવી દીધો કે 1979માં થયેલી ઈરાનિયન ક્રાંતિની એણે તરફેણ કરી અને આયાતોલ્લાહ ખોમેનીની ઈસ્લામિસ્ટ ચળવળનો પક્ષ લીધો. એના મૂળમાં કદાચ પશ્ચિમી સામ્રાજ્યવાદની ગિલ્ટ/અપરાધગ્રંથી હતી. ઈરાનિયન ક્રાંતિને સમર્થન આપવા બદલ પશ્ચિમમાં ફુકોની આલોચના થઈ ખરી, પરંતુ એ બહુધા ભુલાઈ ગઈ. લોકોને યાદ રહ્યો એવો વિદ્વાન ફુકો, જેણે દુનિયાભરના ઉદારમતવાદીઓમાં એપિસ્ટેમિક રિલેટિવિઝમ/જ્ઞાનની સાપેક્ષતાનું મહાત્મ્ય કર્યું.

ઝાક દેરિદાઃ આ ફ્રેન્ચ ફિલસૂફ અને ભાષાવિદ્ પર ઘણા ફિલસૂફોનો પ્રભાવ હતો, જેમ કે જર્મન ગણિતજ્ઞ અને ફિલસૂફ એડમન્ડ હસર્લ, સ્વિસ ભાષાવિદ્ ફર્ડિનાન્ડ દી સોસ્યુર, ફ્રેન્ચ ફિલસૂફ ઈમૅન્યુઅલ લેવિના, ઑસ્ટ્રિયન મનોવિશ્ર્લેષક સિગમન્ડ ફ્રૉઈડ, નીત્શે અને હાઈડેગર. મૂળે સાંસ્કૃતિક અને વ્યક્તિગત સાપેક્ષતામાં માનતા દેરિદા વીસમી સદીના મધ્યમાં ફ્રાન્સમાં પ્રચલિત ફિનોમિનોલૉજી, અસ્તિત્વવાદ અને સંરચનાવાદ જેવી દાર્શનિક ચળવળોથી જાણીજોઈને અળગા થઈ ગયા હતા. સ્યુડોફિલોસૉફીના આક્ષેપો ઝીલનાર દેરિદાને દુર્બોધતા માટે ફુકો જેવા પોસ્ટમોર્ડનિસ્ટની ટીકા પણ ખમવી પડી હતી. ખુદ નોઆમ ચોમ્સ્કીએ પણ કબૂલ્યું હતું કે એમને દેરિદા સમજાતા નથી.

આમ છતાં 1960ના દાયકામાં દેરિદાએ વિકસાવેલી ડીકન્સ્ટ્રક્શન/વિખંડન (અથવા વિરચન) નામની નવી જ પદ્ધતિએ સાહિત્ય, મનોવિજ્ઞાન, સાંસ્કૃતિક અભ્યાસ, ભાષાવિજ્ઞાન, નારીવાદ, સમાજવાદ અને નૃવંશશાસ્ત્ર જેવાં વિવિધ વિષયો અને વિદ્યાશાખાઓ પર અમીટ પ્રભાવ પાડ્યો એ હકીકત છે. ઑસ્ટ્રેલિયન પ્રૉફેસર જૅક રેનોલ્ડ્સ આ પદ્ધતિ વિશે કહે છેઃ એ નકારાત્મક નથી, છતાં એનો હેતુ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રની પરંપરાની આલોચના કરવાનો છે.

ડીકન્સ્ટ્રક્શનને વિગતે સમજીએ. એનાં બે પાસાં છેઃ સાહિત્યિક અને દાર્શનિક. કોઈ સાહિત્યિક કૃતિનું ડીકન્સ્ટ્રક્શન કરાય ત્યારે કૃતિમાં રહેલા અર્થોની શોધ મહત્ત્વની બને છે. જ્યારે દાર્શનિક પાસાનું લક્ષ્ય હોય છે મેટાફિઝિક્સ. દેરિદાનું કહેવું છે કે તમામ દર્શનોમાં મેટાફિઝિક્સ એક મહત્ત્વનું અંગ છે, જે પુરુષ-સ્ત્રી”, “હાજર-ગેરહાજર જેવા બાયનરી/દ્વિઅંગી વિરોધાર્થી શબ્દપ્રયોગો સર્જે છે અને હાયરાર્કી/દરજ્જો/કક્ષા ઊભી કરે છે. આ હાયરાર્કીનો વિશેષ લાભ બાયનરીના એક પ્રયોગને મળે છે (જેમ કે ગેરહાજર પહેલાં હાજર આવે છે, “સ્ત્રી પહેલાં પુરુષ આવે છે વગેરે).

દેરિદાનું જાણીતું વિધાન છે: ધેર ઈઝ નો આઉટસાઈડ-ટેક્સ્ટ. એટલે કે બાહ્ય કૃતિપાઠ જેવું કંઈ હોતું નથી. આ વિધાનનું ખોટું અર્થઘટન આ રીતે પણ થયું છેઃ ધેર ઈઝ નથિંગ આઉટસાઈડ ટેક્સ્ટ. એટલે કે કૃતિપાઠની બહાર કશું હોતું નથી. જોકે દેરિદા ધેર ઈઝ નો આઉટસાઈડ-ટેક્સ્ટ થકી એવું કહેવા માગતા હતા કે શબ્દોનો કોઈ જ સંદર્ભ વિનાનો સ્વતંત્ર અર્થ ન સંભવી શકે. મતલબ, કૃતિનો અર્થ એના સંદર્ભોમાં જ હોય. એ સંદર્ભો એટલે કૃતિ જે ભાષાની હોય એ ભાષાનું વ્યાકરણ, એ ભાષા પોતે, એ ભાષાનો ઈતિહાસ, એ ભાષા બોલતા સમાજનું એ ઈતિહાસ વિશેનું જ્ઞાન વગેરે વગેરે. ઉપરાંત, કૃતિના લેખકના તમામ લેખન વિશેની જાણકારી પણ ખરી.

આનું તાત્પર્ય એ કે ટેક્સ્ટ/કૃતિપાઠના સઘળા અર્થ એમાં જ નિહિત હોય અને શબ્દોના, સંદર્ભો વિનાના, સ્વતંત્ર અર્થો ન સંભવે. એનો બીજો અર્થ એ થયો કે વાચક કે શ્રોતા કૃતિમાં રહેલા અગણિત સંદર્ભો પરથી એનું પોતીકું અર્થઘટન કરી શકે. એનો ત્રીજો અર્થ એવો પણ થયો કે કૃતિનો કોઈ અર્થ અંતિમ ન હોઈ શકે.

દેરિદા તો ત્યાં સુધી કહે છે કે વિપર્યયી શબ્દોને કારણે જ નિશ્ચિત શબ્દ અર્થગર્ભિતા ધારણ કરે. ઉદાહરણ તરીકેઃ પૂર્વ શબ્દનો અર્થપશ્ચિમ શબ્દના સંદર્ભમાં અને પુરુષ શબ્દનો અર્થ સ્ત્રી શબ્દના સંદર્ભમાં જ સ્પષ્ટ થાય. આમ, હકારાત્મક અને નકારાત્મક એવા બે વિરોધાર્થી શબ્દોના દ્વંદ્વમાંથી એક અર્થ બંધાય. દેરિદાના મતે, બે વિરોધાર્થી શબ્દોમાંથી હકારાત્મક શબ્દને મળતો વિશેષ લાભ એક સામાજિક દરજ્જો ઊભો કરે. એ દરજ્જાનું વિખંડન કરીને, એને ઊલટાવીને નકારાત્મક શબ્દને મહત્ત્વ આપવું જોઈએ. અર્થાત્, પુરુષ  અને પશ્ચિમ જેવા હકારાત્મક ગણાતા શબ્દોને સ્થાને સ્ત્રી અને પૂર્વ  જેવા શબ્દોને મહત્ત્વ આપવું જોઈએ. આ છે ડીકન્સ્ટ્રક્શન.

