વિવેચક રેજિમેન્ટ
કહેવાય છે કે દરેક માણસમાં એક સર્જક છુપાયેલો હોય છે. આ વાત કેટલી સાચી એ તો કોણ જાણે, પણ એક વાત સો ટકા સાચી છેઃ દરેક માણસમાં એક વિવેચક છુપાયેલો હોય છે. વાસ્તવમાં, છુપાયેલો નથી હોતો, બલકે ઝળાંહળાં થતો હોય છે - દિવાળીનાં ઝબુકિયાં તોરણોની જેમ. એ પોતાનાં અભિપ્રાય, સમીક્ષા, વિવેચન, કમેન્ટ વગેરે જેવા લક્ષ્મીબૉમ્બ લાગ જોઈને ફોડતો જ રહે છે.
ભગવાન સર્વવ્યાપી
છે એ વિશે વિવેચકોમાં મતભેદો હશે, પણ વિવેચક સર્વવ્યાપી છે એમાં તો ભગવાનને પણ
શંકા નહીં હોય. સાહિત્યમાં તો વિવેચકનો ઠાઠ છે. એ ભલભલા સર્જકને ભૂ પિવડાવી શકે છે
અને ભૂ પીધા પછી હતાશા ખાળવા એ સર્જકને સોમરસની જરૂર પણ પડી શકે છે.
સાહિત્યની જેમ
ફિલ્મ, નાટક, ચિત્રકળા જેવી અન્ય કળાઓમાં અને રાજકારણ તથા અર્થકારણ જેવાં
ક્ષેત્રોમાં પણ વિવેચક-સમીક્ષકનું સામ્રાજ્ય છે, જે રોમન કે મોગલ સામ્રાજ્ય જેવું
શક્તિશાળી નહીં તોય ખાસ્સું પ્રભાવશાળી છે. એમાંય ફેસબુક અને ટ્વિટર જેવાં સોશિયલ મિડિયાએ
તો આપણામાંથી ઘણાને ફુલટાઈમ વિવેચક બનાવી દીધા છે. દુનિયાના દરેક વિષય પર હવે આપણે
વિવેચકનો વેશ પહેરીનેપોસ્ટ કરી શકીએ
છીએ અને કમેન્ટ પણ.
લોકલ ટ્રેન,
હાઉસિંગ સોસાયટીની મીટિંગો, પાનનો ગલ્લો કે પછી ટીવી પર ચાલતી ડિબેટમાં પણ વિવેચકો-સમીક્ષકો
મશીન ગનની જેમ અભિપ્રાયો ફાયર કરતા
દેખાય છે. એમાંના મોટા ભાગના લોકો પાસે કાન હોતા જ નથી, માત્ર જીભ જ હોય છે.
અન્યોનો જન્મ માત્ર સાંભળવા અને પોતાનો
જન્મ માત્ર બોલવા માટે થયો છે એવી એમની
નમ્ર માન્યતા હોય છે. આવા બડબડિયા વિવેચકો કંઈકેટલુંય બડબડ કરતા હોય છે. તમે ઘણાને
એવું કહેતા સાંભળ્યા હશે કે - અરે આ તે કંઈ
સરકાર છે બૉસ, આપણને એક દિવસ માટે પ્રાઈમ મિનિસ્ટર બનાવો. પછી જુઓ એની માને...
એકેએક આતંકવાદીને પકડીને શૂટ ન કરી દઉં તો બે બાપનો...
પછી એનો ફોન વાગે
અને વાઈફ શૂટ કરે કે હવે જમવા આવવું છે કે નહીં... ત્યારે એને
ભાન થાય કે પ્રાઈમ મિનિસ્ટર બનવા રહીશ તો હોમ-મિનિસ્ટરનો આતંકવાદ સહન કરવો પડશે.
એનીવે, આ તો થઈ
આમવિવેચકની વાત. જો કે કલાની અને એમાંય ખાસ તો
સાહિત્યની વિવેચના કરતા વિવેચકો શબ્દોના અણુબૉમ્બ ફોડે ત્યારે દિવાળીના ફટાકડા એની
સામે સૂરસૂરિયાં જેવા લાગે. હકીકતમાં, આ લેખ (જે પોતે વિવેચકો પરનું વિવેચન છે
એવું માનવાની છૂટ છે) આવા ક્રિટિક્સના એક સંગઠનના મહાપરાક્રમ વિશે લખાઈ રહ્યો છે.
