Tuesday, 15 June 2021

 

અહા જિંદગી સામયિકમાં છપાયેલી મારી કવિતા



મારી ગઝલ, મારા અક્ષર...



 

1986-87માં લખાયેલી આ ગઝલમાં લગભગ સાચી જોડણી છે અને એ મીટરમાં પણ છે. એટલે એ '90-'91 પછી નવેસરથી લખાઈ હશે એમ લાગે છે.


હિન્દી ફિલ્મગીતનો રસાસ્વાદ


ઐસે નાતા છોડ ગએ હૈં

મુઝ સે યે સુખ સારે

જૈસે જલતી આગ કિસી વન મેં

છોડ ગએ બંજારે...

કેટલું પ્રોફાઉન્ડ છે આ મેટાફર!

સુખના દિવસો પાછળ છૂટી ગયા છે. હવે બચ્યું છે વણઝારાએ પડાવ ઉપાડતી વખતે મનના વનમાં સળગતું છોડી દીધેલું તાપણું. હવે એ તાપણું ઠંડી, ઉદાસ જિંદગીને હૂંફ આપશે? કે પછી એની ઝાળ સુક્કાભઠ થઈ ગયેલા વનને દાવાનળમાં હોમી દેશે?

શું આ પંક્તિ અતીતને ધમરોળી ગયેલા કોઈ વણઝારાની બેદરકારી સામેની એવી ફરિયાદ છે કે મને માત્ર સ્મૃતિનું તાપણું આપીને તું કેમ ચાલ્યો ગયો? કે પછી વિવશતાથી વ્યક્ત થતો એવો ઉપકારભાવ છે કે ચાલો, સુખ નહીં તો સુખનાં સ્મરણો તો રહ્યાં?

હિન્દી ફિલ્મગીતોમાં છુપાયેલું આવું અર્થબાહુલ્ય વર્ષો સુધી એ ગીતો ગણગણવા છતાં ઊઘડતું નથી ને ક્યારેક અનાયાસે ઊઘડી જતું હોય છે. કારણ, ગાયકી અને ધૂનની રમઝટમાં એના પર ઝટ ધ્યાન નથી જતું. તો ક્યારેક એવુંય બને છે કે ગીત સાવ સામાન્ય હોય અને આવું કાવ્યરત્ન એની એકાદ પંક્તિમાં છુપાયેલું હોય એટલે એ ધ્યાનબહાર રહી જાય છે.

આ ગીતમાં પણ એવું જ બન્યું છે. આરડી બર્મને કમ્પોઝ કરેલું અને કિશોર-લતાએ ગાયેલું કટી પતંગ ફિલ્મનું આ ધમાલ હોળીગીત છે, જેની માત્ર આ બે પંક્તિમાં આનંદ બક્ષી કમાલ કરી ગયા છે. યાદ આવ્યું કયું ગીત છે?

આજ ન છોડેંગે બસ હમજોલી

ખેલેંગે હમ હોલી...

બે દિવસ પછી હોળીટાણે ઉલ્લાસના રંગમાં ભળી ગયેલો અવસાદનો આ રંગ પણ જોજો યુટ્યુબ પર.

 Hellaro - Gujarati Film Introduction


હેલ્લારોઃ હળવી નજરે


આજે હવે અમે ઘીની બાધા છોડશું, કેમ કે ગઈ કાલે રાતે સપરિવાર, સપૉપકૉર્ન અને સ-સમોસા થિયેટરમાં બેસીને અમે ગુજરાતી તરીકેની પવિત્ર ફરજ બજાવી લીધી, આંખોથી પ્રશંસાની દાંડી પીટતાં પીટતાં બજાવી લીધી. એક ગુજરાતી તરીકે છાતી પણ ગજગજ-મીટરમીટર ફુલાવી લીધી. બે કલાક સુધી સંવેદનસાગરમાં ડૂબકીઓ માર્યા પછી થિયેટરના પાર્કિંગ લૉટમાં જતાં જતાં અમે પશ્ચાતાપનો શુદ્ધ શીતળ પવન પણ અમારા હૈયામાં ભરી લીધો. આમ, સજડબંબ હૈયું પહોળું થયું એટલે અમે પત્ની ને દીકરીને કહ્યું કે તથાસ્તુ, આવતાં નોરતાંમાં તમે ગરબા રમજો રે, રમજો માઝમ રાત... અમને એમ કે અમારા નારીસમ ઋજુ થયેલા હૃદય પર દુનિયા ટકી હોવાના તથ્યને એ બેય હોંકારો દેશે. એને બદલે એમની આંખમાં અમને વંચાયું: ડોન્ટ પેટ્રનાઇઝ અસ, ઓકે?