આ ડીકન્સ્ટ્રક્શનને કારણે જ, હેલન પ્લકરોઝના કહેવા પ્રમાણે, દેરિદામાં કલ્ચરલ તથા એપિસ્ટેમિક રિલેટિવિઝમ અને આઈડેન્ટિટી પોલિટિક્સ (ચોક્કસ ધર્મ કે જાતિના લોકો દ્વારા રચાતાં રાજકીય જૂથોનું રાજકારણ)ની તરફેણ દેખાય છે. સાથેસાથે ભેદભાવોને અતિક્રમતાં ઉદારમતવાદી મૂલ્યોનો, સાર્વત્રિક માનવઅધિકારોનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો નકાર પણ દેખાય છે.

પોસ્ટમોર્ડનિઝમઃ વ્યાપક નકારાત્મક અસરો

લ્યૉટાર્ડ, ફુકો અને દેરિદા જેવા પુરસ્કર્તાઓએ વાવેલો પોસ્ટમૉડર્નિઝમનો આ છોડ આજે વટવૃક્ષ બની ગયો છે. એની શાખાઓ સમાજવિજ્ઞાનનાં અને જ્ઞાનનાં તમામ ક્ષેત્રોમાં પ્રસરી ગઈ છે. એનું કારણ છે ડાબેરીઓના અમુક વર્ગો. એક સમયે એન્લાઈટન્મેન્ટ એજનાં મૂલ્યોને અપનાવીને વિશ્વને આધુનિકતા તરફનો પ્રચંડ ધક્કો આપવામાં અગ્રસર રહેલા આ ડાબેરીઓએ આજે કલ્ચરલ રિલેટિવિઝમ (વ્યક્તિનાં મૂલ્યો, માન્યતાઓ અને રીતિરિવાજો જે તે વ્યક્તિની સંસ્કૃતિના આધારે સમજવાં જોઈએ, નહિ કે અન્ય સંસ્કૃતિના આધારે - એવો વિચાર) અપનાવી લીધું છે. કલ્ચરલ અને એપિસ્ટેમિક રિલેટિવિઝમનો એટલો મહિમા ગવાયો છે કે આજે નૈતિકતા પણ મહદંશે સાપેક્ષ બની ગઈ છે. અર્થાત્, કોઈ વ્યક્તિના અપકૃત્યને અનૈતિકનો સિક્કો મારતાં પહેલાં એનાં સમાજ ને સંસ્કૃતિનાં મૂલ્યોને આધારે એ કૃત્યને મૂલવવાનો દુરાગ્રહ રખાય છે. આજે વાસ્તવ પણ સાપેક્ષ ગણાય છે. વિજ્ઞાન, ઈતિહાસ, તર્કસંગતતા, સાર્વત્રિક ઉદારમતવાદ અને એમ્પિરિકલ/પ્રયોગમૂલક પ્રમાણોને આજે સંદેહથી જોવામાં આવે છે.

આની શરૂઆત, પત્રકાર આરતી ટિકૂ સિંહ લખે છે તેમ, મિશેલ ફુકોથી થઈ હતી. 1979ની ઈરાની ક્રાંતિ વખતે મુલ્લાઓએ આયાતોલ્લાહ ખોમેનીની આગેવાની હેઠળ બળવો કરીને મોહમ્મદ રઝા પહેલવી નામના શાસકને ઊથલાવી દીધો હતો. પશ્ચિમી દેશોની કઠપૂતળી જેવા એ શાસકે ઈરાનિયન સમાજનું સેક્યુલરાઈઝેશન/બિનસાંપ્રદાયિકીકરણ કરવાનું શરૂ કરેલું. એમાં કોઈ સંદેહ નથી કે પહેલવીની સરકાર અન્યાયી અને અત્યાચારી હતી, પરંતુ ઘણા લોકોને સમજાઈ ગયું હતું કે પહેલવીનો જવાબ ઈસ્લામિસ્ટ શાસન ન જ હોઈ શકે. આમ છતાં ફુકોએ ઈરાની ક્રાંતિને અને ખોમેનીને સમર્થન આપતા લેખો લખ્યા.

એ વખતે ફ્રાન્સમાં રહેતાં એક ઈરાનિયન નારીવાદી લેખિકાએ એક ફ્રેન્ચ સામયિકમાં લખ્યું હતું:પશ્ચિમના ડાબેરીઓને લાગે છે કે ઈસ્લામ ઈચ્છનીય છે, પરંતુ એમાંના મોટા ભાગના લોકો ઈસ્લામના શાસન હેઠળ રહેવા માગતા નથી. મારા જેવા ઘણા ઈરાનિયનો ઈસ્લામિક સરકારના વિચારમાત્રથી ચિંતિત છે. ડાબેરીઓએ આ ઈલાજ (ઈસ્લામિક શાસનનો)થી આકર્ષાવાની જરૂર નથી, કારણ કે આ ઈલાજ બીમારી કરતાંય વધુ ઘાતક છે.

જોકે ફુકો ઈસ્લામથી આકર્ષાઈ ગયો હતો, ભરમાઈ ગયો હતો. કારણ હતું પોસ્ટમૉર્ડનિઝમના હાર્દમાં રહેલું કલ્ચરલ રિલેટિવિઝમ. ફુકો માનતો હતો કે દરેક સમાજ કંઈ માનવઅધિકારો વિશે પશ્ચિમ જેવી સમજ ન ધરાવતો હોય. ખેર, એણે ઈરાનમાં સ્થપાનારા સંભવિત ઈસ્લામિક શાસનની પ્રશંસા કરતાં લખેલું:લઘુમતીઓ જો બહુમતીને નુકસાન નહિ પહોંચાડે તો એમનું રક્ષણ થશે. સ્ત્રી અને પુરુષ વચ્ચે અધિકારોની બાબતે અસમાનતા નહિ રહે. હા, જેટલો પ્રકૃતિગત ભેદ છે એટલો જ ભેદ રહેશે.

જોકે આયાતોલ્લાહ ખોમેનીએ સત્તા પર આવતાંવેંત ફુકોને ખોટો પાડ્યો. ઈસ્લામિક શાસનનો પ્રારંભ થયો કે તરત પહેલવીના અધિકારીઓને ફાંસી દેવાઈ. મદ્યપાન કરનારાઓને જાહેરમાં કોરડા વીંઝવાનો કાયદો આવ્યો. પુસ્તકાલયો ઈસ્લામવિરોધી હોવાનું ઠરાવીને એમના પર હુમલા થયા. મીડિયા પર સેન્સરશિપ આવી. એવા ફતવા પણ આવ્યા કે મહિલાઓ ન્યાયાધીશ નહિ બની શકે, રમતગમતમાં ભાગ નહિ લઈ શકે, એમણે નકાબ ફરજિયાત પહેરવો પડશે અને ફક્ત પુરુષો જ છુટ્ટાછેટા માગી શકશે.

આમ, જોતજોતાંમાં ઈરાન અંધારયુગમાં ફેંકાઈ ગયું. એનો વિરોધ કરવાને બદલે ફુકો અને એના જેવા પોસ્ટમોર્ડનિસ્ટ બૌદ્ધિકોએ એનો બચાવ કરીને ખોટો દાખલો બેસાડ્યો. એ બૌદ્ધિકો અવળે માર્ગે ગયા એટલે એમને અનુસરતો અર્ધદગ્ધ સમાજ પણ અવળે માર્ગે ગયો. દુનિયાભરમાં ઈસ્લામિક કટ્ટરતાનાં વરવાં સ્વરૂપોએ માથું ઊંચક્યું, છતાં પોસ્ટમૉર્ડનિસ્ટોએ મોઢું સીવેલું જ રાખ્યું. ભારતીય મૂળના બ્રિટિશ લેખક સલમાન રશદીએ લખેલા પુસ્તક સેતાનિક વર્સીસથી ક્રોધે ભરાઈને આયાતોલ્લાહ ખોમૈનીએ જ્યારે 1989માં રશદીની હત્યાનો ફતવો બહાર પાડ્યો ત્યારે કલ્ચરલ રિલેટિવિઝમના માંધાતા એવા પોસ્ટમૉર્ડનિસ્ટોએ ખોમૈનીને વખોડવાને બદલે એમ કહીને રશદીનો ઉધડો લીધો કે તમારે મુસ્લિમોને ઉશ્કેરવા નહોતા જોઈતા.

