Monday, 26 October 2020

ચર્ચા વકરાવો, સાવધાન!

આજે ઈવેન્ટ મૅનેજરો, બૅન્ક્વેટ હૉલ્સ અને હાઈ-ફાઈ કૅટરરોના જમાનામાં શહેરોના લગ્નસમારંભોમાં ભપકો વધ્યો છે, પણ પહેલાં જેવો ચાર્મ નથી રહ્યો. હા, ગામમાં થતાં અમુક લગ્નોમાં મહાલવાની હજી મજા પડે છે, કારણ કે એમાં આખું ગામ હિલોળે ચડતું હોય છે.

કંઈક આવી જ ધારણા લઈને થોડા દિવસ પહેલાં હું ગામમાં યોજાયેલાં એક લગ્નમાં ગયો હતો. લગ્ન હતાં મારા ફ્રેન્ડ જતીનની દીકરીનાં, જે જતીને એના ફાધરની ઈચ્છાને કારણે ગામમાં રાખ્યાં હતાં. હું હોંશેહોંશે એમાં મહાલવા ગયો તો ખરો, પણ જતાંવેંત મારા હોશકોશ ઊડી ગયા. કારણ, એ લગ્નમાં એક ખતરનાક વાઈરસ ફેલાયો હતો. વિચારધારાનો વાઈરસ. મોટા ભાગે ટીવી ડિબેટ કે સોશિયલ મિડિયા જેવાં બ્રીડિંગ ગ્રાઉન્ડ્સમાંથી ફેલાતો વાઈરસ.

આમ તો કોઈ પણ લગ્નમાં બનેવીઓ અને જમાઈઓને રિસાવાનો લગ્નસિદ્ધ અધિકાર હોય છે, પરંતુ આ લગ્નમાં બનેવી ને જમાઈ જે કારણસર રિસાયા એ જોઈને હું આભો થઈ ગયો. આવું મેં કોઈ લગ્નમાં નહોતું જોયું. વિચારધારા વાઈરસથી ગ્રસ્ત એ રાયબહાદુર બનેવી-જમાઈને વાતેવાતે રાજકીય રાય આપતા જોઈને મને એવું લાગ્યું કે જાણે હું લગ્નમાં નહીં, કોઈ ટીવી ડિબેટમાં આવ્યો હોઉં.

માંડીને વાત કરું. લગ્નની આગલી રાતે લગનની વાડીમાં કન્યા પક્ષે ડાંડિયાનો પ્રોગ્રામ રાખ્યો હતો. બનીઠનીને આવેલા કન્યાના સગાસ્નેહીઓએ ધીમેધીમે રમવાની શરૂઆત કરી. હજી તો બે રાઉન્ડ પણ પૂરા નહોતા થયા ત્યાં અચાનક ફાસ્ટ મ્યુઝિક શરૂ થઈ ગયું. ઘણા લોકોની જેમ મનેય આશ્ચર્ય થયું કે હજી તો વૉર્મિંગ-અપ ચાલે છે ત્યાં આટલું ફાસ્ટ મ્યુઝિક કોણે શરૂ કરી દીધું.

કન્યાનાં મમતા માસીથી ન રહેવાયું. માસી મ્યુઝિકનાં સ્પીકર અને ઍમ્પ્લિફાયર જ્યાં રાખેલાં એ ખૂણામાં ગયાં. હુંય બીજા ત્રણ-ચાર ઉત્સુકનંદનોની સાથે માસીની પાછળ પાછળ ગયો. ખૂણામાં પાંત્રીસેકના લાગતા બે જણ ખુરશી નાખીને બેઠા હતા. માસીએ ત્યાં પહોંચીને સ્પીકરનો કર્ણભંજક વૉલ્યુમ ધીમો કર્યો અને પેલા ખુરશીધારીઓમાંથી એકને સંબોધીને કહ્યું:

વ્હૉટ ઈઝ ધિસ, ધર્મેસકુમાર? થોડો ટેમ્પો તો જામવા દેવો જોઈતોતો. આ સું, સડન્લી ફાસ્ટ મ્યુઝિક શરૂ કરી દીધું તમે લોકાએ?”

અમે લોકો...?” દુનિયાભરનો આઘાત ચહેરા પર પ્રકટ કરતાં એ ધર્મેસકુમાર બોલ્યો, આ અમે લોકો ને તમે લોકો શું છે, માસી? આપણે બેય કન્યા પક્ષનાં છીએ, તોય આ ભેદભાવ? આવા ભેદભાવને કારણે જ આજે દેશમાં જાતિવાદ વકરી રહ્યો છે.

મમતા માસી આ અણધાર્યા આક્રમણથી ડઘાઈ ગયાં. એમને તરત જવાબ ન સૂઝ્યો. હુંય પહેલાં તો ચોંકી ગયો, પણ પછી ખ્યાલ આવ્યો કે આ ધર્મેશને વિચારધારા વાઈરસનો ચેપ લાગેલો છે. વળી એના હાથમાં ડાંડિયા હોવાથી એ ડાંડિયાચાર્જ કરશે એવા ભયથી મારી સર્વાઈવલ ઈન્સ્ટિન્ક્ટ જાગી ગઈ અને હું ફિંગર ઑન યૉર લિપ્સની મુદ્રામાં ઊભો રહી ગયો. પેલા ઉત્સુકિયાઓ પણ માસીના જવાબની રાહ જોઈ રહ્યા. માસીએ થોડીક કળ વળી એટલે કહ્યું:

તમે બી સું, ધર્મેસકુમાર? આમાં જાતિવાદ ક્યાંથી આઈવો? ચાલો હવે, ખોટો મૂડ નહીં બગાડો ને થોડો સ્લો ગરબો લગાડો.