ઑલ સેડ ઍન્ડ ડન, હેલ્લારો અમને ગમી. સ્ત્રીની અભિવ્યક્તિના દમનનું રૂપક (ગરબા કરવા પર રોક) માની શકાય એવું ન લાગ્યું, છતાં ગમી. ઉપમાન સાથે જેની તુલના કરાઈ હોય એ ઉપમેય અવિશ્વસનીય ન લાગવું જોઈએ. વળી, વ્યંજનાના ગર્ભિત અર્થમાં અભિધાનો શબ્દાર્થ પણ જળવાવો જોઈએ, જે અહીં નથી જળવાયો એ સાચું. આમ છતાં એ પણ સાચું છે કે સ્ત્રીની અભિવ્યક્તિનું દમન આજેય થાય છે. અભિવ્યક્તિનું દમન તો ઠીક, સ્ત્રી પર અત્યાચારો પણ થાય છે. ફિલ્મમાં ઢોલીની સૂકી આંખમાં જે દેખાય છે અને 13 સ્ત્રીના દબાયેલા સ્વરમાંથી જે પડઘાય છે એ હજીય સત્ય છે: દલિત અને સ્ત્રી એ બેય પર અત્યાચારની પરંપરા. આ વાત ફિલ્મમાં, પાત્રના મોઢે લેખક બોલતો લાગે તોય, રંજકતાનો ભોગ લીધા વિના કહેવાઈ છે.

જો અમને ફિલ્મ ગમી હોય તો ઉપરની અવળવાણી શું કામ કાઢી? એનો જવાબ: એવી ઈર્ષ્યા કે આ અથવા આવી જ કોઈ ફિલ્મ અમે કેમ ન લખી. 🙂

------- ઉમેરો ------

Shweta Upadhyay Dave: મેં એમ માની લીધું કે જેમ ભરતકામની મનાઈ વાંઢમાં તાજેતરમાં બનેલી કોઈ ઘટનાને કારણે થઈ એવી જ કોઈક જૂની ઘટનાને કારણે ગરબાની મનાઈ થઈ હશે..

મારો જવાબ: Shweta Upadhyay Dave... આ મુદ્દો મારે લખવો હતો, પણ મોબાઈલ પર ટાઈપ કરવાની પળોજણમાં ભુલાઈ ગયો. સારું થયું તમે યાદ દેવડાવ્યો અને એક vague વાત સ્પષ્ટ પણ કરી આપી. કોઈ પણ ફિલ્મ કે સાહિત્યકૃતિ એ મેક-બીલીવનું વિશ્વ હોય છે. એમાં તમે કોઈ પણ કલ્પિત વાત કરો તો પણ ભાવક એ માનવા તૈયાર હોય છે. શરત માત્ર એટલી કે એમાં એક ઈન્ટર્નલ લૉજિક હોવું જોઈએ, કાર્ય-કારણનો સંબંધ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે હેરી પોટરનું જાદુઈ વિશ્વ પણ આપણે માની લઈએ છીએ, કેમ કે એમાં જાદુની કલ્પના જ માત્ર નથી, બલ્કે એના અમુક નિયમોનું એક ઇન્ટર્નલ લૉજિક પણ છે.