એ તો ઠીક, ભ્રષ્ટાચાર, સ્ત્રીઓ પરના અત્યાચાર, બેકારી, ફુગાવો અને ધાર્મિક કટ્ટરતાથી ત્રસ્ત ઈરાની પ્રજા આ વર્ષની શરૂઆતમાં ઈસ્લામિક શાસન સામે દેખાવો કરવા શેરીમાં ઊતરી આવી ત્યારે પણ પોસ્ટમૉર્ડનિસ્ટ લિબરલો ચૂપ રહ્યા. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ તરીકે ઓળખાતાં, ઈસ્લામિક શાસનની રક્ષા માટે રચાયેલાં, અર્ધલશ્કરી દળોએ પ્રજાના બળવાને ડામવા બે ડઝન દેખાવકારોને મારી નાખ્યા એ ઘટનાના છેક અઠવાડિયા પછી યુરોપિયન યુનિયનના દેશોએ એ હિંસાની ટીકા કરી. ભારત જેવા દેશોએ પણ આ મામલે એક હરફ ન ઉચ્ચાર્યો. આરતી ટિકૂ સિંહ કહે છે તેમ, “બ્રેક્ઝિટ (બ્રિટનનું યુરોપીય સંઘમાંથી નોખા પડવું) પછી અને અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી અશક્ત થઈ ગયેલું લિબરલ વર્લ્ડ ફુકોડિયન જાળમાં સપડાઈ ગયું છે. વક્રતા એ વાતની છે કે લિબરલ વર્લ્ડ ફુકોડિયન જાળમાં હોંશેહોંશે ફસાયેલું રહ્યું છે અને હજી રહેવા માગે છે.

આવી ઘણી જાળને લીધે જ દુનિયા આજે પોસ્ટ-ટ્રુથ યુગમાં પ્રવેશી છે. અર્થાત્, એવા યુગમાં જ્યાં લોકોના અભિપ્રાયો તથ્યોને આધારે નહિ, બલ્કે ભાવનાઓ અને માન્યતાઓના આધારે ઘડાય છે. આ યુગની ખાસિયત વિશે ડેનિયલ ટી. રૉજર્સ નામના ઈતિહાસકાર માર્મિક ટકોર કરતાં કહે છેઃ આજે એકેય સત્ય નથી તોય લાગે છે કે આ યુગ સત્યોથી છલકાઈ રહ્યો છે.

ભારતીય મૂળના બ્રિટિશ લેખક અને રેડિયો પ્રેઝન્ટર કેનન મલિક આ વાતને આગળ વધારતાં કહે છેઃ એમાંનાં મોટા ભાગનાં સત્યોનો અર્થ આવું હું માનું છું અને મને લાગે છે કે આ જ સાચું હોવું જોઈએ વગેરે જેવા ઉદ્ગારોથી વધારે નથી. આપણે અસંખ્ય સત્યોના યુગમાં જીવી રહ્યા છીએ અને એ સર્વ સત્યો એકબીજાં સાથે સ્પર્ધામાં છે, પોતપોતાની ખરાઈ વિશે આગ્રહી છે અને બીજાં સત્ય સાથે ચર્ચાવિમર્શ કરવાનું તો દૂર રહ્યું, એમના અસ્તિત્વનેય નકારતાં રહે છે.

કેનન મલિકે આ વાતમાં વધુ ઊંડા ઊતરીને વૈજ્ઞાનિક, રાજકીય અને નૈતિક સત્યોનો ભેદ સમજાવ્યો છે. એ કહે છેઃ વૈજ્ઞાનિક સત્યો હંગામી હોવા છતાં વિશ્વને જેવું છે એવું રજૂ કરે છે. જોકે રાજકીય અને નૈતિક સત્યો જુદાં હોય છે. એ સત્યો વિશ્વને જેવું છે એવું રજૂ કરવા ઉપરાંત આપણે એને કેવું બનાવવા ઈચ્છીએ છીએ એની રજૂઆત પણ કરે છે. રાજકારણ માત્ર વિશ્વ વિશેનાં તથ્યો પર જ નહિ, એ તથ્યોનું અર્થઘટન કરતા વૈચારિક માળખાં પર પણ આધાર રાખે છે. આ નોખાં નોખાં વૈચારિક માળખાં વિશ્વ વિશે વિરોધાભાસી દૃષ્ટિકોણ ધરાવતાં હોવાથી રાજકારણ જાહેર ચર્ચા-સંવાદો પર આધાર રાખે છે. એમાં અન્યોના અભિપ્રાયો સાંભળવાની અને પોતાની માન્યતા બદલવાની તૈયારી હોય છે. જોકે આજે એ તૈયારી અને એ ખુલ્લાપણાનું ધોવાણ થઈ ગયું છે. આ ધોવાણનો બોધ આપણને પોસ્ટ-ટ્રુથ એજમાં જીવતા હોવાની પ્રતીતિ કરાવે છે.

આ ધોવાણની વાત ધૈર્યથી સમજવા જેવી છે. એક સમયે રાજકારણમાં વિચારધારાનો મહિમા હતો. ડાબેરી કે જમણેરી વિચારધારા સામસામે અથડાતી. જોકે આજે સ્થિતિ એવી છે કે આ વિચારધારાઓમાં વિચાર કરતાં ઓળખનું તત્ત્વ વધુ વજનદાર થઈ ગયું છે. સમાજવાદી કે સામ્યવાદી જેવા ભેદને બદલે હવે શ્વેત-અશ્વેત, હિંદુ-મુસ્લિમ, દલિત-સવર્ણ જેવા ભેદ વધુ ઘેરા બન્યા છે. એક સમયે રાજકીય સંઘર્ષ સમાજને વૈચારિક રીતે વિભાજિત કરતો, પણ આજનો આઈડેન્ટિટી પોલિટિક્સથી ગ્રસિત રાજકીય સંઘર્ષ સમાજને સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખથી વિભાજિત કરે છે. કેનન આ વાતને સમજાવતાં કહે છે કે રાજકીય સંઘર્ષમાં તમે કોણ છો એના કરતાં તમે શેમાં માનો છો એ વધુ મહત્ત્વનું હતું. આઈડેન્ટિટી પોલિટિક્સના સંઘર્ષમાં તમે શેમાં માનો છો એના કરતાં તમે કોણ છો એ વધુ મહત્ત્વનું બની ગયું છે.

આ જ કારણસર, આજે ઈતિહાસ લખતી વખતે આઈડેન્ટિટી પોલિટિક્સમાં ખૂંપેલાં કટ્ટર ધાર્મિક જૂથોના વિરોધનો સામનો કરવો પડે છે. એનું ઉદાહરણ આપતાં હેલન પ્લકરોઝ એક પ્રસંગ વર્ણવે છેઃ રેસિઝમ વિશે લખતી વેળાએ એમણે એવી દલીલ કરેલી કે ઈંગ્લિશ નાટ્યકાર શેક્સપીયરના ઑથેલો નાટકમાં ડેસ્ડિમોનાનું શ્યામવર્ણી ઑથેલો માટેનું આકર્ષણ તત્કાલીન પ્રેક્ષકોને વાંધાજનક નહિ લાગ્યું હોય, કેમ કે એ સમયે હજી રંગભેદ પ્રચલિત નહોતો થયો. આ દલીલ સામે એક પોસ્ટમૉર્ડનિસ્ટ પ્રૉફેસરે એવી નુક્તેચીની કરેલી કે અમેરિકાના નિગ્રો સમાજને આ નહિ ગમે. એમનો અર્થ એ હતો કે વાત સાચી હોય તોય નિગ્રો સમાજને માઠું લાગી શકે એવી હોય તો એના વિશે લખવું એ અનૈતિક કહેવાય.

