ગુજરાતી ભાષાઃ ગંગાજળ
નહિ, પ્રેમજળ આપો...
આ ચિત્ર જુઓઃ
ગુજરાતી ભાષાનો જર્જરિત દેહ ખાટલે પડ્યો છે. બાજુમાં ઘીનો દીવો બળી રહ્યો છે. ગંગાજળ ભરેલી પિત્તળની લોટી પણ છે. યમરાજનો અદૃશ્ય ઓછાયો ગુજરાતી ભાષાના પ્રાણ લેવા એની ઉપર ઝળુંબી રહ્યો છે. શું આ ચિત્ર સાચું છે?
હવે બીજું ચિત્ર જુઓઃ
નમણી નારસમી ગુજરાતી ભાષા બેય પગ ફરતે હાથ વીંટાળી, ગોઠણ પર ચહેરો ટેકવીને બેઠી છે. એના જાજરમાન ચહેરા પર ઉદાસી છે. એની સામે જ ચાલી રહ્યાં છે નાચગાન અને ઠઠ્ઠામશ્કરી, પણ એની અવગણના થઈ રહી છે. શું આ ચિત્ર સાચું છે?
પહેલું ચિત્ર દોર્યું છે ગુજરાતી ભાષાનું વળગણ ધરાવતાં ગુજરાતી બચાવો આંદોલનોએ, જેમાં પૂરી સચ્ચાઈ નથી. વળી, એ સામાન્ય લોકો સુધી પહોંચી પણ નથી શક્યું. બીજું ચિત્ર દોર્યું છે સમજુ અને સંવેદનશીલ ગુજરાતીપ્રેમીઓએ, જે સાવ ખોટું પણ નથી.
એક વાત નક્કી છે કે ગુજરાતી ભાષા મરવા પડી નથી.
ગુજરાતી કંઈ પ્રશાંત મહાસાગરના કોઈ નાનકડા ટાપુ પર બસો-પાંચસો આદિવાસીઓ દ્વારા બોલાતી ભાષા નથી કે એ આદિવાસીઓ મરે ત્યારે ભેગાભેગું ગુજરાતી ભાષાનુંય નિકંદન નીકળી જાય. આશરે પાંચ કરોડ લોકો ગુજરાતી બોલે છે. જાણીતા લેખકો-પત્રકારો સારી ભાષામાં ઈન્ટરનેટ પર બ્લૉગ્સ લખે છે. બીજી તરફ લેખક ન હોય એવા સેંકડો લોકો પણ આવડે એવી ગુજરાતીમાં બ્લૉગ્સ લખે છે અથવા તો ફેસબુક જેવા સોશિયલ મિડિયામાં અભિવ્યક્તિ માટે ગુજરાતીનો ઉપયોગ કરે છે. થોડાં તો થોડાં, પણ હજીય ગુજરાતી પુસ્તકો છપાય-વંચાય છે. ગુજરાતી અખબારો-સામયિકો ભલે ગમેતેવી ગુજરાતી લખે, પણ એમનો ફેલાવો લાખોમાં છે. ગુજરાતી નાટકો, ફિલ્મો અને સિરિયલોની ગુણવત્તા ગમેતેવી હોય, પણ હજી ગુજરાતીઓ એ જુએ છે.
આ બધું છે ત્યાં સુધી ગુજરાતી ભાષાનો અંત આવે એવી શક્યતા નથી.
હા, એ ખરું કે માહિતીવિસ્ફોટને લીધે દુનિયા એક ગ્લોબલ વિલેજ જેવી થઈ ગઈ છે. એ તથા બીજાં કારણોસર ગુજરાતીનું સ્વરૂપ અને ક્લેવર ધીમી પણ એકધારી ગતિએ બદલાઈ રહ્યું છે. એમાં આપણી હિન્દી, મરાઠી અને બંગાળી જેવી ભગિનીભાષાઓના શબ્દો સહિત અંગ્રેજી જેવી વિદેશી ભાષાઓના શબ્દોની સંખ્યા વધી રહી છે.
આ પ્રક્રિયા ભાષા ભ્રષ્ટ થઈ રહી હોવાની પ્રક્રિયા નથી, પણ ઉત્ક્રાંતિની કુદરતી પ્રક્રિયા છે, જે દુનિયાની દરેક ભાષામાં થતી આવી છે અને થતી રહેશે. એમાં આપણે બીવા જેવું નથી. માણસની જેમ ભાષાઓ પણ ઉત્ક્રાંતિના વિવિધ તબક્કામાંથી પસાર થતી હોય છે. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ જોઈએ તો વૈદિક સંસ્કૃત (જેમાં વેદો લખાયા)માંથી સંસ્કૃત (પાણિનીએ જેનું વ્યાકરણ ઘડ્યું) અને સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ અને પછી ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાનીમાંથી ગુજરાતીનો આજનો દેહ ઘડાયો છે.