આ ઇન્ટર્નલ લૉજિક હેલ્લારોમાં ભરતકામના પ્રસંગમાં દર્શાવ્યું છે, પણ ગરબા પરની રોક શા માટે લાગી એનું કોઈ કારણ ઘટના-પ્રસંગરૂપે દર્શાવાયું નથી. આથી તમે કહો છો તેમ એવું ધારી લેવું પડે છે કે એવી કોઈ ઘટના બની હશે, જેને લીધે આવો પ્રતિબંધ આવ્યો. આવું જાતે ધારી લેવું દર્શક માટે મુશ્કેલ છે. ખાસ કરીને ત્યારે જ્યારે એ ધારણા હકીકતથી વેગળી હોય.

 

નીલેશ રૂપાપરા (16 નવેમ્બર, 2020 – ફેસબુક)

મેરી અંગડાઈ ન ટૂટે તૂ આ જા... 


આમ તો અત્યારના અવસાદી માહોલમાં રોમૅન્ટિક વાત કરવામાં ગિલ્ટ થાય, પણ કાલે સાંજે ઝરમર વરસાદે અવસાદને થોડોક સમય માટે ધોઈને પ્રસન્નતા ભરી દીધી હતી. કારણ હતું કજરારે ગીત...

ઘણી વાર સાંભળેલું શંકર-અહેસાન-લૉયનું અને ખાસ તો ગુલઝારનું આ ગીત આજે સોસાયટીમાં ભીના ભીના આંટા મારતી વખતે પાછું સાંભળ્યું. દર વખતે ધ્યાન આ પંક્તિ પર જ જતું: તેરી બાતોં મેં કિમામ કી ખુશ્બૂ હૈ, તેરા આના ભી ગર્મિયોં કી લૂ હૈ... અને ઝૂમી ઊઠવા માટે મ્યુઝિક ઉપરાંતનું ગુલઝારી કારણ મળી જતું..

જોકે આજે આલિશા ચિનૉયના માદક અવાજમાં વારંવાર રિપીટ થતી અને સામાન્ય લાગતી લાઈન 'મેરી અંગડાઈ ના ટૂટે તૂ આજા' મનમાં પહેલી વાર ઉઘાડ કરી ગઈ. આમ તો હિન્દીમાં 'અંગડાઈ તોડના'નો અર્થ થાય કામ કર્યા વિના એદીની જેમ પડ્યા રહેવું. જોકે ગુલઝારને એવો સાદો અર્થ અભિપ્રેત હોય? મને નથી લાગતું. ઉપરથી ઉર્દૂમાં અંગડાઈને બદનની ખૂબસૂરતી સાથે જોડતા ઢગલાબંધ શેર છે અને આ ગીતમાં અંગડાઈ સાથે નાયિકાનું ઈજન પણ છે. એ રીતે વિચારતાં બત્તી થઈ કે આ ગીતમાં આ લાઈન તો શૃંગારનું શિખર છે.

નાયિકા અહીં નાયકને માત્ર ઈજન નથી આપતી, બલ્કે એવી પળે આવવાનું કહે છે કે જ્યારે એ જાગીને આળસ મરડી રહી હોય. ના, એમ નહીં. આળસ મરડવી એમ કહેવામાં રોમાન્સ મરડાઈ જાય છે. એટલે અંગડાઈ પૂરતું હિન્દી જ રાખીને હજી શૃંગારિક રીતે કહેવાની કોશિશ કરું.

નાયિકા અહીં જેટલું કહે છે એના કરતાં ઘણું અધ્યાહાર રાખે છે. એ અધ્યાહારમાં, એ અવ્યક્તમાં છલકાય છે એની આરઝૂ, જે નાયકને પોતાનું સૌંદર્યપાન કરાવવાની છે. એ જાણે છે કે અંગડાઈ લેતી એની અંગભંગિમાઓ એના શરીરમાં જે કમનીય વળાંકો સર્જશે, એનાં અંગોને જે આકર્ષક રૂપ આપશે એ જોઈને એનો પ્રેમી એને પોતાની ભુજાઓમાં સમાવી લેશે. અહીં અવ્યક્ત છે નાયિકાનાં નાયક સાથે પ્રેમનાં પ્રચંડ મોજાં પર સવાર થઈને નિર્બંધ સાયુજ્ય માણવાનાં અરમાન.

