Tuesday, 15 June 2021

ફિલ્મ રિવ્યુ / જાઉં કહાં બતા ઐ દિલ

ચાંદની આઈ ઘર જલાને...

યથાર્થનું નિરૂપણ કરવાની ઘેલછામાં આ ફિલ્મ પોતે જ યથાર્થ
સામે જ પ્રશ્ન ઊભો કરે છે.

 

કોઈ સારી ચીજને હદબહાર વખોડવામાં આવે ત્યારે અથવા તો કોઈ ખરાબ ચીજને હદુપરાંત વખાણવામાં આવે ત્યારે બોલવું જોઈએ. જાઉં કહાં બતા ઐ દિલ એક સરેરાશ ફિલ્મ છે, છતાં એની પ્રશંસામાં અતિરેક થયો છે. પ્રશંસાનો અતિરેક પણ ક્યારેક ઘાતક સાબિત થઈ શકે છે. એટલે જ આ ફિલ્મ રિવ્યુની ટેરિટરીમાં ઘૂસણખોરી કરી છે. સહમત થવું ન થવું એ સૌની મરજીની વાત છે.

પહેલાં તો એ જોઈએ કે આદિશ કેલુસ્કર દિગ્દર્શિત અને ખુશ્બુ ઉપાધ્યાય તથા રોહિત કોકાટે અભિનિત આ ફિલ્મ એક સરેરાશ ફિલ્મ હોવા છતાં લોકોને આટલી બધી કેમ ગમી રહી છે. કારણ, આ ફિલ્મ સામાજિક માન્યતાઓમાં વિસ્ફોટ કરે છે. અસલમાં, દરેક માણસની અંદર એક નાનોમોટો બૌદ્ધિક વસતો હોય છે, જે સામાજિક માન્યતાઓમાં જામગરી ચાંપે એવી કૃતિઓથી આકર્ષાતો રહે છે. જાઉં કહાં બતા ઐ દિલ એવી જ એક કૃતિ છે, જેણે આપણી માન્યતાઓના ફૂરચા ઉડાવ્યા છે. એટલે એને વિશિષ્ટ કૃતિ માની લેવામાં આવી છે.

કઈ માન્યતા? એ જ કે સ્ત્રીપુરુષ વચ્ચેનો સંબંધ રોમાન્સ, પ્રેમ, સૌંદર્ય અને આદર જેવા ઉમદા સ્તંભોના ટેકે ઊભો છે. એ માન્યતાને તોડીને સ્ત્રીપુરુષના સંબંધની નવી વ્યાખ્યા કરતી આ ફિલ્મ કહે છે કે એ સંબંધ હિંસા, ક્રૂરતા, કુરૂપતા, સેક્સ, સ્વાર્થ અને માલિકીભાવના તકલાદી પાયા પર ઊભો છે. આ વ્યાખ્યામાં તથ્યનો ખાસ્સો અંશ છે એમાં કોઈ શક નથી. તો પછી તકલીફ ક્યાં છે?

તકલીફ ફિલ્મના કથનમાં નહીં, કથનરીતિમાં છે જે સપાટ, સ્થૂળ, ક્રૂર અને બીભત્સ છે. ફિલ્મમાં સ્ત્રીપુરુષનાં જનનાંગોનાં નામ રોડછાપ ભાષામાં સતત બોલાય છે. પ્રેમીઓના સંબંધની વાસ્તવિકતા તો ગાળોને મરીમસાલાની જેમ ભભરાવીને પણ દર્શાવી શકાઈ હોત, પરંતુ અહીં તો ફિલ્મને ગાળોના રસાથી લથપથ કરી દેવાઈ છે.

ઓટીટીના જમાનામાં આપણે આવી બીભત્સતાથી ટેવાયેલા છીએ એટલે ગાળો પણ પચી જાય છે. પરંતુ ફિલ્મ ગાળો કરતાંય વધુ બીભત્સ લાગે છે, કારણ કે એનાં પાત્રો, પરિવેશ, ભાષા, મેકઅપ, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, ટ્રીટમેન્ટ, ટેકિંગ વગેરે જેવાં તમામ પાસાંને ઘેલછાની હદ સુધી વાસ્તવિકતાનાં વાઘાં પહેરાવાયાં છે. આથી સભાન પ્રેક્ષકને કોઈના બેડરૂમમાં ડોકિયું કરતા પીપિંગ ટૉમ જેવી ફીલ આવે છે. અથવા તો એવું લાગે છે કે એ કોઈ ફિલ્મ નહીં, બલ્કે ડાર્ક વેબ પર કોઈ વાસ્તવિક યુગલની અંગત જિંદગી જોઈ રહ્યો છે.