ભાષાવિદો કહે છે કે દક્ષિણ ભારતની ભાષાઓ છોડીને અન્ય ભારતીય ભાષાઓ ઈન્ડો-આર્યન કુળની ભાષાઓ છે. એમાં ગુજરાતી પણ સામેલ છે. એટલે જ લૅટિન, ગોથિક અને જર્મેનિક જેવી પુરાતન યુરોપીય ભાષાઓમાંથી નીકળેલી ઈટાલિયન, અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન જેવી ભાષાના ઘણા શબ્દો આપણી ભાષાના શબ્દોને મળતા આવે છે. દાખલા તરીકે અંગ્રેજીમાં સર્પન્ટ, ઈટાલિમાં સર્પેન્તે, સંસ્કૃતમાં સર્પ અને ગુજરાતીમાં સાપ. આવા તો ચિક્કાર દાખલા ભાષાવિદો આપી શકે તેમ છે.
આ જટિલ પીષ્ટપીંજણ કરવાનું તાત્પર્ય એટલું જ કે ભાષાનું કંઈક અંશે ધોવાણ જરૂર થતું હશે, પણ ભાષા મરતી નથી. એ ચહેરામહોરાં બદલતી હોય છે. એટલે જ આજની સુરતી, ચરોતરી, ઉત્તર ગુજરાતી, ઝાલાવાડી કે કાઠિયાવાડી જેવી વિવિધ ગુજરાતી બોલીઓમાંથી કોઈ એક કે વધુ બોલી કાળક્રમે નવી જ ભાષાનું સ્વરૂપ લે તો એમાં નવાઈ પામવા જેવું નહીં હોય.
હવે મૂળ મુદ્દા પર આવીએ, જેના પર ખરેખર ચિંતા કરવાની જરૂર છે.
એમાં કોઈ શક નથી કે ગુજરાતી ભાષાની ઉપેક્ષા થઈ રહી છે. આપણે બધા ભેગા મળીને એ કરી રહ્યા છીએ એમાં પણ બેમત નથી. અખબારમાલિકો, પત્રકારો, પુસ્તકપ્રકાશકો, શિક્ષકો, લેખકો, કવિઓ, વાચકો અને સામાન્ય માણસો એમ બધા જ જાણેઅજાણે ગુજરાતીની ઉપેક્ષા કરે છે. અલબત્ત, એમાં અપવાદો હશે, પણ એકંદરે સ્થિતિ એવી છે કે સાચી ગુજરાતી લખવાની કોઈને પડી નથી.
લખવાની વાત એટલે કે કરી કે બોલાતી ભાષામાં ઉચ્ચારશુદ્ધિનો આગ્રહ રાખવો એ પાણીને મુઠ્ઠીમાં કેદ કરવા બરાબર છે. ગામડિયા પર હસતા મુંબઈગરા તથા અમદાવાદી જેવા શહેરીઓ પણ શુદ્ધ ભાષાને બદલે બોલી જ બોલતા હોય છે. દાખલા તરીકે મુંબઈગરા હું આવ્યો, હું પડ્યો, હું રમ્યો વગેરેને બદલે હું આયવો, હું પૈડો, હું રૈમો જ બોલતા હોય છે. શુદ્ધ ભાષા બોલવાની જરૂર પણ નથી. દરેક પ્રાંત, પ્રદેશ કે વિસ્તારના લોકોની બોલવાની લઢણ ભૌગોલિક કે સાંસ્કૃતિક જેવાં વિવિધ કારણોસર જુદી જુદી હોય છે, જે કુદરતી છે. જો કે એનો અર્થ એવો નથી કે આતંકવાદીનો ઉચ્ચાર આંતકવાદી એવો કરવો. ઘણા ગુજરાતીઓના આવા ઉચ્ચારો સાંભળ્યા છે. ભાષા પર આવો આતંક ન ચાલે.
ખેર... લખાતી ભાષાની વાત જુદી છે. એનું દીર્ઘકાલીન મૂલ્ય હોય છે. વળી, છપાયેલો શબ્દ ઘણા લોકો સુધી પહોંચતો હોય છે. એટલે જ લખાતી ભાષામાં ખોટા વાક્યપ્રયોગો, ખોટી જોડણી, ખોટું વ્યાકરણ કે ખોટા ઉચ્ચારો ન ચાલે. આમ છતાં આપણાં અખબારો-સામયિકોમાં જે ગુજરાતી લખાય-છપાય છે એ જોઈને હલબલી જવાય. અરે, લોકભોગ્ય સાહિત્યમાં કે પછી સાહિત્યિક પુસ્તકોમાં પણ છપાતી ભાષાનું ધોરણ સાવ નીચું છે. ગુજરાતી શિક્ષકો વિશે પણ કંઈ કહેવા જેવું નથી.