આ સિવાય હજી અવ્યક્ત છે એ નાયિકાનો છૂપો ડર. એને લાગે છે કે નાયક જલ્દી નહીં આવે તો એ મારી અંગડાઈ જોઈ નહિ શકે અને મારાં અરમાનો અધૂરાં રહી જશે. એટલે એ એક રીતે નાયકને પળ વારમાં આવી જવાનું સૂચવે છે. અંગડાઈ તો પળ વારમાં જ લેવાય ને તૂટે ને? જિંદગીનું પણ સાલું એવું જ છે. પળ વારમાં પૂરી થઈ જાય છે. એટલે જ આનંદ બક્ષી કહે છેઃ આદમી ઠીક સે દેખ પાતા નહીં ઔર પરદે પર મંઝર બદલ જાતા હૈ.

ઓહ, રોમાન્સ તોડીને ફિલસૂફીમાં સરી પડવા બદલ સૉરી. એનીવે, થોડામાં ઝાઝું કહી દેવાનો કસબ ગુલઝારમાં ઠાંસીને ભરેલો છે એવું માનવું મને ગમે છે. શક્ય છે કે ઉપરોક્ત લાઈન વિશે તમારામાંથી ઘણાની બત્તી બહુ પહેલાં થઈ ગઈ હોય. શક્ય છે કે હિન્દી-ઉર્દૂના જાણકારો કઈંક બીજો જ અર્થ કાઢે. મેં તો જે સૂઝ્યું-સમજાયું એ લખ્યું.

ઉપર ઉર્દૂમાં અંગડાઈના શેરની વાત કરી છે તો પ્રસ્તુત છે પાકિસ્તાની શાયરા પરવીન શાકિરનો શેર:

अब भी बरसात की रातों में बदन टूटता है
जाग उठती हैं अजब ख़्वाहिशें अंगड़ाई की

ને આ જૌન એલિયાનો શેરઃ

अब तो उस के बारे में तुम जो चाहो वो कह डालो
वो अंगड़ाई मेरे कमरे तक तो बड़ी रूहानी थीTop of Form

 

 Ligh Post on Western Genre films

વેસ્ટર્ન ક્લાસિક્સની મજા


મને કોરોનાકાળમાં ડૂબતા મનને ઠેકાણે રાખવા જાતજાતનાં દોહદ ઊપડતાં રહ્યાં છે. લેટેસ્ટ દોહદ છે વેસ્ટર્ન જોનરની ફિલ્મો જોવાનું. ખાસ કરીને ક્લિન્ટ ઈસ્ટવુડ અને ડિરેક્ટર સર્જિયો લિયોનીની ફિલ્મો. ગુડ બૅડ ઍન્ડ અગ્લીઅથવા ફૉર અ ફ્યુ ડૉલર્સ મોરજેવી ડૉલર્સ ટ્રિલૉજીની પહેલાં જોયેલી ક્લાસિક વેસ્ટર્ન્સ અને કેટલીક પહેલાં જોવાની રહી ગયેલી વેસ્ટર્ન્સ. આહા! બેક કલાકનો જલસો હોય, બાપુ. જોઈને આંખો ઠરે એવો માહોલ હોય.