યથાર્થનું નિરૂપણ તો સત્યજિત રે, ઋત્વિક ઘટક, શ્યામ બેનેગલ, કેતન મહેતા, ગોવિંદ નિહલાની વગેરે જેવા આર્ટફિલ્મના સર્જકો પણ કરતા, પરંતુ એમનો વાસ્તવવાદ કલાને કે કલાસૌંદર્યને ગળી નહોતો જતો. અરે, આજની દસ્તાવેજી ફિલ્મો પણ કલાને દરકિનાર નથી કરતી. જોકે આદિશ કેલુસ્કરનું રિયલિઝમ તો કલાતત્ત્વને ગણનામાં જ નથી લેતું એવું લાગે છે.

વાસ્તવનું વાસ્તવ અને કલાનું વાસ્તવ એ બે જુદી ચીજ છે એવું આ ઓટીટીના જમાનાના ફિલ્મમેકરો કાં સમજતા નથી અને કાં સ્વીકારતા નથી. આમ છતાં આ ફિલ્મ કલાત્મક હોય એ રીતે એનાં ઓવારણાં લેવાઈ રહ્યાં છે ત્યારે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ ફિલ્મને આર્ટ વૅલ્યુ નથી, માત્ર શૉક વૅલ્યુ છે. આ ફિલ્મ ન ગમવાનું આ મુખ્ય કારણ. બીજાં પણ કેટલાંક કારણો છેઃ

ફિલ્મ કાન કરતાં વધુ આંખોની જરૂરિયાત સંતોષતું માધ્યમ છે, પરંતુ અહીં દૃશ્યોનો અભાવ ખટકે છે. ફિલ્મ જોતી વખતે એવું સતત લાગ્યા કરે છે કે એ જોવા માટે નહીં, સાંભળવા માટે બની છે. હા, સંવાદોમાંથી ખરબચડું અને ક્રૂર વાસ્તવ સરસ રીતે છલકે છે, પણ માત્ર સંવાદોના ખભે રેડિયો નાટક ટકી શકે, ફિલ્મ નહીં. આ ફિલ્મ તમે જોવાને બદલે આંખો બંધ કરીને સાંભળો તોપણ ખાસ કંઈ ગુમાવતા નથી. ઊલટાનું, વધુ પામો છો. એટલે દિગ્દર્શકે આ વાર્તા કહેવા માટે નાટક, નવલિકા કે નવલકથાને બદલે ફિલ્મનું માધ્યમ કેમ પસંદ કર્યું એવો સવાલ મનમાં ઊઠ્યા વિના નથી રહેતો.

આખી ફિલ્મમાં નાયક-નાયિકા સ્ક્રીન પર ફોરગ્રાઉન્ડમાં દેખાયા કરે છે. પશ્ચાદભૂનાં દરિયો, ભીડ, ટ્રાફિક જેવાં દૃશ્યો જરૂર કરતાં વધુ ન દેખાઈ જાય એ બાબતે દિગ્દર્શક સભાન છે. કદાચ, પ્રેક્ષકની આંખોને વિઝ્યુઅલ રિલીફ ન આપીને દિગ્દર્શક એવું કહેવા માગે છે કે પ્રેમીઓના સંબંધોમાં પણ કોઈ રિલીફ નથી હોતી. આખી ફિલ્મમાં જો કોઈ સિમ્બલિઝમ હોય તો આ. બીજું, અંતના દૃશ્યમાં મુક્ત થયેલી નાયિકાનું નૃત્ય. બાકી, આ ભ્રષ્ટ સંબંધની કથા આંખને કષ્ટ આપે છે.

મરિન ડ્રાઈવના પ્રૉમિનાડ પર નાયક-નાયિકાના એક લાંબા વૉક સાથે શરૂ થતી ફિલ્મમાં ટૅક્સી, કૅફે, થિયેટર, દરિયો અને હૉટલ રૂમ વગેરે જેવા પાંચ-છ લોકાલ્સ પર થતી વાતચીત સિવાય ભાગ્યે જ કોઈ ઘટના છે. માત્ર અંતમાં હૉટેલના કમરામાં આદિમતાની પરાકાષ્ઠા જેવા હિંસક સંભોગની ઘટના દર્શાવાઈ છે. બાકી, ટૅક્સીમાં અને થિયેટરમાં આદિમ જાતીય આવેગનું મૅનિફેસ્ટેશન દેખાય છે. જોકે ત્યારે પણ વાતચીત તો ચાલુ જ છે.

એ વાતચીત પણ મહદંશે તો નાયકનાં પ્રવચનો જ છે, જે રસપ્રદ છે. એમાં નાયક રાજકીય પક્ષો, નેતાઓ, અભિનેતાઓ, ફિલ્મો, સંબંધો, જિંદગી, લગ્ન તમામને ભાંડે છે. એમાં બધું જ જાણતા-સમજતા માણસનો બળાપો અને જીવનની અર્થહીનતા ગાતું નાઈલિઝમ (શૂન્યવાદ) છે. નાયકની શાણી વાણી સાથે એનું હિંસક પશુ જેવું વર્તન મેળ નથી ખાતું. એને માટે ગર્લફ્રેન્ડ વૉશબેસિન છે, જેમાં એ પોતાના ડહાપણની ઊલટી કરે છે અને પોતાની વાસનાનું ઝનૂન શાંત કરે છે. રોહિત કોકાટે આ પાત્રને એટલું જીવંત કરે છે કે ફિલ્મના અંતે એ આપણને દીઠ્ઠો ગમતો નથી.