આવી સ્થિતિના જન્મ માટે તો નહિ, પરંતુ સ્થિતિ આ હદ સુધી વકરી એના માટે તો નિશ્ચિતપણે પોસ્ટમૉર્ડનિસ્ટોને જવાબદાર ગણી શકાય. આમ છતાં એમને શું કામ પડકારવામાં ન આવ્યા એવો પ્રશ્ન સ્વાભાવિક જ થાય. ઉત્તર એ છે કે પોસ્ટમૉર્ડનિસ્ટો એ પડકારને ઘોળીને પી ગયા છે. મૂળભૂત પ્રશ્નોના ઉત્તર એ લોકો આપતા જ નથી. હેલન પ્લકરોઝ પોસ્ટમૉર્ડનિઝમના ત્રણેય પુરસ્કર્તાઓ અંગે મૂળભૂત સવાલો કરતાં પૂછે છેઃ લ્યૉટાર્ડ મેટાનૅરેટિવને નકારે છે, પરંતુ એક મેટાનૅરેટિવને સ્થાને અનેક મિનિનૅરેટિવ્સ હોવા જોઈએ એવો એનો સિદ્ધાંત સ્વયં એક મેટાનૅરેટિવ નથી? ફુકો કહે છે કે જ્ઞાન ઈતિહાસ પર અવલંબે છે. આ દાવો સ્વયં શું ઈતિહાસ પર અવલંબિત નથી? દેરિદાએ ટેક્સ્ટની લવચિકતા વિશે જેટલું પણ લખ્યું છે એ વાંચીને શું એવો અર્થ ન કાઢી શકાય કે એમનું લખાણ ખરેખર તો સસલાની વાર્તા છે?”

અહીં આ વિદ્વાનોને ઉતારી પાડવાનો હેતુ નથી, પરંતુ એમણે પકડેલી દિશા ખોટી હોવાનું સાબિત કરવાનો છે. ચૅલેન્જિંગ પોસ્ટમૉર્ડનિઝમ નામનું પુસ્તક લખનાર ફિલસૂફ ડેવિડ ડેટમર કોઈક પોસ્ટમૉર્ડનિસ્ટ ફિલસૂફ સાથેની એમની, માથું ચકરાઈ જાય એવી, વાતચીત ટાંકતાં કહે છેઃ મેં એમને પૂછ્યું કે જિરાફ કીડી કરતાં ઊંચું હોય એ હકીકત છે કે નહિ? એમણે ઉત્તર આપ્યો કે એ હકીકત નથી, એ તો અમારા કલ્ચરની એક ધાર્મિક ભાવના છે.

આ વાત આઘાતજનક લાગી? તો પોસ્ટમૉર્ડનિસ્ટોની વિજ્ઞાન પ્રત્યેની સૂગનું સદૃષ્ટાંત ચિત્રણ કરતા પુસ્તક ફૅશનેબલ નૉનસેન્સઃ પોસ્ટમૉર્ડન ઈન્ટેલેક્ચ્યુઅલ્સ અબ્યુઝ ઑફ સાયન્સમાં આપેલું આ એક જ ઉદાહરણ જુઓ. આ પુસ્તકના લેખકો એલન સોકલ અને ઝ્યૉં બ્રિકમોન્ત લખે છે, જરા પણ વિશ્વસનીય ન ગણાતા ક્રિયેશનિઝમ (બ્રહ્માંડ અને જીવન દૈવી પ્રતાપથી ઉદ્ભવ્યાં છે એવી ધાર્મિક માન્યતા) જેવા નૅરેટિવની ચુંગાલમાં ફસાયેલા લોકોના અપવાદ સિવાય બીજા કયા લોકો ઉત્ક્રાંતિના ગ્રાન્ડ નૅરેટિવનો નકાર કરી શકે? અને મૂળભૂત ભૌતિકશાસ્ત્રને કોણ નકારી શકે? જવાબ છેઃ કેટલાક પોસ્ટમૉર્ડનિસ્ટો.

તટસ્થ સત્યો નથી હોતાં, માત્ર સ્થાનિક માન્યતાઓ હોય છે એવું કહેતા પોસ્ટમૉર્ડનિસ્ટોને આ બન્ને ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રીઓએ પોતાના પુસ્તકમાં આડે હાથે લીધા છે. એ માટે પોસ્ટમૉર્ડનિસ્ટોએ એ બન્નેની ટીકા પણ બહુ કરી છે, પરંતુ નોઆમ ચોમ્સ્કી જેવા વિદ્વાન અને રિચર્ડ ડૉકિન્સ જેવા નાસ્તિક તથા એન્થૉલૉજિસ્ટ (નૃવંશશાસ્ત્રની સામાજિક-સાંસ્કૃતિક શાખાના અભ્યાસુ) એમના બચાવમાં ઊતર્યા છે. ચોમ્સ્કીએ તો કહ્યું છે કે આ પુસ્તકની તથાકથિત ડાબેરીઓ દ્વારા થયેલી આલોચના એકદમ વાહિયાત છે.

લિબરલો અને રૂઢિચુસ્તો વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે એવો લેખના પ્રારંભે કરાયેલો દાવો ઉપર્યુક્ત ઉદાહરણો કરતાં તો ઓછો જ આઘાતજનક છે. આ ઉદાહરણ પણ જુઓઃ થોડા મહિના પહેલાં આપણા ભાજપી પ્રધાનશ્રી સત્યપાલ સિંહે પણ ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરીને વૈજ્ઞાનિક રીતે ખોટી કહીને નકારી કાઢી હતી. આથી, જમણેરી સત્યપાલ સિંહ અને ક્રિયેશનિસ્ટોમાં તથા પોસ્ટમૉર્ડનિસ્ટોમાં કોઈ ફરક નથી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહિ હોય.

પોસ્ટમૉર્ડનિસ્ટો આધુનિકતાના નામે પછાતપણા તરફ ગતિ કરી રહ્યા હોવાનાં એક નહિ, અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે, પણ એ પુનરાવર્તન જેવું લખાણ ટાળીને અહીં એક બીજી મહત્ત્વની વાત કરીએ. પોસ્ટમૉર્ડનિસ્ટોને પોતાની જેમ વર્તતા જોઈને પ્રત્યાઘાતી જમણેરીઓને પણ ચાનક ચઢી છે. એમને પોતાના પ્રત્યાઘાતી વિચારો ગબડાવવા માટેનો ઢાળ મળી ગયો છે. ડાબેરીઓ પ્રગતિવાદી મૂલ્યો તરીકે નોખા હોવાનો અધિકાર માગે છે ત્યારે જમણેરીઓ પણ આઈડેન્ટિટી પોલિટિક્સમાં ઊતરી આવ્યા છે. કેનન મલિક કહે છેઃ એકૅડેમિયાના અમુક વર્ગે અને ડાબેરીઓએ એવું કલ્ચર ઊભું કર્યું છે, જેમાં તથ્યો અને જ્ઞાનની સાપેક્ષતા વાંધાજનક ન લાગે... વર્ષો સુધી રિલેટિવિઝમને અને આઈડેન્ટિટી પોલિટિક્સને ઉત્તેજન આપનાર ડાબેરીઓ હવે (ડિટ્ટો એવું જ કરી રહેલા) જમણેરીઓને પડકારવાની સ્થિતિમાં નથી.