વિવેચકોનું સંગઠન? તમને થશે કે એ કેવી રીતે શક્ય છે? બે વિવેચકોનું એકમત થવું જ અશક્ય છે તો ઘણા વિવેચકોનું
સંગઠન? ઈમ્પૉસિબલ. આવું તો તો જ બને જો ટૂથપેસ્ટમાં
પેસ્ટ પાછી નાખી શકાય... કે પછી મોબાઈલમાં 5 રૂપિયાનું બૅલેન્સ પુરાવો ને સો
રૂપિયાનો ટૉકટાઈમ મળે... કે પછી સાડીના સેલની જાહેરાત જોઈને સ્ત્રીના હૈયામાં
ઉમંગની હેલી ન ચડે...
આમ છતાં આવું
બન્યું. વિવેચકોનું સંગઠન બન્યું. એમાં ઘણી ધમાલો થઈ, ઘણા વાદવિવાદ અને
ચર્ચાવિમર્શો થયા, પણ છેવટે ચમત્કાર થયો. સંગઠન બન્યું. ત્રણસો-ચારસો સભ્યો પણ
બન્યા. જો કે સંગઠને પ્રવૃત્તિ શી કરવી એ બાબતે વિવેચકો મૂંઝાયા. એવા મૂંઝાયા કે
પ્રવૃત્તિ નક્કી કરવામાં આખું વર્ષ નીકળી ગયું. છેવટે સંગઠનની વાર્ષિક સામાન્ય સભા
ભરાઈ. એમાં વાદવિવાદો શરૂ થયા. આ ગરમાગરમ માહોલમાં એક વિવેચકને ખતરનાક આઈડિયા
આવ્યોઃ આપણાથી ભલભલા સર્જકો કાંપે છે તો
શત્રુઓ કેમ નહીં? આપણે માભોમની
રક્ષા કાજે સરહદ પર જઈ લડવું જોઈએ.
પછી તો મતો ઉછળ્યા,
અભિપ્રાયો ફેંકાયા, ટિપ્પણીઓનો વરસાદ થયો. પેલા આઈડિયાબાજ વિવેચકનું કહેવું હતું
કે સૈન્યમાં જો મરાઠા રેજિમેન્ટ હોય, રાજપૂત રેજિમેન્ટ હોય, ગોરખા રેજિમેન્ટ હોય
તો વિવેચક રેજિમેન્ટ કેમ નહીં? અંતે વિવેચકોમાં દુર્લભ એવી સર્વસંમતિથી ઠરાવ પસાર થયો કે વિવેચક રેજિમેન્ટનો વિચાર ઉમદા છે અને એ
દિશામાં આગળ પગલાં લેવાં જોઈએ.
વિવેચકોની આ
વાર્ષિક સામાન્ય સભાની મિનટ્સ ઈન્ટરનેટમાં ખાંખાંખોળા કરતી વખતે અનાયાસે જ હાથ
લાગી ગઈ. એમાંની વાતચીત અને પ્રશ્નોત્તરીના અંશ અહીં પેશેખિદમત છે. અલબત્ત,
જાહેરહિતની કાનૂની ચેતવણી સાથે કે હવે
પછીનું વાંચન લમણાફોડ ભાષાપ્રયોગોને કારણે તમને હતાશામાં પોતાના વાળ ખેંચવા માટે મજબૂર
કરી શકે તેમ છે.
સભામાં વિવેચક રેજિમેન્ટના આઈડિયા વિશે સૌથી
પહેલો પ્રતિભાવ આવ્યો સાહિત્યના વિવેચક અને સંગઠનના મંત્રી સર્વશ્રી કિતાબવાલાનો.
એમણે અચકાતાં અચકાતાં શરૂઆત કરીઃ
“પ્રસ્તાવ ઉમદા છે, પરંતુ શત્રુસૈન્યના સમર્થ બાહુબળ તથા શસ્ત્રશક્તિ સામે આપણી
લેખિનીશક્તિની સહોપસ્થિતિ યોજવી એ વાસ્તવદર્શી અભિગમ તો કદાપિ નથી જ. માત્ર
રંગદર્શિતાનાં વાઘાંથી સજ્જ પરિકલ્પનાને કોઈ નક્કર આધાર હોતો નથી એ સત્ય અને
તથ્યને આપણે સ્વીકારવું રહ્યું.”