વાહ, કમાલ છે માસી! દેશનો માહોલ બગડે તો વાંધો નહીં, પણ તમારો મૂડ ન બગડવો જોઈએ, એમ જ ને?” પેલા ડિબેટવીરે હવે દેશાસ્ત્ર છોડ્યું.

માસી હેબતાઈ ગયાં: અરે પણ મેં ક્યાં દેસનો માહોલ બગાઈડો, ધર્મેસકુમાર? તમને તો ખબર છે હું બૉસ્ટનમાં રહું છું ને બે વરસે માંડ પંદર દિ માટે ઈન્ડિયા આવું છું. હું કેવી રીતે દેસનો...

વાહ! ભારતમાં રહેવું નથી, અમેરિકાના ડૉલર્સ જોઈએ છે અને પાછી રાષ્ટ્રવાદની વાતો કરવી છે. કરો કરો. ડોનલ્ડ ટ્રમ્પ પાસેથી આખરે તમે બીજું શીખવાનાં પણ શું?

મેકઅપથી ગુલાબી થયેલા માસીના ગાલ અપમાન અને ક્રોધથી લાલચોળ થઈ ગયા. જો કે એમણે વાતને ખેંચી નહીં. કારણ, પેલો ધર્મેસકુમાર કન્યાનો બનેવી હતો. એ નાતે માસીનોય જમાઈ હતો. એટલે આંખની શરમે માસીએ મોં બંધ રાખ્યું.

બીજી તરફ, મ્યુઝિક અટકી જવાથી ગરબાના થનગનભૂષણો અકળાવા માંડ્યા. લગ્ન જેવા પ્રસંગોમાં ધર્મેશ જેવા માથાફરેલ  લોકો સામે કેટલાક માથાઠરેલ  લોકો પણ હોય છે, જે બધાની અગવડ દૂર કરવા સગવડિયાં વચનો  સાથે ખડેપગે રહેતા હોય છે. આ માથાઠરેલોએ રૂકાવટ કે લિએ ખેદ હૈ જેવા દૂરદર્શનબ્રાન્ડ વાક્યનો ગુજરાતી અનુવાદ કરતાં ગરબાપ્રેમીઓને કહ્યું:

ધીરજ રાખો, બસ, બે જ મિલિટમાં ચાલુ થાહે.

આ તરફ, મમતા માસી ચૂપ રહ્યાં એનો લાભ ટોળામાંની એક યુવતીએ લીધો. એણે આડે પાટે ચડી ગયેલી ચર્ચાને ફરી મુદ્દા પર લાવતા ટીવી ઍંકરની અદાથી કહ્યું:

ધર્મેશભાઈ, ડોન્ટ ગેટ પર્સનલ. ઍન્ડ સ્ટિક ટુ ધ પૉઈન્ટ, ઓકે? અને પૉઈન્ટ એ છે કે મ્યુઝિકનો ટેમ્પો હમણાં સ્લો રાખવો કે ફાસ્ટ રાખવો.

પછી એણે ટોળામાં ઊભેલા એક આધેડ ભાઈને સવાલનો ખો આપ્યો: જિતુકાકા, તમને શું લાગે છે, મમતા માસીની મ્યુઝિક સ્લો કરવાની રિક્વેસ્ટ નિર્દોષ હતી કે એમાં ક્યાંય જાતિવાદનો છૂપો ઈશારો હતો? કે પછી આ ધર્મેશભાઈએ લિબરલોની જેમ વાતને તોડીમરોડી છે? બોલો, વ્હૉટ ઈઝ યૉર ટેક?”

એટલે તું એમ કહેવા માગે છે અલકા, કે લિબરલો વાતને તોડેમરોડે છે?” ધર્મેશ ગિન્નાયો.

એલા ધરમેસિયા, મૂંગો રહે બે મિલિટ. કયુંનો ઝીંયકે જ જાસ, ઝીંયકે જ જાસ... આ અલકાડીએ સવાલ મને પૂયછો સે કે તને? સાંતિ રાખ.

જિતુકાકાએ ધર્મેશની બોલતી બંધ કરીને મૂળ મુદ્દાને બાવડેથી ઝાલતાં કહ્યું:

જો અલકા, હો વાતની એક વાત. મ્યુજિક ધીમું હોય તો અમેય ચાર-પાંચ ગરબા રમી હકી. બાકી, પેલા જ રાઉન્ડમાં ફાસમફાસ વગાડો તો અમારે ક્યાં જાવું? અમે કાંઈ આ ઉંમરે થોડા ઊલળી ઊલળીને નાચી હકવાના?

હવે અલકાનો અસ્ખલિત વાક્પ્રવાહ શરૂ થયોઃ જિતુકાકાની વાત સાચી છે. યુવાનોએ વડીલોને આમ એકદમ સાઈડલાઈન ન કરી નાખવા જોઈએ. એમને પણ લગ્નમાં ડાંડિયારાસ રમવાનો હક છે અને આપણે એ અધિકારને માન આપવું જોઈએ. પરંતુ વાતેવાતે બંધારણની દુહાઈ દેતા લિબરલો એ વાત ભૂલી ગયા છે કે બંધારણે વડીલોને પણ મૂળભૂત અધિકારો આપ્યા છે અને એ લોકો...

ઓકે ઓકે. કૂલ કૂલ. ચાલો ચાલો, આપણે સ્લો મ્યુઝિક શરૂ કરીએ. મારા મિત્ર જતીને અચાનક આવીને વચ્ચે પડતાં કહ્યું.