આ બધામાં સૌથી ગંભીર મુદ્દો છે વિજ્ઞાન પર થઈ રહેલા પ્રહારનો. એક નાનું, છતાં અત્યંત મહત્ત્વનું ઉદાહરણ લઈએઃ સાઉથ આફ્રિકામાં થોડાં વર્ષો પહેલાં પ્રગતિવાદી વિદ્યાર્થી ચળવળ થયેલી. એમાં વિદ્યાર્થીઓએ કહેલું કે લોકોને જ્ઞાનપ્રાપ્તિ માટે એક જ રીત શીખવાય છે વિજ્ઞાન. એ લોકોએ જ્ઞાનપ્રાપ્તિનો બીજો માર્ગ કયો સૂચવ્યો હતો, ખબર છે? વિચક્રાફ્ટ. એટલે કે કાળોજાદુ! છેને આઘાતજનક?

ખેર, મુદ્દો એ છે કે પ્રયોગમૂલક પ્રમાણમાં માનતું વિજ્ઞાન વિજ્ઞાન એપિસ્ટેમિક રિલેટિવિટીથી ભ્રષ્ટ થવાનું નથી એટલે અત્યારે આપણને વિજ્ઞાન સામેનાં ભયસ્થાનો ભલે ન દેખાય, પરંતુ ભવિષ્ય વિશે વિચાર કરવા જેવો છે. કારણ, હેલન પ્લકરોઝ કહે છેઃ વિજ્ઞાન લોકોનો વિશ્વાસ ખોઈ બેસે અને એટલે એને રાજ્ય દ્વારા મળતું ભંડોળ અટકી જાય એવી શક્યતાને હળવાશથી લેવા જેવી નથી. આવું થશે તો કદાચ આપણે ફરી ગુફાયુગમાં ભલે નહિ જઈએ, છતાં આપણા કલ્પનાશ્વોની પાંખો કપાઈ જશે અને બ્રહ્માંડના વણઉકલ્યા પ્રશ્નોના ઉત્તરો જાણવાની આપણી જિજ્ઞાસાવૃત્તિ પર લગામ લાગી જશે એવો ભય અસ્થાને નથી.

ભારતમાં અનુઆધુનિકવાદ

આ લેખની આ સૌથી નાજુક શાખા છે. ખોટી જગ્યાએથી પકડાઈ જાય તો તૂટી જાય એવી બટકણી પણ ખરી. કારણ, ભારત વૈવિધ્ય અને વિરોધાભાસોનો દેશ છે, જેનો એક પગ મધ્યયુગમાં છે અને બીજો આધુનિક યુગમાં. બધા જ સંભવિત અંતિમોની અહીં સહોપસ્થિતિ છે. અહીં ઈસ્લામોફોબિયા અને હિંદુફોબિયાનું સહઅસ્તિત્વ છે. વરવો રાષ્ટ્રવાદ પણ અહીં છે અને ગરવો માનવવાદ પણ અહીં છે. એક તરફ, તમામ ધર્મ અને વિચારધારાના લોકોના સહવાસે આ દેશને સહનશીલ અને ધર્મનિરપેક્ષ બનાવ્યો છે. બીજી તરફ, ધાર્મિક કટ્ટરતાના નહોર એના આત્મા પર સતત ઉઝરડા પાડતા રહ્યા છે.

અહીં કથિત ગોરક્ષકોની જીવલેણ જોહુકમી અને ગોમાંસના માફિયાઓની દાદાગીરી એકસાથે ચાલે છે. એક તરફ, જમણેરી સત્તાપક્ષના નેતાઓ બેફામ વિધાનોથી લઘુમતીઓની અસલામતીની લાગણીને પ્રજ્વલિત રાખે છે. બીજી તરફ, ડાબેરીઓ અને કથિત બિનસાંપ્રદાયિકો હિંદુ રાષ્ટ્રનો કાલ્પનિક ભય દર્શાવીને બહુમતીની ધારી લેવાયેલી ખલનાયકીને રેખાંકિત કરતા રહે છે. એક બાજુ અહીંની લોકશાહી આતંકવાદીઓના માનવઅધિકારને માન્ય રાખે છે અને બીજી બાજુ અહીંની ઠોકશાહી સામાન્ય માણસના મૂળભૂત અધિકારોને છૂંદતી રહે છે. નારીવાદ અહીં એની ચરમસીમાએ છે, છતાં અધિકાંશ સ્ત્રીઓનું સ્થાન અહીં પુરુષોની એડી હેઠળ છે. એક બાજુ અહીં વિકાસનો વધતો ઉજાસ છે અને બીજી બાજુ અધિકાંશ પ્રજા ગરીબી, નિરક્ષરતા, અજ્ઞાન, જાતિવાદ, સામાજિક અન્યાય અને અંધશ્રદ્ધાના અંધકારમાં જીવે છે.

એમાં કોઈ સંદેહ નથી કે ભારતમાં હજી નાગરિકહકો અને સામાજિક ન્યાય જેવાં માનવમૂલ્યોનાં ચીંથરાં ઊડતાં રહે છે. બેલાશક, ભારત હજી પશ્ચિમની જેમ આધુનિકવાદનાં વસ્ત્રોથી પૂર્ણપણે આવરિત નથી થયું. આ સ્થિતિમાં અનુઆધુનિકવાદના આલંકારિક ભરતગૂંથણનો તો પ્રશ્ન જ ન ઉદ્ભવી શકે. જોકે વક્રતા એ વાતની છે કે ભારતમાં લિબરલોની કૂચે આધુનિકવાદનું લક્ષ્ય આંબ્યું ન હોવા છતાં અનુઆધુનિકવાદ પાછલે બારણેથી અહીં પ્રવેશી ગયો છે.

એનું કારણ છે. આ દેશ નિરક્ષરોથી ઊભરાતો હોવા છતાં અહીં બૌદ્ધિકો ઓછા નથી. પ્રાચીનકાળે હિંદુ ધર્મમાં જન્મેલી ચાર્વાક જેવી તાર્કિક વિચારધારાને કારણે, મધ્યકાળે વિવિધ ધર્મ-સંસ્કૃતિના સાયુજ્યથી જન્મેલા ડહાપણને લીધે અને અર્વાચીનકાળે બ્રિટિશ શિક્ષણને કારણે બૌદ્ધિકોનો અહીં દુકાળ નથી રહ્યો. વળી, એ તો સર્વવિદિત છે કે લિબરલો વાસ્તવમાં વાંચતી-વિચારતી-ચર્ચતી બૌદ્ધિક પ્રજાતિ છે. એટલે દુનિયાભરના લિબરલો વચ્ચે બૌદ્ધિક આયાત-નિકાસ ચાલતી રહે એ સ્વાભાવિક છે.

આમ, અહીંના બૌદ્ધિકોએ પશ્ચિમના અનુઆધુનિકવાદની આયાત કરી લીધી છે. એની જરૂર ન હોવા છતાં. અહીં ઘણા લિબરલો અનુઆધુનિકવાદની ભાષા બોલી રહ્યા છે. ક્યારેક સમજીને, ક્યારેક સમજ્યા વિના. એ વાત શંકાથી પર છે કે અહીંના અપાર વૈવિધ્ય ધરાવતા વિભિન્ન સમાજો બિનસાંપ્રદાયિકતાના તાંતણે બંધાયેલા છે. પરંતુ આ લિબરલોએ બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યાને જ વિકૃત કરી નાખી છે. ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક બાબતોમાં પ્રમાણો ને તથ્યોની વિરુદ્ધ જઈને પણ લઘુમતીઓનું ઉપરાણું લેવું અને બહુમતીનો વિરોધ કરવો એ એમના માટે બિનસાંપ્રદાયિકતા છે. ધર્મ ને જાતિને અવગણીને સમાનતાની વાત કરતો લિબરલ અહીં કોમવાદી ગણાઈ જાય છે. આ હકીકત અહીં પોસ્ટમોર્ડનિઝમનું અસ્તિત્વ હોવાની સાખ પૂરે છે. આ જ કારણથી અહીં લઘુમતીઓ સમાજના મુખ્ય પ્રવાહથી અળગી રહી ગઈ છે. આવા લિબરલોને કારણે જ કટ્ટર જમણેરી શક્તિની સંકુચિતતા સામેની લિબરલોની મૂળ લડત પાછી પડે છે.