આ સાંભળીને
સંગઠનના ખજાનચી અને નવલિકાના વિવેચનમાં માહેર એવા પેનવાલા તરત બોલ્યાઃ
“કિતાબવાલા સાહેબ,
એ સત્યને સ્વીકારીને હું એક નવું દૃષ્ટિબિંદુ પ્રસ્તુત કરું છું. ભાષાકર્મ થકી
માનવમનનાં ઊંડાણો તાગવામાં તથા સૂક્ષ્મ માનવસંવેદનોને આત્મસાત્ કરવામાં આપણા જેવા વિવેચકોનો
સ્તર સર્જકોથી રતિભાર નિમ્ન કક્ષાનો હોવાનું કહી શકાય નહીં. જો આપણે શત્રુસૈનિકોના
ભાવપ્રદેશમાં વિહરીને એમનાં મનોસંવેદનોને પામી શકીએ અને એમની નિર્માલ્યતા તથા ચૈતસિક
નિર્બલતાનો તાગ મેળવી શકીએ તો આપણું એમની સાથેનું યુદ્ધ સર્જક સાથેના શબ્દદ્વંદ્વ
કરતાંય સરળ બની જાય.”
મિત્રો, આ વાંચીને
હાંફ ચડી હોય તો આગળ વાંચતાં પહેલાં ચા-પાણી કે એનર્જી ડ્રિન્કનો બ્રેક લઈ લેવો.
ટચલી આંગળીનો બ્રેક પણ લેવો હોય તો પ્લીઝ, ફીલ ફ્રી.
એનીવે, પેનવાલાનાં
ભારેભરખમ વાક્યો પર ફિલ્મ-સમીક્ષક પરદાવાલાએ રિઍક્ટ કરતાં કહ્યુંઃ
“આ આખા સિનારિયોને વાઈડ ઍંગલથી જોતાં મને તો એવું લાગે છે કે આમાં પટકથા નહીં,
ક-પટકથા છે. વળી, કાસ્ટિંગમાં પણ બેઝિક ગરબડ છેઃ ક્યાં દુશ્મન દેશના સૈનિકો અને
ક્યાં વિવેચકો! હા, પ્રપોઝલને
ન્યાય આપવા એટલું કહેવું પડશે કે એમાં ડ્રામા છે, ઍક્શન છે, થ્રિલ છે. આમ છતાં
કંઈક ખૂટે છે. ઍક્ચ્યુઅલી, આખી વાત સાઉથની ફિલ્મની રિમેક જેવી લાગે છે. સરહદના
લોકેશન પર જઈશું એટલે કાશ્મીરનાં નયનરમ્ય દૃશ્યો જોવા મળશે એ ખરું. આપણાં જાજરમાન
અને ગ્લૅમરસ મહિલા વિવેચક ખીચડીવાળાનો કદાચ કોઈ શત્રુસૈનિક સાથે એકાદ રોમાન્ટિક
સીન જોવા મળી જાય એ પણ ખરું. આમ છતાં ક્લાઈમૅક્સમાં માથું પાકી જશે. ટુ બી
પ્રીસાઈઝ, માથું કપાઈ જશે આપણું. ઈટ્સ અ બિગ રિસ્ક. આ હૉલીવુડ નથી. અહીં સૉંગ,
ડાન્સ અને મ્યુઝિક વિનાનો રિયલિસ્ટિક અપ્રોચ ન ચાલી શકે એ આપણે સમજવું જોઈએ.”
આ સાંભળીને
ચિત્રકલાના સમીક્ષક પીંછીવાલાએ હવામાં ચિત્ર દોરતા હોય એમ હાથ હલાવતાં કહ્યુંઃ
“મારા નમ્ર મત પ્રમાણે આ પ્રસ્તાવ નવવાસ્તવવાદ જેવો છે. કલરફુલ છે. રેનેસાં પછી
આ પ્રકારના વિશાળ કૅનવસ પર કોઈએ કામ કર્યું હોવાનું મારા ધ્યાનમાં નથી. સાલ્વાડોર
ડાલીના કોઈ ઍબ્સ્ટ્રૅક્ટ પેઈન્ટિંગની યાદ અપાવે એવી અમૂર્ત વાત છે આ. ”
“યાર પીંછીવાલા... તમે દરેક વાતમાં ડાલીને વચ્ચે ન ડાલો. ભાઈદાસ સભાગૃહનાં વડાંનાં
વખાણ કરતી વખતે પણ તમે સાલ્વાડોર ડાલીને વચ્ચે ઘુસાડો છો.” નાટ્યવિવેચક મંચવાલા તાડૂક્યા.