જતીન આ મોંકાણની જાણ થતાં જ બધાં કામ પડતાં મૂકીને દોડી આવેલો. સારું થયું કે એણે બાજી સંભાળી લીધી, નહીંતર બંધારણ સુધી પહોંચી ગયેલી ચર્ચા ક્યાં જાત, કોને ખબર?  જતીને અને પેલા ત્રણ-ચાર માથાઠરેલોએ ભાઈબાપા કર્યા એટલે ડિબેટવીરો ટાઢા પડ્યા અને મ્યુઝિક ફરી ચાલુ થયું. જો કે હવે બધાનો ઉત્સાહ હવાઈ ગયો હતો એટલે અડધા કલાકમાં તો ગરબા આટોપાઈ ગયા.

જતીનને ખાતરી હતી કે અત્યારે ભલે ડિબેટ અટકી ગઈ હોય, પણ ચર્ચાખોરો લાગ જોઈને પાછો હુમલો કર્યા વિના નહીં રહે. એટલે પાણી પહેલાં પાળ બાંધવા એણે રાતે લગનની વાડીમાં પેલા ત્રણ-ચાર માથાઠરેલો સાથે શિખરમંત્રણા યોજી. હુંય એમાં જોડાયો, કેમ કે મને માંકડની કૉલોની જેવાં ગાદલાંમાં ઊંઘ નહોતી આવતી.

એ મંત્રણામાં એવી ચિંતા વ્યક્ત થઈ કે ડાંડિયામાં તો બધા ઘરના માણસ હતા એટલે વાત બહુ વધી નહીં, પણ આ ડિબેટવીરોએ કાલે જો કોઈક જાનૈયા સાથે જીભાજોડી કરી, ને એમાંથી કોઈક વટનો કટકો કે કટકી જો આડો ફાટ્યાં, તો લગ્નના માંડવાનો ઘડોલાડવો થઈ જાશે. સમસ્યા ગંભીર હતી.

આ ગંભીર સમસ્યાનો ઉકેલ કલાકેક પછી મને સૂઝ્યોઃ આપણે સર્જિકલ સ્ટ્રાઈક કરીએ તો?

આ બહુ વખણાયેલો ને સાથેસાથે બહુ વગોવાયેલો શબ્દપ્રયોગ સાંભળીને બધાના ચહેરા પર એવા ભાવ આવી ગયા, જાણે ટાંચણી પર બેસી પડાયું હોય. મને સમજાયું કે કાચું કપાઈ ગયું છે. મેં ધીરજથી મારો પ્લાન સમજાવ્યોઃ

આઈ મીન... આ 3-4 ડિબેટવીરોનાં કપડાં પર સર્જિકલ સ્ટ્રાઈક કરીએ. એ લોકો કાલે લગનમાં જે સાડી કે સુટ પહેરવાનાં હોય એના પર રંગબંગ લગાડી દઈએ. કપડાં બગડશે તો એ લોકો લગનમાં આવી જ નહીં શકે. ન રહેંગે લગન કે કપડે, ન હોગા ડિબેટ.

જતીન તાડૂક્યોઃ ઈડિયટ, તારી કૉમેડી સિરિયલ જેવા ફાલતુ આઈડિયાઝ નહીં આપ. ગામવાળા તરત બીજાં કપડાં અરેન્જ કરી દેશે. લગનમાં આખું ગામ હેલ્પફુલ મોડમાં હોય, સમજ્યો?”

એ સાંભળીને ચર્ચાખોરોને ચા-કૉફીમાં જુલાબ કે સિંદૂર પીવડાવી દેવાના બીજા સિટકૉમિશ આઈડિયાઝ પણ મેં મનમાં ઊગતા જ ડામી દીધા. થોડી વાર પછી જતીન ફ્રસ્ટ્રેશનમાં બબડ્યોઃ

ધર્મેશ પહેલાં આવો નહોતો. આ પાંચ-છ વર્ષથી જ આવો થઈ ગયો છે.

અચ્છા... એટલે તારો જમાઈ બગડી ગયો એમાંય સરકારનો વાંક?હું દાઢમાં બોલી પડ્યો.

હાસ્તો, પાંચ-છ વર્ષ પહેલાં જે સરકાર હતી ત્યારે ધર્મેશ... બોલતાં બોલતાં જતીન અટક્યો અને પછી ભોંઠપથી હસી પડતાં કહ્યું: ઈસસે પહલે કિ હમારે અંદર ભી સોયા હુઆ ડિબેટવીર જાગ જાએ, હમ સો જાતે હૈં.

હુંય થોડો ભોંઠો પડી ગયો. પછી અમે માત્ર એટલું નક્કી કરીને સૂઈ ગયા કે કાલે પેલા ડિબેટવીરો પર સતત નજર રાખવી અને આગ દેખાય કે તરત પાણીનો મારો ચલાવવો.

બીજા દિવસની સવાર જેટલી ધારેલી એટલી બોઝિલ નહોતી ઊગી. ઊલટાનું, બધાના ચહેરા ખીલેલા હતા. રાતના ખેલંદા શાંત હતા. ડિબેટની તોપો સવારે જરાય ધણધણી નહોતી. વાડીમાં નહાવા-ધોવાનું અને ચાપાણી-નાસ્તો પણ નિર્વિઘ્ને પતી ગયાં હતાં. આથી માથાઠરેલોની ટીમમાં, જેમાં હવે હુંય સામેલ હતો, થોડી રાહત હતી. જો કે અમે સતર્ક હતા.



સવારે જાન સમયસર આવી. ઢોલગનારાં વાગ્યાં. વાડીના દરવાજે સામૈયું થયું. વર-કન્યાએ એકમેકને હાર પહેરાવ્યા ત્યારે બેયને એમના કાકા-મામાએ તેડીને ઊંચાં કર્યાં. મીઠા ટોણાની આપલે થઈ. હસાહસ થઈ. જતીનનાં વાઈફ સીમાભાભી એટલે કે કન્યાનાં મમ્મીએ વરરાજાની આરતી ઉતારીને એમને પોંખ્યા. જોકે સીમાભાભી જેવાં વરરાજાનું નાક ખેંચવા ગયાં કે અચાનક એક સફારીધારી બોલ્યાઃ

અરે અરે, વેવાણ... ડાબા હાથે નહીં, જમણા હાથે. તમે નાક ખેંચો એનો અમને વાંધો નથી, પણ ડાબા હાથે અપશુકન થાય. જમણા હાથે ખેંચો.