આપણે ઈતિહાસનું ઉદાહરણ લઈએ. ગઈ સદીના ઉત્તરાર્ધમાં અહીંના માર્ક્સવાદી ઈતિહાસકારોએ મધ્યયુગીન મુસ્લિમ શાસકોના અત્યાચારો પરથી ફોકસ હટાવી દીધું હતું. મુસ્લિમ શાસકોએ બળપૂર્વક કરાવેલાં ધર્માંતરણો, એમણે કરેલો અસંખ્ય મંદિરોનો ધ્વંસ, હિંદુઓનો નરસંહાર ઈત્યાદિના ઈતિહાસને પશ્ચાદભૂમાં ધકેલી દેવાયો હતો. એ તો ઠીક, કેટલાક અર્ધદગ્ધ ઈતિહાસકારોએ મુસ્લિમ શાસકોનાં અપકૃત્યો ભૂંસીને એમને કલ્યાણકારી ચિતરવાનું શરૂ કર્યું ત્યારે તો હદ થઈ ગઈ. કોમી સંવાદિતા અને માનવઅધિકાર માટે કામ કરતા રામ પુનિયાની જેવા બૌદ્ધિકોએ કહ્યું કે મહમંદ ઘોરી અને મેહમૂદ ગઝની મૂર્તિભંજક ધર્મઝનૂની નહોતા, માત્ર મધ્યયુગના અન્ય લૂંટારા જેવા લૂંટારા જ હતા. આવા કેટલાક લોકોએ અલ્લાઉદ્દીન ખીલજીના ટૅક્સ રિફૉર્મ્સ/કરસુધારાનાં વખાણ કર્યાં. ઈતિહાસને આ રીતે વિકૃત કરાયો એના પ્રત્યાઘાતમાં જમણેરી શક્તિઓને પણ બળ મળ્યું. એમણે રાણા પ્રતાપ હલ્દીઘાટીનું યુદ્ધ જીતી ગયા હતા જેવા ખોટા નૅરેટિવ્સ ફેલાવ્યા.

ઈતિહાસને મરોડવા પાછળ અમુક લિબરલોની એવી ચિંતા કામ કરે છે કે લઘુમતીઓની ધાર્મિક ભાવનાઓ આહત ન થવી જોઈએ, એમની સામાજિક-સાંસ્કૃતિક ઓળખને ઠેસ ન પહોંચવી જોઈએ. પ્રમાણો ભલે ગમે તે કહે, આપણે એ સમુદાયોને માઠું ન લાગે એ માટે તથ્યોને રંગી નાખવાનાં. આનું નક્કર પ્રમાણ છે કાશ્મીરી પંડિતો પરના અત્યાચારનો અમુક લિબરલો દ્વારા થતો નકાર.

કાશ્મીરી ભાગલાવાદીઓએ એવો ખોટો નૅરેટિવ ઊભો કર્યો છે કે નેવુંના દાયકાના પ્રારંભે કટ્ટર મુસ્લિમોએ કાશ્મીરી પંડિતો પર કોઈ અત્યાચાર નહોતો કર્યો, બલ્કે રાજ્યના તત્કાલીન રાજ્યપાલ જગમોહનના કહેવાથી પંડિતોએ કાશ્મીરમાંથી ઉચાળા ભર્યા હતા. જગમોહન અને તત્કાલીન સરકારનો મનસૂબો એ હતો કે પંડિતો રાજ્યમાંથી નીકળી જાય તો રાજ્યના મુસ્લિમો આતતાયી સાબિત થાય.

આ ખોટા નૅરેટિવ થકી કાશ્મીરી ભાગલાવાદીઓએ પંડિતોની કત્લેઆમનો અને પંડિતોને બળજબરીથી કાશ્મીરમાંથી તગેડી મુકાયા હતા એ હકીકતનો નકાર કરી દીધો. આ નૅરેટિવ લિબરલોએ માની લીધો એટલું જ નહિ, ફેલાવ્યો પણ ખરો. એમણે એટલો વિચાર પણ ન કર્યો કે સાડા ત્રણ લાખ કરતાં વધુ લોકો કોઈના કહેવાથી રાતોરાત પોતાનું વતન છોડીને ન ભાગે. આટલી મોટી સંખ્યામાં કોઈ સમુદાય તાત્કાલિક વતન છોડીને ભાગે ત્યારે એની પાછળ એક જ કારણ હોય – ડર.

ખેર, કાશ્મીરી ભાગલાવાદીઓએ તો આંતરરાષ્ટ્રીય મંચ પર માનવઅધિકારોના મુદ્દે પોતાની પાટી સ્વચ્છ રાખવા માટે આ જુઠ્ઠાણું ફેલાવ્યું છે. પરંતુ અમુક લિબરલોએ શું કામ આ ગીતમાં સૂર પુરાવ્યો? જવાબ છેઃ કાશ્મીરી મુસ્લિમોને માઠું ન લાગી જાય એટલે.

આ દાખલો પણ કલ્ચરલ રિલેટિવિઝમનો જ છે, જે ભારતમાં અનુઆધુનિકવાદના અસ્તિત્વની સાખ પૂરે છે. સાચું પૂછો તો, લઘુમતીઓને માઠું ન લાગે એ માટે એમના ધાર્મિક-સામાજિક રીતિરિવાજોનો બચાવ કરવો એ અહીંના કેટલાક લિબરલોનો ફુલ-ટાઈમ બિઝનેસ છે. એટલું જ નહિ, એ લોકો બહુમતીના ધાર્મિક-સામાજિક રીતિરિવાજો પર ટૂટી પડવાને પોતાની પવિત્ર ફરજ સમજે છે. કેમ? કારણ કે ભારતમાં હિન્દુ ધર્મ એમના માટે મેટાનરૅટિવ છે. એવો મેટાનૅરેટિવ, જે લઘુમતીઓના મિનિનૅરેટિવ્સને ગળી જઈ શકે છે.  

એનીવે, આપણે તથ્યોને મરોડવાની વાત કરતા હતા. આ નિપુણતા અહીંના કટ્ટર જમણેરીઓની જેમ અમુક કટ્ટર ડાબેરી લિબરલોએ હસ્તગત કરી લીધી છે. અનુકૂળતા પ્રમાણે યથાર્થનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા પોસ્ટમૉર્ડનિસ્ટો સિવાય બીજું કોણ આપે? આમાં લિબરલોને ભારતના મુખ્ય પ્રવાહનાં પ્રસારમાધ્યમોનો પૂરો સહકાર મળી રહે છે. બળાત્કાર, લિન્ચિંગ અને હત્યા જેવા જઘન્ય અપરાધોમાં આરોપી હિન્દુ હોય અને પીડિત મુસ્લિમ કે ખ્રિસ્તી હોય ત્યારે મીડિયા બહુ ઊહાપોહ કરે છે. કરવો પણ જોઈએ. પરંતુ જ્યારે આરોપી મુસ્લિમ કે ખ્રિસ્તી હોય અને પીડિત હિન્દુ હોય એવી ઘટના નાનાઅમથા સમાચારનું સ્વરૂપ પણ માંડ માંડ પામે છે. એવે વખતે કોઈ ઊહાપોહ થતો નથી.

હા, અમુક પ્રસારમાધ્યમો સવારસાંજ જમણેરી શાસકોનાં પ્રશસ્તિગીતો ગાય છે અને બાકીનાં પ્રસારમાધ્યમો કલ્ચરલ રિલેટિવિઝમનો મહિમા ગાયા કરે છે. કારણ, મોટા ભાગનાં માધ્યમોમાં ડાબેરી વિચારધારા ધરાવતા લોકોનું વર્ચસ્વ છે. એમની ઈકોસિસ્ટમનો વ્યાપ વિશાળ છે. આ કવાયતમાં લઘુમતીઓની અનુચિત બાબતો વાજબી ઠેરવાતી રહે છે અને બહુમતીની ઉચિત બાબતોની આલોચના થતી રહે છે. આને કારણે અમુક સમાચારો નાગરિકો સુધી પહોંચતા જ નથી. ચોક્કસ સમાચારોમાં દૃષ્ટિકોણ, અભિપ્રાય અને વિચારધારાનો રંગ પૂરેલો હોય છે.