“કમસે કમ હું કોઈ ચીજનાં વખાણ તો કરું છું. તમને તો માત્ર ટીકા જ કરતા આવડે છે.
એકેય નાટક વિશે સારું બોલ્યા છો આજ સુધી?”
“એ ચર્ચા આપણે આ સભાના ઈન્ટરવલમાં કરીશું. મૂળ વાત પર રહો, ” કહીને નાટ્યવિવેચક મંચવાલાએ ઉમેર્યુંઃ “જુઓ, વિવેચક રેજિમેન્ટવાળી વાતમાં નાટ્યતત્ત્વ ભરપૂર છે. આમ છતાં પ્રવર્તમાન
ગુજરાતી રંગભૂમિની જેમ લોકરંજન કાજે, અથવા કહો કે, પ્લેયિંગ ટુ ધ ગૅલેરી માટે આપણે
આવું કરવાની કોઈ જ જરૂર નથી. શત્રુસૈનિકોના આક્રમક આંગિક અભિનય સામે આપણો નબળો વાચિક
અભિનય ઝાઝો ટકી નહીં શકે. આ ફુલ-લેન્ગ્થ નાટકમાં પહેલી દસ જ મિનિટમાં પરદો પડી જશે
અને એ પણ આપણા જીવન પર.”
“આવી નિર્માલ્ય વાતો? ” પંડિત મુદ્રાવાલા નામના સંગીત કમ નૃત્ય વિવેચક રોષભેર ઊભા
થઈ ગયા અને એમની ટિપિકલ સ્ત્રૈણ અદામાં બોલવા માંડ્યાઃ “અરે, માણસને રૂંવેરૂંવે બાળી શકતો દીપક રાગ જે સભ્યતા પાસે
હોય, જ્યાં શિવનું સંહારક તાંડવ વસુંધરાને ધ્રુજાવી શકતું હોય, જ્યાં સૂરતાલ,
રાગરાગિણીઓ અને નૃત્યની વિવિધ અંગભંગિમાઓમાં કરુણા સહિત શૌર્યનો પણ વિનિયોગ થયો
હોય ત્યાં આવી નિર્માલ્ય વાતો ન શોભે. ઊઠો, ઊભા થાવ અને માભોમની રક્ષા કાજે આગે
બઢો...”
પંડિત મુદ્રાવાલા
અડધો કલાક સુધી આવુંબધું બોલ્યા. એમનું આક્રોશ અને શૌર્યથી ભરેલું ભાષણ વિવેચકો પર
ચારણવાણી જેવી અસર કરી ગયું. બધાને પાનો ચઢી ગયો. આખરે ત્રણેક કલાકની બહેસ પછી વિવેચક રેજિમેન્ટ રચવાનો ઠરાવ પસાર થઈ
ગયો. દોઢસો-બસો વિવેચકોએ યુદ્ધનાં દુંદુભિ વગાડવાનાં શરૂ કરી દીધાં.
ફ્રેન્ડ્સ, ઈમાનદારીની
વાત એ છે કે વિવેચકોના આ સંવાદો ત્રેવીસ કલાક અને બાવન મિનિટના માથાફોડી પછી
સમજાયા (આઠ મિનિટ કુદરતી હાજતો માટે બાદ કરતાં). મતલબ કે એક દિવસની મગજમારી થઈ. એમાંય
ભગવદ્ગોમંડલ, ગુજરાતીલેક્સિકોન અને સાર્થ જોડણીકોશની મદદ તો લેવી જ પડી. એ બધા
ગ્રંથો ન હોત તો સાલું કંઈ સમજાત નહીં.