સુક્કાભઠ્ઠ ને વેરાન પહાડી પ્રદેશમાંથી પસાર થતી સ્ટીમ એન્જિનવાળી ટ્રેન હોય. 19મી સદીના અમેરિકાનું ટિપિકલ નિરાંતવું ગામડું હોય. ગામડામાં વિશાળ ઘંટવાળું દેવળ હોય. ઊંચા સ્તંભો પર બેસાડેલી પાણીની ટાંકી હોય. ગામડાની વચ્ચેથી કાચી લાલ માટીનો રસ્તો પસાર થતો હોય. એની બેય બાજુએ મધ્યયુગીન બાંધણીવાળાં બેઠાઘાટનાં મકાનો હોય, જે મહદંશે ઘૂંટણસમાણા લાકડાના માંચડા પર ઊભાં હોય. એ મકાનોની આસપાસ મેલાઘેલા ઘેરદાર વિક્ટોરિયન ટાઈપ્સ ગાઉનમાં ફરતી ભરાવદાર સ્ત્રીઓ હોય. એમાંથી એકાદ મકાનમાં જૂની બૅન્ક હોય અને એકાદમાં લાકડાનું ઍન્ટિક ફર્નિચર ધરાવતું ટિપિકલ ટૅવર્ન (જૂની ઢબનું પબ) હોય. એ ટૅવર્નમાં કરડા ને કદરૂપા વિચિત્રવીર્યોને બીયર ને વ્હીસ્કી પીરસતી રૂપાળી કન્યાઓ હોય, જેમની ક્લીવેજ ટેક્સસની ખીણો જેવી નયનરમ્ય લાગતી હોય.

રસ્તાના છેક છેડે ક્ષિતિજે રાતી ઝાંયવાળો રેતાળ પ્રદેશ નજરે ચડતો હોય. ડૂબતા સૂરજની પશ્ચાદભૂમાં હણહણતો અશ્વ ગામમાં પ્રવેશતો હોય. એના પર સવાર હોય માથે કાઉબૉય જેવી હૅટ પહેરીને અને ખભે કારતૂસનો હારડો વીંટાળીને બેઠેલો ગ્રીક ગૉડ જેવો બાઉન્ટી હન્ટર (જેમના માથે ઈનામ હોય એવા ડાકુ-બહારવટિયાને પકડીને કાનૂનને હવાલે કરનાર જવાંમર્દ). બહુ ઓછું બોલતા અને બુઝાઈ ગયેલી સિગરેટ ચૂસ્યા કરતા હીરોનું વ્યક્તિત્વ ઉભારવા રહસ્ય ને રોમાંચ ઘૂંટતું સૂરીલું મ્યુઝિક હોય. આ ઉપરાંત, આઉટલૉઝ તરીકે ઓળખાતા નિષ્ઠુર ગુનેગારોની ટોળકી હોય. કીડામકોડાની જેમ માણસોને માર્યા પછી ધુમ્રસેર ઓકતી રિવૉલ્વરો પર ક્રૂર સ્મિત સાથે મરાતી મર્દાના ફૂંકો પણ હોય.

આ અને આવું તો ઘણુંબધું હોય, જે હકીકતમાં સાઠના ને સિત્તેરના દાયકાની વેસ્ટર્ન ક્લાસિક ફિલ્મોનું બિલ્ડિંગ મટીરિયલ છે. જોકે આમાં સૌથી વધુ ઈન્ટરેસ્ટિંગ વાત હોય તો એ છે એક અનોખો સીન. કાઉબૉય કે બાઉન્ટી હન્ટર હીરોએ બધા આઉટલૉઝને ફૂંકી માર્યા હોય અને વેરાન વગડામાં હીરો ને વિલન બેય એકલા બચ્યા હોય ત્યારે એ સીન આવે. લગભગ દરેક વેસ્ટર્નમાં આવે - થોડાઘણા ફેરફાર સાથે. એ સીનમાં ખજાનો કે બૅન્કલૂટના ડૉલર્સની કોથળીઓ લાદેલા એકાદ ઘોડો પણ હોય.

છેવટે હીરો કે વિલન બેમાંથી કોઈ એક જણ પ્રસ્તાવ મૂકે કે તું મને પહેલો શૂટ કરે તો આ ડૉલર્સ તારા. બન્ને ઈમાનદારીથી એ શરતનું પાલન કરવા એકમેકથી વિરુદ્ધ દિશામાં દસ-પંદર ડગલાં દૂર જાય. પછી એકમેક તરફ ફરે. આપણા ઢેનટેણેનની જેમ વ્હીસલ જેવું વેસ્ટર્નનું સિગ્નેચર મ્યુઝિક તેજ થાય. હીરો ને વિલનની આંખોના, કમરપટ્ટે ખોસેલી એમની રિવૉલ્વરોના અને એ રિવૉલ્વર પાસે ધ્રૂજતી એમની આંગળીઓના ક્લોઝ-અપ્સ દેખાય. આકાશમાં મોતનાં ફરિશ્તાની જેમ ચકરાવા લેતાં ગીધ દેખાય. ટેન્શનથી તરબોળ એવી હાઈ વોલ્ટેજ થ્રિલિંગ મોમેન્ટ્સ ક્રિયેટ થાય.