કોણે કહ્યું ડાબા હાથે અપશુકન થાય? ” ધર્મેશના સૂસવતા સવાલે એવો સોપો પાડી દીધો કે બૅન્ડવાળા પણ વગાડતા અટકી ગયા. બધા ઉચકજીવે ધર્મેશને જોઈ રહ્યા. એની આંખોમાં ચમક આવી અને ચહેરા પર કબજિયાતના સમાધાન પછી વરતાય એવો હાશકારો વરતાયો.

ધર્મેશના આ સીઝફાયર વાયોલેશન પછી અમારી ટીમ સાબદી થઈ ગઈ. મેં અલકા સામે જોયું. એના ચહેરા પર પણ રાતે અધૂરી રહી ગયેલી ચર્ચાવાસના ફરી ઝગારા મારી રહી હતી. આ દરમિયાન ધર્મેશની તોપ ગરજી જ રહી હતીઃ

કોણ આવી અફવા ફેલાવે છે? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે ડાબા હાથે અપશુકન થાય? મારાં સાસુ ડાબેરી છે અને એ...

ડાબેરી નહીં ધર્મેશકુમાર, ડાબોડી. સીમાભાભીએ હસીને ધર્મેશને કરેક્ટ કર્યો. પછી ધર્મેશને વધુ દલીલ કરવાનો મોકો ન મળે એ માટે એમણે પેલા સફારીધારી સામે જોઈને કહ્યું:

સૉરી કીકુભાઈ, ડાબા હાથની આદત છેને એટલે... બટ નો પ્રોબ્લેમ. લો, જમણો હાથ યુઝ કરું.

આમ, સીમાભાભીએ વરરાજા સામે જોયા વિના નાક ખેંચ્યું. જો કે બેય પક્ષમાં હસાહસ થઈ પછી એમને ખ્યાલ આવ્યો કે એમણે વરરાજાને બદલે વેવાઈનું નાક ખેંચેલું. એ થોડાં ભોંઠાં પડ્યાં પણ એમને અને અમારી ટીમને હાશકારો એ વાતનો થયો કે ધર્મેશની લવિંગિયાંની લૂમ અધવચ્ચે ઓલવાઈ ગઈ.

જો કે અમારો હાશકારો ઝાઝો ન ટક્યો. થયું એવું કે થોડા અકળાયેલા વરરાજાએ સામેથી ચહેરો નમાવ્યો, જેથી ભાવિ સાસુ જલદી નાક ખેંચે ને જાનનો જલદી વાડીપ્રવેશ થાય. પરંતુ આ વખતેય એ પવિત્ર પળ પાછી ઠેલાઈ. કારણ, આ વખતે વરરાજાના અણવરે ટેટો ફોડ્યો. એણે સીમાભાભીને કહ્યું:

આન્ટી, આ ભાઈ કોણ છે? એમને ડાબેરી ને ડાબોડી વચ્ચેનો ફરક ખબર નથી તો આપણી પરંપરા સામે સવાલો શું કામ ઉઠાવે છે?”

અમને પાછી ફાળ પડી. અમારી જેમ જાનૈયાઓને પણ આંચકો લાગ્યો, કારણ કે વરરાજાના પિતાશ્રી ધીમા અવાજે કરગર્યાઃ

નિખિલકુમાર, તમને નીલાના સમ દીધા તા કે લગનમાં કોઈ હારે ડાબેરી-જમણેરી નહીં કરતા, તોય પાછા...?”

અમે સમજી ગયા કે અમારી જેમ વર પક્ષ પણ ડિબેટવીરોના ડંખથી પરેશાન હતો. જાનને માંડવા સુધી પહોંચાડવામાં જતીનના વેવાઈની જાન નીકળી ગઈ હશે એ વિચારથી મને હસવું આવી ગયું. સાથેસાથે થયું, કેવો અજબ ઈત્તેફાક છેઃ કન્યાનો બનેવી ધર્મેશકુમાર અને વરરાજાનો બનેવી નિખિલકુમાર એમ સાલા બેય બનેવી ચર્ચાખોર નીકળ્યા!

આ ડબલ ટ્રબલથી કેમ બચવું એના પ્લાન અમારી ટીમ હજી વિચારે ત્યાં તો અલકાની હણહણાટી સંભળાઈ. કન્યા પક્ષની હોવા છતાં વર પક્ષમાં વૈચારિક સમાનતા દેખાતાં એણે પક્ષપલટો કર્યો અને પેલા નિખિલને કહ્યું:

ડાબેરીઓનું તો કામ જ સવાલો પૂછવાનું છે, ભાઈ. એ લોકો જમણેરી સરકારને અને જમણેરી પરંપરાઓને તો ઠીક, પોતાના ખુદના જમણા હાથને પણ નથી છોડતા. હથેળી છોલાઈ જાય ત્યાં સુધી જમણો હાથ પછાડી પછાડીને સવાલો પૂછતા રહે છે.