ઓકે... વિવેચકોની
રેજિમેન્ટ કાગળ પર તો બની ગઈ, પણ એમ કંઈ લશ્કર સરહદ પર જઈને લડવાની પરવાનગી થોડું
આપે? વળી, હથિયારો ક્યાંથી કાઢવા? એ માટે તો લશ્કરમાં જોડાવું પડે. તાલીમ લેવી પડે. એમાં
પાછો પંડિત મુદ્રાવાલાએ ચડાવેલો શૌર્યનો ડોઝ સાવ ઊતરી ગયો હતો. બધા સભ્યો પાણીમાં
બેસી ગયા હતા. ફક્ત પાંચ જ જણ જ બચ્યા હતા, જેમનો જોસ્સો અડીખમ હતો. એ પાંચ ભડના દીકરા એટલે કે પેનવાલા, પંડિત
મુદ્રાવાલા, કિતાબવાલા, પરદાવાલા અને મંચવાલા વિવેચક
રેજિમેન્ટ રચવાનો પાક્કો નિર્ધાર લઈને લશ્કરી અધિકારીઓ પાસે પહોંચી ગયા. જઈને
પોતાનો નિર્ણય જણાવ્યો.
લશ્કરી અધિકારીઓ
સડક થઈ ગયા. જો કે વિવેચકો ગાંજ્યા જાય એવા નહોતા. લાંબી લાંબી દલીલો થઈ. બિચારા
લશ્કરી અધિકારીઓ! વિવેચકોની ભાષાથી
અર્ધબેભાન જેવા થઈ ગયા. એક-બે જવાનના મોંમાંથી તો ફીણ નીકળવાં માંડ્યાં. એ બધાને
તાત્કાલિક આર્મીની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ફક્ત મેજર જનરલ ગુલાબસિંહ ગોહિલ અને
બીજા બે અધિકારી અડીખમ રહી શક્યા.
એ અધિકારીઓ સામે
થયેલી બધી દલીલો તમે સાંભળો તો તમેય અધમૂઆ થઈ જાવ. કાં તો પછી વિવેચકોની ભાષામાં
પત્ની સાથે કંઈક આવી રીતે વાત કરવા માંડોઃ હે
પ્રિયે, તું અદ્ભુત સ્વાદિષ્ટ વ્યંજનો બનાવે છે, પરંતુ એમાં સબરસ અર્થાત્ લૂણ
અર્થાત્ મીઠાનું પ્રમાણ વધુ અને શર્કરાની માત્રા ઓછી છે. વળી, મરીચ અર્થાત્ મરચાની
માત્રા પણ તારે થોડી વધારવી જોઈએ, કારણ મરચું ગુણે ઉષ્ણ અને વાતહર છે, જે મારી
પ્રકૃત્તિ માટે...
સૉરી સૉરી, વાત
આડે પાટે ચડી ગઈ. મૂળ એટલું જ કહેવું હતું કે બધી દલીલોનું વર્ણન કરવાને બદલે એક
ફાઈનલ દલીલની જ વાત કરીએ, જે સર્વશ્રી પેનવાલાએ કરી હતી. એમાં ઝાઝો દમ નહોતો, છતાં
ગુલાબસિંહ ગોહિલ પર એની ભારે અસર થઈ. પેનવાલાની એ દલીલ કંઈક આમ હતીઃ
“ભારતીય સૈન્ય પોતાનો ધર્મ નિષ્ઠાથી બજાવે છે, કિંતુ આપણી વિશાળ સીમારેખાનો
કોઈક ભાગ ઉપેક્ષિત રહી જાય છે. અમે એ જ છીંડાં પૂરવા સારુ વિવેચક સૈન્યટુકડી રચવા
ધારીએ છીએ, જેથી શત્રુસૈન્યનાં ધાડાંને ખાળવામાં તમને સહાયરૂપ થઈ શકીએ.”
નવાઈની વાત તો એ
બની કે મેજર જનરલ ગુલાબસિંહ ગોહિલ માની ગયા. એમણે વિવેચક રેજિમેન્ટને પરમિશન આપી દીધી. હથિયારો પણ આપ્યા. કર્નલ કક્ષાના
અધિકારીને આદેશ પણ આપ્યો કે હથિયાર ચલાવવાની બે દિવસની કમાન્ડો તાલીમ પણ આ રેજિમેન્ટને
આપો. સાથેસાથે એમણે વિવેચક રેજિમેન્ટનો લેખિનીનો
વાર, ખડગનો પ્રહાર એવો નારો પણ મંજૂર કરી દીધો.
