Tuesday, 15 June 2021

 Hellaro - Gujarati Film Introduction


હેલ્લારોઃ હળવી નજરે


આજે હવે અમે ઘીની બાધા છોડશું, કેમ કે ગઈ કાલે રાતે સપરિવાર, સપૉપકૉર્ન અને સ-સમોસા થિયેટરમાં બેસીને અમે ગુજરાતી તરીકેની પવિત્ર ફરજ બજાવી લીધી, આંખોથી પ્રશંસાની દાંડી પીટતાં પીટતાં બજાવી લીધી. એક ગુજરાતી તરીકે છાતી પણ ગજગજ-મીટરમીટર ફુલાવી લીધી. બે કલાક સુધી સંવેદનસાગરમાં ડૂબકીઓ માર્યા પછી થિયેટરના પાર્કિંગ લૉટમાં જતાં જતાં અમે પશ્ચાતાપનો શુદ્ધ શીતળ પવન પણ અમારા હૈયામાં ભરી લીધો. આમ, સજડબંબ હૈયું પહોળું થયું એટલે અમે પત્ની ને દીકરીને કહ્યું કે તથાસ્તુ, આવતાં નોરતાંમાં તમે ગરબા રમજો રે, રમજો માઝમ રાત... અમને એમ કે અમારા નારીસમ ઋજુ થયેલા હૃદય પર દુનિયા ટકી હોવાના તથ્યને એ બેય હોંકારો દેશે. એને બદલે એમની આંખમાં અમને વંચાયું: ડોન્ટ પેટ્રનાઇઝ અસ, ઓકે?

ઑલ સેડ ઍન્ડ ડન, હેલ્લારો અમને ગમી. સ્ત્રીની અભિવ્યક્તિના દમનનું રૂપક (ગરબા કરવા પર રોક) માની શકાય એવું ન લાગ્યું, છતાં ગમી. ઉપમાન સાથે જેની તુલના કરાઈ હોય એ ઉપમેય અવિશ્વસનીય ન લાગવું જોઈએ. વળી, વ્યંજનાના ગર્ભિત અર્થમાં અભિધાનો શબ્દાર્થ પણ જળવાવો જોઈએ, જે અહીં નથી જળવાયો એ સાચું. આમ છતાં એ પણ સાચું છે કે સ્ત્રીની અભિવ્યક્તિનું દમન આજેય થાય છે. અભિવ્યક્તિનું દમન તો ઠીક, સ્ત્રી પર અત્યાચારો પણ થાય છે. ફિલ્મમાં ઢોલીની સૂકી આંખમાં જે દેખાય છે અને 13 સ્ત્રીના દબાયેલા સ્વરમાંથી જે પડઘાય છે એ હજીય સત્ય છે: દલિત અને સ્ત્રી એ બેય પર અત્યાચારની પરંપરા. આ વાત ફિલ્મમાં, પાત્રના મોઢે લેખક બોલતો લાગે તોય, રંજકતાનો ભોગ લીધા વિના કહેવાઈ છે.

જો અમને ફિલ્મ ગમી હોય તો ઉપરની અવળવાણી શું કામ કાઢી? એનો જવાબ: એવી ઈર્ષ્યા કે આ અથવા આવી જ કોઈ ફિલ્મ અમે કેમ ન લખી. 🙂

------- ઉમેરો ------

Shweta Upadhyay Dave: મેં એમ માની લીધું કે જેમ ભરતકામની મનાઈ વાંઢમાં તાજેતરમાં બનેલી કોઈ ઘટનાને કારણે થઈ એવી જ કોઈક જૂની ઘટનાને કારણે ગરબાની મનાઈ થઈ હશે..

મારો જવાબ: Shweta Upadhyay Dave... આ મુદ્દો મારે લખવો હતો, પણ મોબાઈલ પર ટાઈપ કરવાની પળોજણમાં ભુલાઈ ગયો. સારું થયું તમે યાદ દેવડાવ્યો અને એક vague વાત સ્પષ્ટ પણ કરી આપી. કોઈ પણ ફિલ્મ કે સાહિત્યકૃતિ એ મેક-બીલીવનું વિશ્વ હોય છે. એમાં તમે કોઈ પણ કલ્પિત વાત કરો તો પણ ભાવક એ માનવા તૈયાર હોય છે. શરત માત્ર એટલી કે એમાં એક ઈન્ટર્નલ લૉજિક હોવું જોઈએ, કાર્ય-કારણનો સંબંધ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે હેરી પોટરનું જાદુઈ વિશ્વ પણ આપણે માની લઈએ છીએ, કેમ કે એમાં જાદુની કલ્પના જ માત્ર નથી, બલ્કે એના અમુક નિયમોનું એક ઇન્ટર્નલ લૉજિક પણ છે.

આ ઇન્ટર્નલ લૉજિક હેલ્લારોમાં ભરતકામના પ્રસંગમાં દર્શાવ્યું છે, પણ ગરબા પરની રોક શા માટે લાગી એનું કોઈ કારણ ઘટના-પ્રસંગરૂપે દર્શાવાયું નથી. આથી તમે કહો છો તેમ એવું ધારી લેવું પડે છે કે એવી કોઈ ઘટના બની હશે, જેને લીધે આવો પ્રતિબંધ આવ્યો. આવું જાતે ધારી લેવું દર્શક માટે મુશ્કેલ છે. ખાસ કરીને ત્યારે જ્યારે એ ધારણા હકીકતથી વેગળી હોય.

 

નીલેશ રૂપાપરા (16 નવેમ્બર, 2020 – ફેસબુક)

No comments:

Post a Comment