આપણને ખબર હોય કે અંતે સાલું શું થવાનું છે તોય આપણામાં અડ્રેનલિન રશ આવી જાય. આખરે, પાનબાઈએ વીજળીના જે ચમકારે મોતી પરોવેલાં એવા જ ચમકારામાં બેયની રિવૉલ્વરો ખેંચાય. બે ધડાકા સંભળાય. વિલન ઊછળીને ઊંધો પડે. હીરો શાંત અને સ્વસ્થ ચહેરે રિવૉલ્વરની નાળીને ફૂંક મારી, આંગળીઓમાં એને સ્ટાઈલથી ગોળ ફેરવીને કમરપટ્ટામાં પાછી મૂકે. ખેલ ખતમ પૈસા હજમ.

આવું બધું હવે જોવા નથી મળતું. જોવું જ હોય તો ઈન્ટરનેટના ટાઈમ મશીનમાં પેસીને સાઠના ને સિત્તેરના દાયકામાં જવું પડે. જોકે હજી એક કમાલની ચીજ તો કહેવાની રહી જ ગઈ. આ વેસ્ટર્ન જોનરની ફિલ્મો સર્ચ કરતાં કરતાં અચાનક નજર સામે એક શબ્દપ્રયોગ આવ્યોઃ સ્પૅઘેટી વેસ્ટર્ન. થયું, આ વળી શું હશે? રહેવાયું નહીં એટલે ગૂગલની મશાલ ચેતાવી. અને સ્પૅઘેટી વેસ્ટર્નનો જે અર્થ મળ્યો એ જાણીને જબરું કૌતુક થયું.

વાત એમ છે કે સર્જિયો લિયોનીની સફળ વેસ્ટર્ન ફિલ્મોની ફૉર્મ્યુલા ઉઠાવીને ઈટાલિયન ડિરેક્ટરોએ ઈટાલીમાં વેસ્ટર્ન ફિલ્મોનો ફાલ ઉતાર્યો હતો. એ બધી આપણા મિથુને ઊટીમાં બનાવેલી ફિલ્મોની જેમ લો બજેટ હતી. વળી, એમાં મહદંશે ક્લિન્ટ ઈસ્ટવુડ જેવા દેખાતા ઈટાલિયન હીરોને લેવામાં આવતા હતા. આવી ફિલ્મોને અમેરિકન ક્રિટિક્સે સ્પૅઘેટી વેસ્ટર્ન તરીકે ઓળખાવી. સ્પૅઘેટી એટલે પરંપરાગત ઈટાલિયન નૂડલ પાસ્તા અને સ્પૅઘેટીરસિયા ઈટાલિયનોની વેસ્ટર્ન એટલે સ્પૅઘેટી વેસ્ટર્ન.

આમ તો સર્જિયોએ વેસ્ટર્ન ફિલ્મો બનાવી એ પહેલાં પણ યુરોપમાં વેસ્ટર્ન જોનરની ફિલ્મો બનતી હતી. એ યુરોપિયન વેસ્ટર્ન તરીકે ઓળખાતી હતી. જોકે ઈટાલિયનોએ ધડાધડ સસ્તી ફિલ્મોનું એસેમ્બ્લી લાઈન પ્રૉડક્શન તો સર્જિયો લિયોનીની ડૉલર્સ ટ્રિલૉજી પરથી પ્રેરણાલઈને જ શરૂ કરેલું. આવી ચોરી ભારતમાંય થઈ છે. જેમ કે ખોટે સિક્કે અને ઝલઝલા જેવી ફિલ્મો. થોડીક વધારે બની હોત તો એને પણ ઢોસા વેસ્ટર્ન કે ગાજર કા હલવા વેસ્ટર્ન કે ચપાતી વેસ્ટર્ન જેવાં લેબલો મળ્યાં હોત. 