વિવેચકો રાજી રાજી
થઈને, છાતી ફુલાવીને નારાબાજી કરતા કરતા ત્યાંથી ગયા. એમના ગયા પછી તરત જ
લેફ્ટનન્ટ કર્નલ બક્ષીએ આશ્ચર્યથી ગુલાબસિંહ ગોહિલને પૂછ્યુંઃ
“સર આ શું? ફક્ત પાંચ જણની રેજિમેન્ટને તમે લડવાની પરમિશન આપી? અને આ લોકો કેવી રીતે લડશે સર? એ પણ માત્ર બે દિવસની કમાન્ડો તાલીમ લઈને...”
ગુલાબસિંહ ગોહિલે
કર્નલ બક્ષી સામે કડક નજરે જોયું અને પછી રિવોલ્વર પર ચડાવેલા સાઈલેન્સર જેવા
અવાજે કહ્યુંઃ
“યંગમૅન, યુ નો... મેં ભારતીય સૈન્ય અને
એની યુદ્ધક્ષમતા નામનું પુસ્તક બહુ રિસર્ચ કરીને લખેલું. એનું વિવેચન આ
પેનવાલાએ કરેલું. એ વાંચીને મેં નક્કી કરેલું કે કોઈક દિવસ મોકો મળ્યો તો... ”
અને ગુલાબસિંહ
ગોહિલ પોતાનું વાક્ય અધૂરું છોડી, ત્યાંથી ચાલ્યા ગયા. કર્નલ બક્ષીના ચહેરા પર
આઘાત છપાઈ ગયો.
બીજી તરફ વિવેચક
રેજિમેન્ટે લશ્કરી તાલીમ લેવાનું શરૂ કરી દીધું. તાલીમ લેતાં લેતાં એમણે ભારતીય
સૈન્યના ઈન્સ્ટ્રક્ટરોને ઢગલાબંધ સૂચનો કર્યાં, જેમ કે – લાઈટ મશીનગન કેટલી હેવી હોવી જોઈએ, હેવી મશીનગન કેટલી લાઈટ હોવી જોઈએ, બુલેટનો
આકાર કેવો હોવો જોઈએ, યુનિફૉર્મ કેવા કલરનો હોવો જોઈએ વગેરે વગેરે... જો કે મેજર
જનરલ ગુલાબસિંહ ગોહિલે કાનમાં ખોસવાનાં રૂનાં પૂમડાં ઈન્સ્ટ્રક્ટરોને પહેલેથી સપ્લાય
કરી રાખેલાં. એને કારણે ઈન્સ્ટ્રક્ટરો બિચારા બચી ગયા.
આખરે, લશ્કરી
વડામથકેથી હુકમ આવ્યો કે કાશ્મીર સરહદે દુશ્મનોએ ફાયરિંગ શરૂ કર્યું છે અને વિવેચક
રેજિમેન્ટને ત્યાં તૈનાત કરવામાં આવે છે. બહાદુરીના બધા દાવા છતાં વિવેચકો ડરી
ગયા. હવે તો લડવું જ પડે એમ હતું. પલાળેલું એટલે મુંડાવવું જ પડે એમ હતું. આખરે
વિવેચક રેજિમેન્ટે સરહદ પર જવું જ પડ્યું.
હા, વિવેચકોને
વિદાય આપવા ઘણા સર્જકો આવ્યા. લેખકો, કવિઓ, ચિત્રકારો, સંગીતકારો, નાટ્યકર્મીઓ અને
અભિનેતાઓનાં ટોળેટોળાં ઊમટ્યાં. એ બધામાં ખુશીની એક છૂપી લહર દોડી રહી હતી. એમને
ખબર હતી કે એમના કમસે કમ પાંચ દુશ્મનો તો ઓછા થવાના જ છે. બધાએ વિવેચકોનું સન્માન
કર્યું. હારતોરા પહેરાવ્યા અને પાનો પણ ચડાવ્યો કે અમને તમારા પર ગર્વ છે. જાવ, દુશ્મનોનું નિકંદન કાઢી નાખો.
વિવેચનના
ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે વિવેચકોનાં મોં સિવાયેલાં રહ્યાં.
ફાઈનલી, વિવેચક
રેજિમેન્ટ સરહદ પર પહોંચી. મોટી મોટી શિલાઓ અને જમીનમાં ખોદેલા ચાર-છ ફૂટના ખાડામાં
પોઝિશન લીધી. દુશ્મનોનું અંધાધૂંધ ફાયરિંગ ચાલુ હતું. જ્યાં જુઓ ત્યાં હૅન્ડ
ગ્રેનેડ્સ ફાટતા હતા. મશીનગનની ધણધણાટી કાન ફાડી નાખતી હતી. ગોળીઓ કઈ દિશામાંથી
આવતી હતી એ વિવેચકોને સમજાતું જ નહોતું.