આ બધાની અસરરૂપે સામાન્ય ગુજરાતી માણસમાં ભાષાપ્રેમ જાગતો જ નથી. વિશ્વાસ ન આવતો હોય તો આ નાનકડો પ્રયોગ કરી જુઓઃ
ગુજરાતી અને અંગ્રેજી લખી-વાંચી શકતા પાંચેક ગુજરાતી જણ પસંદ કરો. એમને દસ ગુજરાતી શબ્દ લખવાનું કહો. એ પાંચેય જણ દસમાંથી સાત-આઠ શબ્દની જોડણી જુદી જુદી કરશે. હવે એ જ લોકોને દસ અંગ્રેજી શબ્દ લખવાનું કહો તો ભાગ્યે જ કોઈ સ્પેલિંગમાં ભૂલ કરશે.
જ્યારે ગુજરાતીમાં કંકોતરી લખાય ત્યારે કુળદેવીની અસીમ કૃપાને બદલે કૂળદેવિ ની અસિમ કૃપા જેવી ખોટી જોડણી થાય છે. પરંતુ અંગ્રેજીમાં વેડિંગ કાર્ડ લખાય ત્યારે ભાગ્યે જ ભૂલ થતી હોય છે. મુંબઈ કે ગુજરાતનાં કોઈ પણ શહેરની દુકાનોનાં પાટિયાં ગુજરાતીમાં લખાયાં હોય એમાંય જોડણીની ચિક્કાર ભૂલો હોય છે.
આવું કેમ?
જવાબ સીધો છેઃ આપણે બધા ક્યારેક ને ક્યારેક તો ખોટું અંગ્રેજી લખવા બદલ હળવી ઠઠ્ઠામશ્કરીનો ભોગ બન્યા જ હોઈશું. અરે, અંગ્રેજીમાં તો ઉચ્ચાર પણ ખોટો કરો તોય જાણકારો મૂછમાં હસતા હોય છે. જો કે ગુજરાતીની વાત જુદી છે. ખોટી ગુજરાતી લખવા બદલ ક્યારેય કોઈની લાજ જતા નથી જાણી.
ગુજરાતી બચાવો આંદોલનવાળા કહે છે કે બાળકને માતૃભાષામાં શિક્ષણ આપો, અંગ્રેજીમાં નહીં. સારી વાત છે. પરંતુ માતૃભાષામાં શિક્ષણ લીધા પછી પણ જો ગુજરાતી જણ સાચી ભાષા ન લખી શકતો હોય તો એનો અર્થ શો? એના કરતાં તો એ આજના ગળાંકાપ સ્પર્ધાના જમાનામાં અંગ્રેજી શિક્ષણ લઈને પોતાનું ભવિષ્ય ન સુધારે?
હવે આવીએ સમસ્યાના ઉપાય પર.
સમસ્યાનાં મૂળ જ્યાં છે ત્યાં જ ઉપાય પણ છે. આગળ કહ્યું તેમ પુસ્તકપ્રકાશકો, ભાષા શીખવતા શિક્ષકો, અખબારમાલિકો, પત્રકારો, લેખકો અને કવિઓ ભાષા પ્રત્યે બેદરકાર છે. આ તમામ લોકોએ ભાષા સાથે પનારો પાડવાનો હોય છે. ભાષા જ એમનું શસ્ત્ર છે, જે બુઠ્ઠું હોય તો જંગ જીતવાની તકો ઘટી જાય એમાં નવાઈ નથી. એટલે આ તમામ લોકોની ભાષાકીય ગુણવત્તાનું એક સામાન્ય ધોરણ હોવું જ જોઈએ.
બીજા બધામાં ન પડીએ તોપણ અખબાર, સામાયિક તથા પુસ્તકોના પ્રકાશકો અને લેખકો-કવિઓની વાત તો માંડીને કરવી જ રહી. પહેલી વાત કરીએ તમામ પ્રકાશકોની, કારણ કે એ લોકો જે અખબારો-સામયિકો-પુસ્તકો પ્રકાશિત કરે છે એ જ પ્રકાશનો માણસની પ્રજ્ઞાનું ઘડતર કરે છે, એની સંવેદનાને સ્પર્શે છે અને જાણેઅજાણે વાચકનો ભાષાપ્રેમ પણ જગાડે છે. એટલે જ પ્રકાશકોની અને છાપાંના તંત્રીઓ-પત્રકારોની જવાબદારી વધી જાય છે.