આ સ્થિતિમાં નાગરિકો નિર્ભેળ સમાચારથી વંચિત રહી જાય છે. એના પ્રત્યાઘાત તરીકે હવે એમણે પણ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની પાંખો થકી ભયજનક ઉડ્ડયનો કરવા માંડ્યાં છે. ફેકન્યુઝ અને અફવાઓનાં ઉત્પાદન તથા ફેલાવામાં એમનો ફાળો પણ હવે નાનોસૂનો રહ્યો નથી. એ લોકો પોતાના કન્ફર્મેશન બાયસીસ (એવું પક્ષપાતી વલણ, જેમાં આપણી માન્યતાને અનુકૂળ હોય એ જ રીતે માહિતી-પુરાવાને જોવાં)નો તો પ્રસાર કરે જ છે, સાથેસાથે જાણેઅજાણે રાજકીય પક્ષોનો હાથો બનીને આઈડેન્ટિટી પોલિટિક્સમાં પણ રમમાણ રહે છે.

લગભગ બધા રાજકીય પક્ષો હવે એમના ચોક્કસ ધર્મ કે જાતિના સમર્થકોથી ઓળખાય છે. હિંદુઓનો પક્ષ, મુસ્લિમોનો પક્ષ, દલિતોનો પક્ષ વગેરે. વિચારધારાઓ પશ્ચાદભૂમાં જતી રહી છે અને ઓળખ મહત્ત્વની બની ગઈ છે. ભારતમાં પોસ્ટમૉર્ડનિઝમનો પગપેસારો થઈ ગયો છે અને અહીંના અમુક લિબરલો પણ કટ્ટર જમણેરીઓ જેવા જ કટ્ટર બની ગયા છે એનું આ પ્રમાણ છે.

પોસ્ટમૉર્ડનિઝમઃ એક બચાવ

પોસ્ટમૉર્ડનિઝમને ખલનાયક ચિતર્યા પછી એનો બચાવ થઈ શકે? જવાબ થોડો સંકુલ છે, પણ જવાબનો ઝોક ના કરતાં હા તરફ વધુ છે. સાચું પૂછો તો, અનુઆધુનિકવાદનો પિંડ પશ્ચિમમાં 60-70 વર્ષ પહેલાં બંધાયો, પરંતુ આપણે ત્યાં તો સદીઓથી એનું અસ્તિત્વ છે. હા, એનું સ્વરૂપ થોડુંક જુદું છે. એ સ્વરૂપ એટલે સનાતન ધર્મ. પોસ્ટમૉર્ડનિઝમની પરિભાષા વાપરીએ તો કહી શકાય કે સનાતન ધર્મમાં કોઈ એક મેટાનૅરેટિવ નથી, બલ્કે મૂર્તિપૂજા, નિરાકારવાદ, દ્વૈત કે અદ્વૈતવાદ, જ્ઞાનમાર્ગ, ઉપાસનામાર્ગ, ભક્તિમાર્ગ, મોક્ષમાર્ગ, કર્મમાર્ગ કે નાસ્તિકતા જેવા ઘણા મિનિનૅરેટિવ્સ છે.

આ બધા જ મિનિનૅરેટિવ્સ, સનાતન ધર્મનાં નાનાં નાનાં સત્યો છે. આમ સનાતન ધર્મમાંય સત્યની સાપેક્ષતા છે. એ જ એની બ્યુટી છે. હા, એમાં વર્ણભેદ જેવી કુરૂપતાઓ છે, પણ મહદંશે એ ધર્મ તમને સ્વતંત્રતા આપે છે. તમે એ પાળો, ન પાળો કે જુદી રીતે પાળો તમને કોઈ પૂછનારું નથી. એ રીતે એક ગ્રંથ, એક ઈશ્વરમાં માનતા એકેશ્વરવાદી અબ્રાહમિક ધર્મો (યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ) કરતાં સનાતન ધર્મ જુદો છે. એટલે એને પોસ્ટમૉર્ડનિઝમની સારી આવૃત્તિ કહી શકાય.

જોકે આ તો થઈ મેટાફર/રૂપકની વાત. એનાથી પોસ્ટમૉર્ડનિઝમની પશ્ચિમી આવૃત્તિનો બચાવ ન થઈ શકે. આમ છતાં એ વાત ખરી કે સામાજિક-રાજકીય-ધાર્મિક ક્ષેત્રે કુરૂપ લાગતી પોસ્ટમૉર્ડનિઝમની ખામી સાહિત્ય ને કળાક્ષેત્રે એની ખૂબી બની જાય છે. પોસ્ટમૉર્ડનિઝમ કળાકૃતિઓને બહુપરિમાણીય તથા બહુસ્તરીય ઘાટ આપીને એમના એસ્થેટિક્સ/સૌંદર્યને તો ઊભારે જ છે, સાથેસાથે એ સાહિત્યમાં કે અન્ય કળાકૃતિમાં વ્યક્તિની અને સમાજજીવનની સંકુલતાને પણ વધુ તીવ્રતાથી ઊપસાવી શકે છે. આધુનિક યુગના સમાજની જટિલતા-સંકુલતા સાહિત્ય કે કળામાં સઘનતાથી ઊપસાવવા માટેનું પોસ્ટમૉર્ડનિઝમ જેવું બીજું કોઈ ઓજાર ભાગ્યે જ હશે.

આ દલીલને ફિલ્મ રાશોમોનના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. રિયુનોસુકે આકુતાગાવા નામના જાપાની લેખકની નવલિકા પરથી પ્રતિષ્ઠિત જાપાની દિગ્દર્શક અકીરા કુરોસાવાએ બનાવેલી આ ફિલ્મમાં પ્રધાન ઘટના છે બળાત્કાર અને હત્યાની. એક લૂંટારો એક સમુરાઈ (જાપાની યોદ્ધા)ની પત્ની પર બળાત્કાર કરે છે અને સમુરાઈની હત્યા કરે છે. આ ઘટના વિશેનાં ચાર બયાનમાં આખી ફિલ્મ ઊઘડે છે. લૂંટારો, સમુરાઈની પત્ની અને એક માધ્યમ થકી મૃત સમુરાઈનો આત્મા એમ ત્રણ બયાન દ્વારા અદાલત સમક્ષ એ ઘટનાનું વર્ણન થાય છે. અંતે, અદાલતની બહાર સામાન્ય લોકોની વાતચીતમાં એ ઘટનાનો એકમાત્ર સાક્ષી એવો કઠિયારો પણ એ ઘટનાનું વર્ણન કરે છે.

આશ્ચર્યની વાત એ છે કે આ ચારેયનાં બયાન જુદાં છે. ચારમાંથી ત્રણ જણ તો એવા છે, જે એ ઘટનામાં પક્ષકાર છે, છતાં એમનાં બયાનો એકમેક સાથે મેળ નથી ખાતાં. આમ, એક જ ઘટનાનાં ચાર વિભિન્ન વિવરણ આપતી આ અદ્ભુત ફિલ્મ દ્વારા અકીરા કુરોસાવાએ અનેક સત્યની અથવા સત્યની સાપેક્ષતાની વાત કરી છે, જે પોસ્ટમૉર્ડનિઝમનો મૂળ વિચાર છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એટલે કે 1950ની સાલમાં અનુઆધુનિકવાદ હજી ગર્ભસ્થ હતો. કદાચ, એનું નામકરણ પણ નહોતું થયું. પોતે પોસ્ટમૉર્ડન ફિલ્મ બનાવી છે એ વાત કુરોસાવા જાણતા હતા કે નહીં એ તો કોને ખબર, પરંતુ એટલું નક્કી કે એમનો હેતુ અનેક વાસ્તવિકતાને ઉજાગર કરવાનો હતો.