આવી પોલેમિકલ આર્ગ્યુમેન્ટનો જવાબ આપવામાં હું મારો ટાઈમ વેસ્ટ નહીં કરું, ધર્મેશે અલકા કોઈ તુચ્છ પ્રાણી હોય એ રીતે એને જોઈને નિખિલ પર નજર ઠેરવતાં કહ્યું: જુઓ સાહેબ, કોઈ પણ વિધિમાં ડાબો હાથ નહીં વાપરવાની પરંપરા સો ટકા દકિયાનૂસી છે. અને સાહેબ, લોકશાહીમાં અમને આવી પરંપરા વિશે સવાલો પૂછવાનો અધિકાર છે.

વાહ! ડાબેરીઓ લોકશાહીની દુહાઈ આપે છે! આ તો શેતાન ધર્મગ્રંથ ટાંકતો હોય એવી વાત થઈ. નિખિલે ઠંડકથી જવાબ આપ્યો - એના સસરાની ચૂપ રહેવાની આજીજીને અવગણીને.

ડાબેરીઓને શેતાન કહેતા પહેલાં તમારા જેવા જમણેરીઓની અંદર બેઠેલા હિટલર તરફ તો એક નજર નાખો, સાહેબ. યુ વિલ નો, હાઉ બિગટ્સ ઍન્ડ ડિક્ટેટર્સ યુ ઑલ આર. ધર્મેશ ફાટ્યો.

વાત વધી ગઈ. એકબીજાં પર શાબ્દિક મિસાઈલો ફેંકાયાં. ચાર-પાંચ મિનિટ સુધી વિવિધ વિચારધારાઓના મસાલેદાર રસાથી લસલસતી ગુજરાતી-અંગ્રેજી શબ્દાવલિ વરસતી રહી. દા.ત. બિનસાંપ્રદાયિકતા, બંધારણ, ધર્માંધતા, પોલેમિક્સ, વ્હૉટઅબાઉટરી, રૅશનાલિઝમ, નૅશનલિઝમ વગેરે.

જાનૈયા ને કન્યા પક્ષના લોકો કંટાળી ગયા. જો કે એક બૅન્ડવાળાએ દેશભક્તિ જેવો કોઈ શબ્દ સાંભળીને પીપૂડી પર કર ચલે હમ ફીદા જાનોંતન સાથિયોં, અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં ગીત ચાલુ કરી દીધું. જતીને એને આંખોથી શાંત રહેવાની રિક્વેસ્ટ કરી ત્યારે એણે બંધ કર્યું.

આ માથાકૂટ દરમિયાન અમે સતત ધર્મેશને બાપુજી બોલાવે છે કહીને ખેંચી જવાની કોશિશ કરતા રહ્યા. વેવાઈ પણ નિખિલને સતત નીલાના સમ આપતા રહ્યા. પરંતુ ટપોરીઓના ખર્ચાપાનીની જેમ આ ડિબેટવીરો એકમેકને ચર્ચાપાની દેતા રહ્યા.

આ દરમિયાન, વરરાજા અધીરો થઈ ગયો હતો. એને પરણવાની ઉતાવળ હતી કે રાતભરની બસની મુસાફરી પછી એકીબેકીએ જવાની એ તો કોને ખબર, પરંતુ પાંચેક મિનિટ પછી એનાથી ન રહેવાયું. એટલે એણે પોતાની વુડ-બી સાસુનો હાથ પકડીને પોતાના ચહેરા તરફ ખેંચ્યો અને જાતે જ પોતાનું નાક ખેંચાવી લીધું. પછી એ બરાડ્યોઃ

એ... હવે બંધ કરો મગજમારી. નાક ખેંચાઈ ગયું, ચાલો અંદર.

એ સાંભળીને કન્યા ને વર પક્ષની ભીડ પણ એ હાલો હાલો, અંદર હાલો બધા એવી બૂમો  પાડતી ઘેટાંની જેમ વાડીમાં પ્રવેશવા માંડી. એમાં ચર્ચાવીરોને પણ ધક્કા લાગ્યા અને એ લોકો અંદર તરફ ઘસડાયા. આખરે પાંચ હજારની ટેટાની લૂમના ધડાકા પછી છવાય એવી શાંતિ છવાઈ.

આ શાંતિ ત્રણેક કલાક સુધી રહી. એટલે કે જાનૈયાઓ નહાઈધોઈ, તૈયાર થઈને લગ્નવિધિ માટે મંડપમાં આવ્યા ત્યાં સુધી. અમારી ટીમે એ ત્રણેક કલાક ભગીરથ પ્રયાસો કરીને દીવો, ફૂલઝરી અને ફટાકડાને એટલે કે ધર્મેશ, નિખિલ અને અલકાને ભેગાં ન થવા દીધાં. હા, અમને એક આશ્વાસન એ હતું કે કન્યા પક્ષ અને વર પક્ષ બેય ડિબેટવીરોની બાબતે સમદુખિયા હતા એટલે બેય પક્ષ પ્રસંગમાં વિઘન નો આવે એ માટે સાથે મળીને કામ કરી રહ્યા હતા.

આખરે ગોરમહારાજની હાકલ થઈઃ કન્યા પધરાવો, સાવધાન!’ એ હાકલ બેય પક્ષના ચર્ચાપીડિત માથાઠરેલોને કંઈક આમ સંભળાઈઃ ચર્ચા વકરાવો, સાવધાન!’ કારણ, વર-કન્યાની સાથે મંડપમાં પેલા ચર્ચાખોરોને આવતાં કોઈ રોકી શકે તેમ નહોતું.