પિતૃસત્તાક સમાજમાં સમજુ પુરુષો પણ અંદરથી તો મેલ શૉવિનિસ્ટ પિગ હોય છે એવું કંઈક કહેવાનો દિગ્દર્શકનો આશય હોઈ શકે છે. આવા પાત્ર સામે પ્રમાણમાં રાંક એવા સ્ત્રીપાત્રને મૂકીને દિગ્દર્શકે એક બાઈનરી, એક દ્વંદ્વ ઊભું કર્યું છે. ફિલ્મના અંતે એ બાઈનરીનું ડીકન્સ્ટ્રક્શન/વિખંડન થયું હોત અને એ બાઈનરી ઊલટાઈ હોત તો કદાચ ફિલ્મને ઊંચાઈ મળત. જોકે દિગ્દર્શકનો આશય ખરાબને ખરાબ ચિતરવાનો જ છે, સમસ્યાનો ઉકેલ આપવાનો નહીં. ધૅટ્સ ફેર ઈનફ.

એનીવે, સ્ત્રીપાત્રને ખુશ્બુ ઉપાધ્યાયે એવી રીતે ભજવ્યું છે કે એ ફિલ્મમાં અભિનય કરી રહી હોવાની પ્રતીતિ બિલકુલ નથી થતી. એ પાત્ર પ્રેમીની જોહુકમી સહે છે. એની ગેરવાજબી માગણીઓને તાબે થાય છે. અપમાનો સહે છે. શાબ્દિક અને શારીરિક હિંસા સહે છે. પૂતળી જેવી થઈ જાય છે. આખરે અકસ્માતે મુક્તિ પામે છે ત્યારે નિરાંતનો શ્વાસ લે છે. આવી વાતો નવી નથી. પહેલાં પણ કહેવાઈ ચૂકી છે. અહીં કહેવાની રીત જુદી છે.

કથન અને કથનરીતિ એકમેકમાં ભળી જાય એ સ્ટોરી ટેલિંગની આદર્શ સ્થિતિ છે, પરંતુ અહીં પ્રેમસંબંધની કુરૂપતા દર્શાવવા સંબંધનું ચિત્રણ પણ કુરૂપ રીતે કરાય છે ત્યારે આડઅસરરૂપે એવું સ્થાપિત થાય છે કે પ્રેમસંબંધ એક ભ્રમ છે અને એ ભ્રમનું નિરસન થવું જરૂરી છે.

જોકે પ્રેમસંબંધ એટલો સંકુચિત નથી હોતો કે એમાં માત્ર સૌંદર્ય કે માત્ર કુરૂપતા હોય. એમાં સ્વાર્થ હોય છે તો જતું કરવાની વૃત્તિ પણ હોય છે. એમાં એક જ વ્યક્તિમાં સ્વામીત્વના ભાવની સાથે દાસત્વનો ભાવ પણ રહી શકે છે. એમાં રોમાન્સમાંથી સેક્સ તરફની ગતિ હોય તો સેક્સમાંથી રોમાન્સ તરફની ગતિ પણ હોઈ શકે છે. એમાં ખોવું ને પામવું એ વિરોધાર્થી શબ્દો પણ હોય છે અને પર્યાયવાચી શબ્દો પણ હોય છે.

આમ, પ્રેમસંબંધ માત્ર સારો કે માત્ર ખરાબ નથી હોતો. એ માણસ જેટલો જ વિરોધાભાસી હોય છે. એને માત્ર ખરાબ ઠેરવવો એ આધી હકીકત, આધા ફસાના જેવી વાત છે. અને અડધું સત્ય ક્યારેક ઘાતક સાબિત થઈ શકે છે. આ ફિલ્મ જોતી વખતે આપણને એના શીર્ષક તરીકે લેવાયેલા ગીતની પેલી પંક્તિ દર મિનિટે યાદ દેવડાવે છે કે ચાંદની આઈ ઘર જલાને...

આ જ વાત ફિલ્મ વિશે પણ કહી શકાય તેમ છે કે આ ચાંદની પણ આપણાં અમુક મૂળિયાંને બાળવા આવી છે. આવું નાછૂટકે કહેવું પડે છે, કારણ કે યથાર્થનું નિરૂપણ કરવાની ઘેલછામાં આ ફિલ્મ પોતે જ યથાર્થ સામે જ પ્રશ્ન ઊભો કરે છે.

નીલેશ રૂપાપરા

No comments:

Post a Comment