જોકે સર્જિયોએ પોતે પણ મહાન જપાની ડિરેક્ટર અકીરા કુરોસાવાની યોજિમ્બો નામની ફિલ્મ પરથી ઉઠાંતરી કરીને અ ફિસ્ટફુલ ઑફ ડૉલર્સ બનાવી હતી. પછી અકીરા કુરોસાવાએ એને કહ્યું કે આ તો મારી ફિલ્મ છે ત્યારે સર્જિયોએ એમને કમાણીમાંથી અમુક ટકાનો ભાગ આપ્યો હતો.

એનીવે, આ તો એમ જ જરા #સ્પૅઘેટી_ઉજાગરા (જેમાં સ્પૅઘેટી ઉર્ફે નૂડલ્સ ખવાય એટલે) થાય છે એનું પરિણામ છે આ પોસ્ટ.

 Film Review / Space Moms

સ્પેસ મૉમ્સઃ રાષ્ટ્રવાદનું સાત્વિક રૂપ

કાલે પહેલી નજરે પ્રેમ થઈ જાય એવી ફિલ્મ જોઈ. સ્પેસ મૉમ્સ. આ ફિલ્મમાં સામા પૂરે તરીને જીતતી સ્ત્રીઓની વાત છે, ટાંચાં સાધનોના જોરે અશક્યને શક્ય કરવાના સંઘર્ષની વાત છે. આ વાતમાં કંઈ નવું નથી, કેમ કે આ ઘરેડ પરથી ઘણી ફિલ્મો બની છે.

આમ છતાં ફિલ્મ અનોખી છે એનાં સંયમ અને સહજતાને કારણે. અહીં રાષ્ટ્રવાદનાં નગારાં વગાડ્યા વિના ભારતના મંગળયાન મિશનની કથા મંડાઈ છે. એટલે જ ફિલ્મ આપણા રાષ્ટ્રવાદને જામગરી નથી ચાંપતી. હા, ઢંઢોળે છે જરૂર, પણ સાત્વિક રીતે. એની સહજતા આપણી ભીતર લાગણીનો જુવાળ જગાડવાને બદલે આંખોમાં ભીનું સ્મિત છોડી જાય છે.

અહીં ભારતીય અવકાશસંસ્થા ઈસરોની સામા પૂરે તરતી એન્જિનીયર સ્ત્રીઓ એવા ભારતનું પ્રતીક બની છે જે પોતાનાં સાંસ્કૃતિક મૂળિયાંને છોડ્યા વિના આધુનિકતાના આકાશમાં ઊડવા મથે છે. જે પશ્ચિમે ચીતરેલી ભારતીય સ્ત્રી-પુરુષોની છાપને દૃઢતાથી છતાં કોઈ ઊહાપોહ વિના બદલવાની કોશિશ કરે છે. જે પોતાનું લક્ષ્ય અમેરિકાની અવકાશસંસ્થા નાસાના લક્ષ્યની સામે મૂકી એની બરોબરી કરે છે.

અહીં બે સંઘર્ષની સહોપસ્થિતિ (જક્સ્ટાપોઝિશન) છેઃ પહેલો નિયત સમયમાં અને સાવ ઓછા ભંડોળમાં મંગળયાન મિશન પૂરું કરવાનો ઈસરોનો સંઘર્ષ. બીજો, સંસ્થાની મહિલા એન્જિનીયરોનો પરંપરાને તિરસ્કાર્યા વિના આધુનિકતાને ભેટવાનો સંઘર્ષ. બે સંઘર્ષની કથા હોવા છતાં ફિલ્મમાં વિલન કોઈ નથી. હા, નાસાને અને પશ્ચિમને ભારતનું સાચું સ્વરૂપ દેખાડવાનો એક ઉદ્યમ છે, પણ એમાં કોઈ ડંખ નથી.