હા, છાપાં-સામયિકોમાં પ્રૂફ-રીડરો હોય છે, છતાં પરિણામ બહુ સારું આવતું નથી એ હકીકત છે. પુસ્તક પ્રકાશકોની વાત કરીએ તો શું એવું ન થઈ શકે કે પુસ્તકની ભાષાકીય ગુણવત્તા જાળવવા પ્રકાશકો કોઈ સક્ષમ એડિટર રાખે, જે લેખકે લખેલી સામગ્રી ગાળી-ચાળીને લોકો સમક્ષ મૂકે?
આમ કરવામાં આવે તો વાચકને સાચી ભાષા, પ્રવાહી શૈલી અને રસ જળવાય એવું સાહિત્ય મળી શકે. અંગ્રેજીમાં આવા એડિટરો હોય જ છે તો ગુજરાતીમાં કેમ નહીં? ક્યાંક વાંચ્યું હોવાનું યાદ છે કે અર્નેસ્ટ હેમિંગ્વે જેવા નોબેલવિજેતા સાહિત્યકારની કૃતિઓ પણ એડિટ થતી હતી.
આની સામે પ્રકાશકો જો એવી દલીલ કરે કે ગુજરાતી પુસ્તક માટે આવો એડિટર ન પરવડે તો એ માન્યામાં આવે એમ નથી. જરા વિચારોઃ પાંચેક કરોડમાંથી એક ટકા ગુજરાતીઓ પુસ્તકો વાંચે છે એવો કન્ઝર્વેટિવ એસ્ટિમેટ બાંધીએ તોપણ આંકડો પાંચ લાખે પહોંચે. એ પાંચ લાખમાંથી પુસ્તકો ખરીદતા લોકોની સંખ્યા પણ, ફરી એક ટકાનો કન્ઝર્વેટિવ અંદાજ બાંધીએ તો, પાંચ હજારની થાય. એની સામે પ્રકાશકો કોઈ પણ પુસ્તકની માત્ર હજાર-બારસો પ્રત છાપતા હોય છે અને કોઈ લોકપ્રિય લેખક હોય તો બહુ બહુ તો એની બે-પાંચ આવૃત્તિ કરતા હોય છે. આ ગણિત સમજાય એવું નથી. એ તો ઠીક, પણ ઘણી વાર તો પ્રકાશકો નવા લેખકને પોતાના ખર્ચે પુસ્તક છાપવાનું કહેતા હોય છે. એમાંય વેચાણમાંથી એમને તોતિંગ ટકાવારી જોઈતી હોય છે.
ખેર, બીજી વાત લેખકોની કરીએ. આ એક બહુ અઘરી કોમ છે. એમને અઘરું અઘરું લખવું છે અને સાહિત્ય અકાદમીઓનાં પારિતોષિકો મેળવવાં છે. ટૂંકમાં, એમને પાંચમાં પુછાવું છે, પણ પાંચ હજારમાં પુછાવામાં એમને રસ નથી. લોકપ્રિય સાહિત્ય જાણે આભડછેટ હોય એમ મોટા ભાગના લેખકો એનાથી દૂર ભાગે છે. પરિણામ એ આવે છે કે વાચકો આવા લેખકોથી દૂર ભાગે છે. વાચક અને લેખકનો સંબંધ લોહ અને ચુંબક જેવો છે, પણ અહીં તો અપાકર્ષણ થાય છે.
હકીકત એ છે કે વાચકની માનસિક હોજરીને પહેલાં સાદું ભોજન પીરસીને તૈયાર કરવી પડે તો જ એ ભારેખમ ભોજન પચાવી શકે અને તો જ એનામાં ભાષાપ્રેમ જાગે. સાદું ભોજન એટલે પૉપ્યુલર લિટરેચર. પરંતુ આ પૉપ્યુલર લિટરેચર ખરાબ છે અને એમાં સાહિત્યિક ગુણવત્તા નથી હોતી એવી એક મિથ આવા લેખકોએ ઊભી કરી દીધી છે. હકીકતમાં, પૉપ્યુલર લિટરેચર એટલે વાચકને જકડી રાખે એવી વાર્તા સરળ ભાષામાં કહેવી અને એમાંથી શાશ્વત સત્યોને તારવી બતાવવાં.
આપણા સાક્ષર કહેવાતા લેખકોએ આવું કરવું નથી અને પછી ગુજરાતી ભાષાની ચિંતામાં અડધા અડધા થઈ જઈને કહેવું છેઃ ગુજરાતી ભાષાનું ભાવિ અંધકારમય છે, છતાં અમારો તારસ્વર સર્વસાધારણ ગુજરાતીના કર્ણપટ પર ઝીલાતો કેમ નથી?
ક્યાંથી ઝીલાય? એ લોકો સાઉન્ડપ્રૂફ કમરામાં બેસીને ઘાંટા પાડી રહ્યા છે.
- નીલેશ રૂપાપરા
નોંધઃ આ લેખ 2010માં લખાયેલો. એમાં સુધારાવધારા નથી કર્યા.
No comments:
Post a Comment