છેવટે વરકન્યાની પાછળ એ ચર્ચાખોરોની પણ મંડપમાં પધરામણી થઈ. એમની આસપાસ અમે માથાઠરેલો સાવધાન પોઝિશનમાં હતા, છતાં અમારા મનમાં એવો ફડકો તો હતો જ કે આ તોપો ક્યાંક ધણધણે નહીં તો સારું. જો કે તોપની તો તાસીર જ તરખાટ મચાવવાની હોય. એટલે પહેલી તકે એ ગરજી. બન્યું એવું કે પોતાનો થેલો ફંફોસીને ટેન્શનમાં આવેલા ગોરમહારાજે જતીનને બોલાવ્યોઃ

જતીનભાઈ, હું બાઈક પર આઈવો એમાં જવતલની થેલી રસ્તામાં ક્યાંક પડી ગઈ લાગે છે. આંયા વાડીની ડાબી બાજુએ બે મકાન છોડીને ગાંધીની દુકાન છે. ન્યાંથી મંગાવી દ્યોને ઝટ.

જતીન કંઈ બોલે એ પહેલાં જિતુકાકા બોલ્યાઃ અરે ગોરમારાજ, ઈ ગાંધીનું તો ધંધામાં ધ્યાન જ નથી. રખડતો હશે ક્યાંક દુકાન રેઢી મેલીને. જતીન, તું રે આંઈ... હું કોકને જીનપરામાં મોદીની દુકાને મોકલું છું ને જવતલ મગાવી દઉં છું.

નિખિલ અચાનક ગેલમાં આવી ગયો. એણે થોડે દૂર ઊભેલો ધર્મેશ સાંભળે એમ મોટા અવાજે કહ્યું: “ક્યા બાત હૈ, કાકા. તમે એકદમ સાચું કીધું. ગાંધીનું ખરેખર ધંધામાં ધ્યાન નથી. એમણે લાખના બાર હજાર કરીને હાથ ઊંચા કરી દીધા ને દુકાનને તો સાવ વેચવાની જ બાકી રાખી. એના પર ભરોસો કરાય જ નહીં. ભરોસો તો મોદી પર કરાય, જેણે તૂટલીફૂટલી હાલતમાં મળેલી દુકાનને એવી રિનોવેટ કરી કે એ દુકાનનો આજે અમેરિકા ને યુરોપમાંય ડંકો વાગે છે, ડંકો.

ખલાસ. બેય પક્ષના માથાઠરેલોના ચહેરા વિલાઈ ગયા. જિતુકાકાએ તો ગામના ગાંધી ને મોદી અટકધારી એવા બે લોકલ કરિયાણાવાળાની વાત કરેલી. જો કે નિખિલે કરિયાણાવાળા માટે વપરાતાં એ બેય સંબોધનને એવી સિફતથી પોલિટિકલ જામા પહેરાવી દીધા કે વર-કન્યા સહિત મંડપમાં બેઠેલાં બધાં જ હેબતાઈ ગયાં.

હવે ધર્મેશે પણ મોકો જોઈને નિખિલને ધોકો માર્યોઃ ઓ ડંકાવાળી, એ ડંકો દુકાનના બાર વાગવાનો ડંકો છે, સમજ્યો? પહેલાં દુકાન તૂટલીફૂટલી ભલે હતી, પણ ચાલતી હતી. હવે દુકાન બહારથી સફેદ કેમ દેખાય છે, ખબર છે? કારણ કે તમે જેમની ભક્તિ કરો છોને એ દુકાનદારે દુકાનને ચૂનો લગાડી દીધો છે, ચૂનો. એ રોજ નવાં નવાં પાટિયાં મારીને કસ્ટમરોને બેવકૂફ બનાવે છે, અને...

એક મિનિટ ધર્મેસકુમાર,” ભોળાં મમતા માસીને આ વ્યંજનામાં ચાલતી વાતચીત સમજાઈ નહીં એટલે એમણે ધર્મેશને વચ્ચેથી અટકાવીને પૂછ્યું: ઈફ આઈ એમ નૉટ મિસ્ટેકન, તમે ને આ નિખિલકુમાર બેય આ ગામથી ફૅમિલિયર નથી. તો પછી તમને બેયને કેવી રીતે ખબર કે ગાંધીએ દુકાનમાં લાખના બાર હજાર કૈરા ને મોદીએ દુકાનને રિનોવેટ કૈરી?”

એ સાંભળીને ચતુરસુજાણો મૂછમાં ને લિપસ્ટિકમાં હસ્યાં. જો કે નિખિલે માસીને જવાબ આપવાના બહાને ધર્મેશ પર વળતો પ્રહાર કર્યોઃ

હું તો ફૅમિલિયર છું, આન્ટી. પણ સિત્તેર વર્ષથી ગુલામી કરતા કેટલાક લોકોને દુકાનની પ્રગતિ જોવી જ નથી. એમને તો બસ નવા દુકાનદારને ગાળો જ આપવી છે.

ધર્મેશ ઝનૂનભેર જવાબ આપવા ગયો, પણ માસીને કન્ફ્યુઝ્ડ જોઈને જિતુકાકા વચ્ચે બોલ્યાઃ એલા ઊભો રે બે મિલિટ. આ મમતા માસી બચાડાં તમને સું ક્યે છે ઈ તો હાંભળ...

આ માસી સંબોધનથી મમતા માસી ભયંકર હર્ટ થઈ ગયાં: જિતુભાઈ, તમે મને માસી ક્યો છો? તમે? ધિસ ઈઝ આઉટરેજિયસ. તમને ખબર છે, હું તમારાથી 6 મહિના નાની છંઉં?

અરે મેં તને માસી નથ કીધી, મમતા. ઈ તો તું ધર્મેસની માસીજી થાસ ને અટલે... ઈ રીતે તને માસી કીધું. ધર્મેસ તરફથી. જિતુભાઈએ ફોડ પાડ્યો. અમે ચર્ચાની ગાડીનો પાટો ફંટાતો જોઈ રહ્યા.

હા, હા, લ્યો, ભાણેજનું ઉપરાણું લ્યો. હું તો તમારી દૂરની કઝિન છું, પણ ધર્મેસકુમાર તો તમારા નજીકના ભાણેજ છેને? લ્યો એનું ઉપરાણું. રિસાયેલાં માસી દાઢમાં બોલ્યાં.