ફિલ્મનાં દિગ્દર્શિકા રાધા ભારદ્વાજે બે-અઢી વર્ષ પહેલાં ધ હિન્દુ અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું: આંતરરાષ્ટ્રીય મીડિયા અને મનોરંજનજગતમાં ભારતીય પુરુષોને હિંસક બળાત્કારીઓ તરીકે અને સ્ત્રીઓને રાંક પીડિતા તરીકે જ ચિતરવામાં આવ્યાં છે. મારે ભારતીય સ્ત્રીત્વનું જુદું જ રૂપ દુનિયાને દેખાડવું હતું. એવું રૂપ જે સપાટી પર સાધારણ લાગે પણ ભીતરથી દૃઢ, મહત્ત્વાકાંક્ષી અને અસાધારણ હોય.

આ કામ રાધા ભારદ્વાજે ખરેખર ઈમાનદારીથી કર્યું છે. ફિલ્મમાં દર્શાવાયેલી ત્રણ મહિલા એન્જિનીયરોની પ્રતિભા અસાધારણ છે, છતાં એમની રહેણીકરણી અન્ય ભારતીય મહિલાઓ જેવી સાધારણ છે. એમાં ભારતની સંસ્કૃતિ પડઘાય છે. જેમ કે વડીલોને માન આપવું, બાળકોને ભણાવવાં, ઘરનાં કામ કરવાં, ઈસરો જેવી સંસ્થામાં એક પડકારરૂપ મિશન સંભાળવું અને સંકટમાં ઈશ્વરનેય યાદ કરી લેવો.

કામ કરતી સ્ત્રી ઘરની જવાબદારી પણ સંભાળતી હોય ત્યારે નારીવાદીઓને સ્વાભાવિક રીતે જ એવું લાગે કે પિતૃસત્તાક સમાજ એને પૅટ્રનાઈઝ કરે છે, એના પગમાં સાંકળ બાંધેલી રાખીને જ એને ઊડવાની છૂટ આપે છે. પરંતુ ના, અહીં એવું નથી. ઊલટાનું, આ સ્ત્રીઓના પતિઓનાં પાત્રો એટલી હદે સપોર્ટિવ છે કે એવું લાગે છે જાણે એમણે એ સ્ત્રીઓનું આધિપત્ય સ્વીકારી લીધું હોય. જોકે અહીં કોઈ ઊંચું કે નીચું નથી. બસ, સમજણ છે. પરિવારની સાથે દેશ માટે મહત્ત્વનું એવું અવકાશ અભિયાન ચલાવવાનો દૃઢ સંકલ્પ છે.

આ ફિલ્મમાં અદ્ભુત સંવાદો નથી. પટકથામાં દર્શકને જકડી રાખે એવી રસની છોળો નથી. અવકાશનો વિષય હોવા છતાં આંજી નાખનારી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ નથી. સિનેમેટોગ્રાફીની રંગત કે મ્યુઝિકની રમઝટ નથી. છે તો માત્ર સરળ વાર્તા, જે ઋષિદાની સાદગીથી કહેવાઈ છે. અફકોર્સ, બળકટ પાત્રાલેખન અને સંયત હ્યુમન ઈમોશન્સ સાથે.

ટૂંકમાં, સ્ટાર પાવર વિનાના થિયેટર આર્ટિસ્ટોને લઈને બનાવાયેલી આ ફિલ્મ અદ્ભુત નથી છતાં એમાં એક પ્યોરિટી છે, જે વિદ્યા બાલન, તાપસી પન્નુ અને અક્ષય કુમારની મિશન મંગળ ફિલ્મમાં નહોતી. અને હા... મિશન મંગળ રાધા ભારદ્વાજની જ પટકથાની ઉઠાંતરી હતી એટલું જાણખાતર. એ બધા વિવાદોમાં નથી પડવું, પણ એ વિવાદને કારણે જ આ ફિલ્મને થિયેટરો નથી મળ્યાં એ પણ હકીકત છે. તો, આ ફિલ્મ જોવી હોય તો ગુગલના પ્લેસ્ટોર પર અવેલેબલ છે.

નીલેશ રૂપાપરા