બધા મૂંઝાયેલા
હતા. માત્ર પંડિત મુદ્રાવાલા એકચિત્તે યુદ્ધના અવાજો સાંભળી રહ્યા હતા – એ રીતે, જાણે એ. આર. રહેમાનનું મ્યુઝિક સાંભળતા હોય. અચાનક
એ ઊભા થયા. શિલા પાછળથી બહાર આવ્યા. ક્રોધાવેશમાં આવીને એમણે ઝાડીઓ પાછળ સંતાયેલા
દુશ્મનો તરફ બંદૂક તાકી અને બરાડ્યાઃ
“હે મૂર્ખ શત્રુઓ, તમારા ફાયરિંગમાં કોઈ લયબદ્ધતા જ નથી. આડેધડ ગોળીઓ છોડો છો.
અમારા કાનના પરદા ફાટી... ”
ત્યાં તો સનનન...
કરતી એક ગોળી છૂટી.
ધડામ્...
શિલાની ઓથ છોડીને
બહાર આવેલા પંડિત મુદ્રાવાલા ઢળી પડ્યા. વિવેચક રેજિમેન્ટનો પહેલો સૈનિક શહીદ થઈ
ગયો.
બાકીના વિવેચકો
કોઈક ને કોઈક ઓથ પાછળ છુપાયેલા હતા એટલે એમને સમજાયું નહીં કે શું થયું. દુશ્મનોનું
ફાયરિંગ સતત ચાલુ હતું.
અચાનક એક હૅન્ડ
ગ્રેનેડ નાટ્યવિવેચક મંચવાલાની થોડે દૂર પડ્યો, પણ ફાટ્યો નહીં. મંચવાલાએ
કુતુહુલવશ ગ્રેનેડ ઉપાડીને જોયો તો એના પર મેઈડ
ઈન ચાઈના લખેલું. મંચવાલા ગુસ્સામાં ઊભા થઈ ગયા અને દુશ્મનો તરફ હાથગોળો
લહેરાવીને બૂમો પાડવા માંડ્યાઃ
“આ શું માંડ્યું છે તમે લોકોએ? એક તો થર્ડ બેલ આપ્યા વિના જ શો ચાલુ કરી દીધો અને ઉપરથી આ ચીની બનાવટના
હાથગોળા... પાકિસ્તાની થઈને ચીની બનાવટના હાથગોળા વાપરો છો? આ તો પ્રહસનમાં થ્રિલર ઘુસાડવા જેવી વાત છે, દર્શકો સાથે
છેતરપિંડી કરવા જેવી વાત છે... ”
ધણધણધણધણધણ...
મંચવાલાનું વાક્ય
પૂરું થાય એ પહેલાં પચ્ચીસેક ગોળીએ એમના દેહને ચાળણી જેવો કરી નાખ્યો. વિવેચક
રેજિમેન્ટના એ નાટ્યવિવેચક જવાનની શહીદી સાથે તખ્તા પર મોટી ખોટ પડી.
આ દૃશ્ય
કિતાબવાલાએ જોયું અને એ ખૂબ દુખી થયા. બરાબર એ જ વખતે એક દુશ્મન સૈનિક છૂપો હુમલો
કરવા માટે પેટે ઘસડાતો ઘસડાતો આગળ વધી રહ્યો હતો. અચાનક એ કિતાબવાલાની સામે આવી
ગયો. પોઝિશન એવી હતી કે કિતાબવાલાની એક ગોળી અને દુશ્મનનો ખેલ ખતમ. એ બિચારો
કિતાબવાલાને સામે ઊભેલા જોઈને દિગ્મૂઢ થઈ ગયો હતો. એને પોતાનું મોત નજરે દેખાતું
હતું. જો કે કિતાબવાલાએ બંદૂકને બદલે મોઢેથી ફાયરિંગ કર્યુંઃ
“વાહ દોસ્ત... તું તો એવી રીતે લપાતોછુપાતો આગળ આવી ગયો, જાણે કોઈ વાર્તાકાર
પાત્રના આંતરમનમાં પ્રવેશીને એનાં ગૂઢ સંવેદનો જાણવાનો રચનાપ્રપંચ કરતો હોય, પણ...”