તુંય હદ કરસ હો, મમતા. હું તો તારું ઉપરાણું લેતોતો ને તું કેસ કે ધર્મેસનું લઉં સું?”

લે... હજી હમણાં તમે તમારા સગ્ગા મોઢે કીધું કે તમે ધર્મેસકુમાર તરફથી બોયલા. અલકા, ટેલ મી. ડિડ હી સે ધિસ ઓર નૉટ?” માસીએ જિતુકાકાને મૂંઝવી માર્યા.

જો કે અલકા કંઈ બોલે એ પહેલાં ધર્મેશે ચર્ચાનું સુકાન ફરી ઝૂંટવી લેતાં કહ્યું:

અલકાને શું પૂછો છો, માસી? મારે કોઈ વકીલની જરૂર નથી. મારી લડાઈ હું લડી શકું છું. તો નિખિલભાઈ, હું એમ કહેતો હતો કે...

શું સમજ્યા-મૂક્યા વિના વચ્ચે કૂદો છો, ધર્મેશભાઈ? અલકા ધર્મેશને કાપતાં બોલીઃ અત્યારે મુદ્દો એ છે કે જિતુકાકાએ મમતા માસીને માસી કીધું કે નહીં. એમાં તમારી લડાઈની વાત ક્યાંથી આવી? તમને લિબરલોને લડવા સિવાય બીજું કંઈ સૂઝતું નથી કે શું? લડવાનો આટલો શોખ હોય તો બૉર્ડર પર જઈને લડોને... એટલે આખી ચર્ચા જ ખતમ થઈ જાય.

ચર્ચા નહીં, તમારે લિબરલોને જ ખતમ કરવા છે. આઈ નો ઈટ. યુ બ્લડી રાઈટ વિંગ ટ્રોલ્સ. યુ મર્ડરર્સ. યુ ફાસિસ્ટ્સ. તમને આવડે છે શું બીજું, ગાળાગાળી, દાદાગીરી ને લિન્ચિંગ સિવાય?

બોલતાં બોલતાં ધર્મેશે ઉશ્કેરાઈને જોરથી મંડપની કોરે પડેલી ચોરી પર હાથ પછાડ્યો. એ સાથે જ એક પર એક ગોઠવેલી ચોરીની ગાગરો ઊલળીને ધર્મેશના પગમાં વાગી. ધર્મેશ પગ પકડીને ઉંહકારા કરવા માંડ્યો. એમાં જિતુકાકાને ચાન્સ મળી ગયો. એમણે થોડે દૂર ઊભેલા એક છોકરાને કહ્યું:

સૈલેસ... ઘાયોઘા ઓલા મોદીની દુકાને જા ને જવતલ લેતો આવ.

ઊભો રહેજે શૈલેશ. જિતુકાકા, જવતલ તો ગાંધીને ત્યાંથી જ આવશે.” ધર્મેશ બરાડ્યો.

કોઈ સવાલ જ નથી. લગ્ન થશે તો મોદીના જવતલથી, નહીંતર નહીં થાય. જા શૈલેશ, મોદીની દુકાને જા. નિખિલે પણ અલ્ટીમેટમ આપી દીધું. શૈલેશ કન્ફ્યુઝ્ડ હાલતમાં ઊભો રહી ગયો.

ચડસાચડસી થવા માંડી. ગાંધી-મોદી, ગાંધી-મોદી થવા લાગ્યું. દલીલો ભાલાબરછીની જેમ ઊછળવા માંડી. અલકા, ધર્મેશ, મમતા માસી અને જિતુકાકાની સાથેસાથે કન્યા ને વર પક્ષના લોકોએ પણ આ ઝઘડામાં જવતલ હોમવા માંડ્યું. હોગોકીરો થઈ ગયો. ટીવી સ્ટુડિયો જેવો માહોલ થઈ ગયો.

જતીનના વેવાઈને પરસેવો વળી ગયો. એ બિચારા એમના જમાઈ નિખિલને તો ઠીક, બીજા બધાયને પણ ડઝનબંધ સમ દેવા માંડ્યા. અત્યાર સુધી મૂંઝાયેલા અને વિચારમાં પડેલા જતીનને એ જ વખતે કંઈક સૂઝ્યું અને એણે અચાનક ઘાંટો પાડ્યોઃ એક મિનિટ, સાંભળો, સાંભળો...

જતીનના પહાડી અવાજની અસર થઈ હોય તેમ પળ વાર માટે બધા શાંત થયા. જતીને તરત જ અલકા, ધર્મેશ અને નિખિલને ઉદ્દેશીને કહ્યું: ગાંધી પાસેથી જવતલ મગાવવા કે મોદી પાસેથી એનો ફેંસલો કરતાં પહેલાં એક ઈમ્પોર્ટન્ટ ફૅક્ટ તમારે જાણી લેવી જોઈએ.

કઈ ફૅક્ટ, પપ્પા?” ધર્મેશે પૂછ્યું.

એ જ ફૅક્ટ કે... જતીને સસ્પેન્સ વધારવા જાણીજોઈને પૉઝ લીધો અને બધાના ઉત્સુક થઈ ગયેલા ચહેરા પર નિરાંતે નજર ફેરવીને છેવટે એકેએક શબ્દ પર વજન આપતાં કહ્યું:

કરિયાણાની દુકાનવાળા ગાંધીનું નામ છે નરેન્દ્ર ગાંધી અને કરિયાણાની દુકાનવાળા મોદીનું નામ છે રાહુલ મોદી. બોલો, હવે કોની દુકાનેથી મગાવીએ જવતલ?