હવે પ્રશ્ન એ થાય કે સાહિત્ય ને કળામાં સત્યની સાપેક્ષતાની વાત થકી પોસ્ટમૉડર્નિઝમ ઉપકારક નીવડી શકે સમાજમાં કેમ નહિ? દર્શનમાં કેમ નહિ? આનો, કદાચ કોઈકને પાંગળો લાગી શકે એવો, ઉત્તર એટલો જ છે કે કળાનું વાસ્તવ અને વાસ્તવનું વાસ્તવ એ બન્ને નોખી બાબત છે. કળાનું વાસ્તવ સામાજિક વાસ્તવનું ચિત્ર અવશ્ય દોરી શકે, પરંતુ એનો આશય કળાના માપદંડો જાળવીને સામાજિક વાસ્તવને પ્રભાવશાળી રીતે અભિવ્યક્ત કરવાનો હોય. આ રીતે અભિવ્યક્ત થયેલું કળાવાસ્તવ જો બહુસ્તરીય હોય તો સામાજિક યથાર્થ પોતે બહુસ્તરીય ન બની જાય.

સરળ શબ્દોમાં કહીએ તો બાની વિદાયથી ઘરની દીવાલો પણ ભાંગી પડી એવી અભિવ્યક્તિનો શાબ્દિક અર્થ લઈને ખરેખર દીવાલો તૂટી ગઈ એમ ન માની લેવાય. એ જ રીતે, રાશોમોન ફિલ્મનો અર્થ એવો બિલકુલ ન કાઢી શકાય કે દરેક વ્યક્તિનું સત્ય ભિન્ન હોવાને કારણે બધાં જ બળાત્કારો અને હત્યાઓમાં સત્યની સાપેક્ષતા ધ્યાનમાં રાખીને ન્યાય તોળાવો જોઈએ. એમ થાય તો ન્યાયતંત્રનો કોઈ અર્થ જ ન રહે.

જોકે સાહિત્ય કે કળાકીય ક્ષેત્રે અનુઆધુનિકવાદ નઠારો નથી એવું સલામત રીતે કહી શકાય એ ખરું. દાર્શનિક અને સામાજિક ક્ષેત્રે પણ એ એટલો ખરાબ નથી કે આજની તમામ સ્થિતિ માટે એને દોષ આપી શકાય. કોઈ એવું કહે કે અનુઆધુનિકવાદને કારણે જ ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ તો એ ખોટું જ છે. ઈસ્લામિક ક્રાંતિને ફુકોનું સમર્થન ન મળ્યું હોત તોપણ એ તો થવાની જ હતી. ફરક એટલો જ છે કે ફુકો જેવા બૌદ્ધિકોએ એને સમર્થન આપીને એવો ઢાળ કોતરી આપ્યો, જેના પરથી દુનિયાને લપસવાનું બહાનું મળી ગયું.

ઉપસંહાર

અનુઆધુનિકવાદ, કમસે કમ, સામાજિક ને રાજકીય ક્ષેત્રે ભયજનક બની રહ્યો છે. લોકશાહી પર એનો કાળો ઓથાર ઝળુંબે છે. બૌદ્ધિક ચળવળોના ભાગરૂપે શરૂ થયેલી આ ચળવળનાં વિચારો ને મૂલ્યો આજે એકૅડેમિયાની સરહદો ઓળંગીને પશ્ચિમી સમાજમાં દૃઢ સાંસ્કૃતિક સત્તા પ્રાપ્ત કરી ચૂક્યાં છે. પશ્ચિમનું અનુકરણ કરવાની આપણી ટેવવશ આપણા સમાજમાંય આ ચળવળનાં મૂળિયાં ઊંડાં ઊતરી ગયાં છે.

કોઈ પણ ચળવળનો પ્રારંભ જર્જરિત અને કાળગ્રસ્ત પરંપરાઓ સામેના પ્રત્યાઘાતરૂપે જ થતો હોય છે. પછી એ ચળવળમાં વિવિધ મતો આવે છે, એના ફાંટા પડે છે. એ બધાનો વાંધો પણ નથી. કોઈ પણ વિચારધારા બંધિયાર ન બની જાય એ માટે એમાં કાળક્રમે ઉમેરા-ઘટાડા થતા રહેવા જોઈએ, એનું સ્વરૂપ બદલાતું રહેવું જોઈએ. જોકે ધર્મોની જેમ વિચારધારાઓની ચળવળોનું દુર્દૈવ પણ એ જ છે કે સમય જતાં એમનાં નાનાંમોટાં ખાબોચિયાં બનવા માંડે છે. કટ્ટરતા, જડતા, બંધિયારપણું વગેરે અપલક્ષણો ધરાવતાં આ ખાબોચિયાં ગંદકી ને રોગચાળો જ ફેલાવે છે. અમારો મત જ સાચો અને બીજાનો ખોટો એવો દુરાગ્રહ જ્યારે કોઈ ચળવળમાં પ્રવેશે ત્યારે ભેગાંભેગાં એ જ દૂષણો પણ પ્રવેશે છે, જેમની સામે એ ચળવળ શરૂ થઈ હોય. પોસ્ટમૉર્ડનિઝમમાં પણ એવું જ થયું છે.

આથી જ આજે પોસ્ટમૉર્ડનિઝમ તરફ વધુ ઢળેલા લિબરલોએ થોડું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. રૂઢિચુસ્તોને તો કહેવાનો કોઈ અર્થ જ નથી, કેમ કે એમની સામે જ લિબરલોએ માનવમૂલ્યો માટેનો સંઘર્ષ શરૂ કરેલો અને પ્રગતિવાદી સમાજ માટે એમની સામે જ લડવાનું છે. જોકે આજે એ જ સંઘર્ષમાં લિબરલો નાનાં સત્યોનો પક્ષ લઈને રૂઢિચુસ્તોની જેમ જ વિભાજનવાદી થઈ રહ્યા હોય તો એનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે! કારણ, આ યુદ્ધમાં પોસ્ટમૉર્ડનિસ્ટ લેફ્ટ જીતે કે પોસ્ટ-ટ્રુથ રાઈટ, ભોગ તો ઉદાર લોકશાહીનો જ લેવાશે અને સ્વતંત્રતા, સમાનતા તથા ન્યાયનાં મૂલ્યોનું ભાવિ અંધકારમય થઈ જશે.


નીલેશ રૂપાપરા  (લેખનઃ 2018નો ઉત્તરાર્ધ. પ્રકાશનઃ નવનીત સમર્પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરી, 2019) 


સંદર્ભઃ

1)                     ચૅલેન્જિંગ પોસ્ટમૉર્ડનિઝમઃ ફિલોસૉફી ઍન્ડ પોલિટિક્સ ઑફ ટ્રુથ - લેખકઃ ડેવિડ ડેટમર

2)                     ફૅશનેબલ નૉનસેન્સઃ પોસ્ટમૉર્ડન ઈન્ટેલેક્ચ્યુઅલ્સ અબ્યુઝ ઑફ સાયન્સ - લેખકોઃ એલન સોકલ, ઝ્યાઁ બ્રિકમોન્ત

3)                     ધ સ્ટોરી ઑફ ફિલોસૉફી – લેખકઃ વિલ ડ્યુરાં

4)                     https://areomagazine.com/2017/03/27/how-french-intellectuals-ruined-the-west-postmodernism-and-its-impact-explained/

5)                     https://kenanmalik.com/2017/02/05/not-post-truth-as-too-many-truths/

6)                     https://www.philosophybasics.com/index.html

7)                     https://www.iep.utm.edu

8)                     http://newpol.org/content/revisiting-foucault-and-iranian-revolution

9)                     https://www.philosophersmag.com/opinion/80-michel-foucault-s-iranian-folly

10)                https://blogs.timesofindia.indiatimes.com/Tic-Tac-Toe/liberals-caught-in-a-foucauldian-trap-over-iran/