દુશ્મન સૈનિકે
કિતાબવાલાને આગળ બોલવા ન દીધા. એણે હૉલીવુડનો પેલો ફેમસ ડાયલૉગ “શૂટ વ્હેન યુ વૉન્ટ ટુ શૂટ, ડોન્ટ ટૉક” યાદ કરીને કિતાબવાલાને શૂટ કરી નાખ્યા.
ત્રણ વિકેટ પડી
ચૂકી હતી. બાકી બચેલા બે જણ પરદાવાલા અને પેનવાલાને આ દુખદ સ્કોર વિશે ખબર પડી
ચૂકી હતી. ખાડામાં છુપાયેલા ફિલ્મ સમીક્ષક પરદાવાલા થથરી રહ્યા હતા.
“આ સ્ટોરીમાં દમ જ નહોતો, મારે આ ઍક્શન થ્રિલરમાં પડવું જ નહોતું જોઈતું.” ફિલ્મસમીક્ષક પરદાવાલા આવું કંઈક બબડીને કઈ બાજુ ફાયરિંગ
કરવું એનો લાગ શોધી રહ્યા હતા. એમણે મશીનગનને ઉપાડી અને અડસટ્ટે ફાયરિંગની દિશા
નક્કી કરી ટ્રિગર પર આંગળી મૂકી. બરાબર ત્યારે જ સનનન... કરતી એક ગોળી આવી અને
એમની છાતીમાં પેસી ગઈ. પરદાવાલાના મુખમાંથી ત્રુટક ત્રુટક શબ્દો સર્યાઃ “રિલીઝ પહેલાં જ... ફિલ્મ ડબ્બામાં... ધી એન્ડ...”
હવે પેનવાલાથી ન
રહેવાયું. એ ગુસ્સામાં ફાયરિંગ કરતા કરતા દુશ્મનો તરફ ધસી ગયા. અચાનક એક પથ્થર
સાથે એમનો પગ ભટકાયો અને એ જોરથી ઊથલી પડ્યા. હજી તો એ કપડાં ખંખેરી ઊભા થાય એ
પહેલાં સામે બે બૂટ દેખાયાં. પેનવાલાએ ધીરે ધીરે ઉપર જોયું તો શત્રુસૈનિક બંદૂકનું
નાળચું તાકી ઊભો હતો. પેનવાલાએ એક પળ આંખો મીંચીને ભગવાનને યાદ કરી લીધા અને મોતનો
ઈંતજાર કરવા માંડ્યા. એ વખતે ચમત્કાર થયો. બહુ દૂરથી આવતા હોય એવા શબ્દો એમને
સંભળાયાઃ
“આપકા ઔર મેરા મુલ્ક ભલે હી અલગ હો ગયા હો, લેકિન આપકી શખ્સિયત કી તામીર ઔર
મેરી શખ્સિયત કી તશકીલ પર અગર ગૌર ફરમાયા જાએ તો લગતા હૈ ગોયા એક હી લબ્ઝ કે દો... ”
પેનવાલા સમજી ગયા
કે આ ભાઈ ઉર્દૂના વિવેચક લાગે છે. સામે જાતભાઈ હોવા છતાં એમણે જરાય દયા દાખવ્યા
વિના ટ્રિગર દબાવી દીધી. એક વિવેચકે બીજા વિવેચકને હણી નાખ્યો.
પછી તો પેનવાલાને
ઝનૂન ચઢ્યું. એમણે અડધા કલાક સુધી મશીનગનની ધણધણાટી ચાલુ રાખી. કેટલાક દુશ્મન
મરાયા અને કેટલાક આ ખતરનાક બહાદુરી જોઈને ભાગી છૂટ્યા.
આખરે પેનવાલાએ
નિરાંતનો શ્વાસ લીધો. એક પથ્થર પર બેઠા અને એ જ વખતે મનોમન પ્રતિજ્ઞા કરી કે વિવેચક બનવામાં સાર નથી, હવે તો સેનામાંથી
છૂટીને સર્જક જ બનીશ.
આ પ્રતિજ્ઞા
પેનવાલાએ જીવનપર્યંત નિભાવી.
- નીલેશ રૂપાપરા (દિવાળી 2013, ચિત્રલેખા)
No comments:
Post a Comment