જતીનના આ ધમાકાથી ચર્ચાવીરો જબરા મૂંઝાઈ ગયા. એમને સમજાયું નહીં કે નરેન્દ્ર ગાંધી અને રાહુલ મોદીમાંથી કયા દુકાનદારના પક્ષે રહીને લડવું. જતીનના વેવાઈએ અને ચોરીમાં બેઠેલા વરરાજાએ જતીનનો આંખોથી જ આભાર માન્યો. જતીને એમની સામે આછું સ્મિત કર્યું. મને સમજાયું નહીં કે એ સ્મિત નિર્મલ આનંદનું હતું કે વિકૃત આનંદનું.

તો હવે હું નરેન્દ્ર ગાંધીની દુકાનેથી જવતલ મગાવી લઉંને? જા શૈલેશ લઈ આવ.

કહીને જતીને કોઈના જવાબની રાહ જોયા વિના છોકરાને મોકલી દીધો. આ બાજુ પેલા ત્રણેયને આઘાતની કળ વળવા માંડી. વ્યંજનાત્મક ચર્ચાને બદલે હવે સીધી આર યા પારની ડિબેટ કરી નાખવાનો નિર્ધાર એમના ચહેરા પર દેખાયો. ધર્મેશે ફરી શંખ વગાડ્યોઃ

પપ્પા, આ ગ્રોસરીવાળા મોદી ને ગાંધીનાં નામ ઈન્ટરચેન્જ થયાં એ તો જસ્ટ એક કોઈન્સીડન્સ છે. એનાથી મારો મુદ્દો બિલકુલ બદલાતો નથી. હું એ કહેવા...

જતીને તરત બીજો બૉમ્બ ફોડતાં કહ્યું: તમારી વાત સાચી છે, ધર્મેશકુમાર. મને લાગે છે કે તમને, અલકાને અને નિખિલકુમારને અન્યાય ન થવો જોઈએ. અમારે તમને ત્રણેયને ચર્ચા કરવાની પૂરી તક આપવી જોઈએ. બીકૉઝ, તમારા ત્રણેયના સવાલો સિરિયસ છે.

જતીનના ચહેરા પર ગંભીરતા જોઈને બધા ચકિત થઈ ગયા. ઈવન, ડિબેટવીરો પણ જતીનને નવાઈથી જોઈ રહ્યા. બધાયને લાગ્યું કે જતીનનું પણ ફટક્યું કે શું? એ પછી જતીને એકાદ મિનિટનું ગરબડિયું લેક્ચર આપ્યું, જે ટૂંકમાં કંઈક આવું હતું:

લગ્ન એટલે એક આઝાદ વ્યક્તિનું બીજી આઝાદ વ્યક્તિ સાથે જોડાણ. બે આઝાદીનો સરવાળો બંધન ન થાય, આઝાદી જ થાય. આમ લગ્ન એટલે આઝાદી. આઝાદી એટલે લોકશાહી. ને લોકશાહી એટલે આઝાદી. ત્રણેય એકમેકનાં પૂરક છે. એટલે આ ત્રણેયને આપણે એક ચાન્સ આપીએ, લોકશાહીને એક ચાન્સ આપીએ, આઝાદીને એક ચાન્સ આપીએ. ચાલો. ગોરમહારાજ તમે ચાલુ કરો.

આવું કહીને જતીને મને અને પોતાના વેવાઈને આંખ મારી. પછી ધર્મેશનો હાથ પકડીને એણે ચાલવા માંડ્યું. આથી મેં અને વેવાઈએ પણ જતીનનું અનુકરણ કર્યું. અમેય અલકા ને નિખિલનો હાથ ઝાલીને જતીનની પાછળ પાછળ વાડીમાં ઉપરના માળે ગયાં, જ્યાં જાનને ઉતારો આપવામાં આવેલો. દાદરા ચડતી વખતે ગોરમહારાજે શરૂ કરેલા મંત્રોચ્ચારો અમારા કાને પડ્યા.

અમે બધાં ઉપરના માળે એક રૂમ પાસે આવ્યાં. પેલાં ત્રણેય એટલાં સ્તબ્ધ હતાં કે કંઈ બોલી જ નહોતાં શકતાં. એક રૂમ પાસે આવીને જતીને માનભેર ત્રણેયને અંદર જવાનું કહ્યું. પછી અંદર એસી-પંખા ચાલુ કર્યાં. ખુરશીબુરશી ગોઠવી. કંઈ ચા-કૉફી કે ઠંડું જોઈતું હોય તો ફોન કરવો એવી સૂચના આપી. છેવટે બહાર આવીને બહારથી કડી મારી દીધી. હું કંઈક વિચારીને અંદર જવા ગયો.

જતીને પૂછ્યું: તું ક્યાં જાય છે?”

યાર, એ લોકોને ચર્ચા માટે કોઈ મોડરેટર તો જોઈશેને?”

નાલાયક, તું અહીં મોડરેટર બનવા આવ્યો છે કે લગ્નમાં આવ્યો છે? ચૂપચાપ ચાલ, નહીંતર દઈશ એક ઊંધા હાથની. કહીને જતીને ચાલવા માંડ્યું. હું ચૂપચાપ એની સાથે દાદરા ઊતરી ગયો.

પછી લગ્ન તો રંગેચંગે પતી ગયાં, પણ મને એટલી મજા ન આવી. એ રાતે હું પડખાં ઘસતો રહ્યો. એ બે દિવસના બનાવોનું મેં વિશ્લેષણ કર્યું તો મને સમજાયું કે વિચારધારાના વાઈરસે મને એટલો જાગાડી દીધો હતો કે મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી.

- નીલેશ રૂપાપરા (દિવાળી - 2019 - ચિત્રલેખા)


No comments:

Post a Comment