Film Review / Space Moms
સ્પેસ મૉમ્સઃ રાષ્ટ્રવાદનું સાત્વિક રૂપ
કાલે પહેલી નજરે પ્રેમ થઈ જાય એવી ફિલ્મ જોઈ. સ્પેસ મૉમ્સ. આ ફિલ્મમાં સામા પૂરે તરીને જીતતી સ્ત્રીઓની વાત છે, ટાંચાં સાધનોના જોરે અશક્યને શક્ય કરવાના સંઘર્ષની વાત છે. આ વાતમાં કંઈ નવું નથી, કેમ કે આ ઘરેડ પરથી ઘણી ફિલ્મો બની છે.
આમ છતાં ફિલ્મ અનોખી છે એનાં સંયમ અને સહજતાને કારણે. અહીં રાષ્ટ્રવાદનાં નગારાં વગાડ્યા વિના ભારતના મંગળયાન મિશનની કથા મંડાઈ છે. એટલે જ ફિલ્મ આપણા રાષ્ટ્રવાદને જામગરી નથી ચાંપતી. હા, ઢંઢોળે છે જરૂર, પણ સાત્વિક રીતે. એની સહજતા આપણી ભીતર લાગણીનો જુવાળ જગાડવાને બદલે આંખોમાં ભીનું સ્મિત છોડી જાય છે.
અહીં ભારતીય અવકાશસંસ્થા ઈસરોની સામા પૂરે તરતી એન્જિનીયર સ્ત્રીઓ એવા ભારતનું પ્રતીક બની છે જે પોતાનાં સાંસ્કૃતિક મૂળિયાંને છોડ્યા વિના આધુનિકતાના આકાશમાં ઊડવા મથે છે. જે પશ્ચિમે ચીતરેલી ભારતીય સ્ત્રી-પુરુષોની છાપને દૃઢતાથી છતાં કોઈ ઊહાપોહ વિના બદલવાની કોશિશ કરે છે. જે પોતાનું લક્ષ્ય અમેરિકાની અવકાશસંસ્થા નાસાના લક્ષ્યની સામે મૂકી એની બરોબરી કરે છે.
અહીં બે સંઘર્ષની સહોપસ્થિતિ (જક્સ્ટાપોઝિશન) છેઃ પહેલો નિયત સમયમાં અને સાવ ઓછા ભંડોળમાં મંગળયાન મિશન પૂરું કરવાનો ઈસરોનો સંઘર્ષ. બીજો, સંસ્થાની મહિલા એન્જિનીયરોનો પરંપરાને તિરસ્કાર્યા વિના આધુનિકતાને ભેટવાનો સંઘર્ષ. બે સંઘર્ષની કથા હોવા છતાં ફિલ્મમાં વિલન કોઈ નથી. હા, નાસાને અને પશ્ચિમને ભારતનું સાચું સ્વરૂપ દેખાડવાનો એક ઉદ્યમ છે, પણ એમાં કોઈ ડંખ નથી.
ફિલ્મનાં દિગ્દર્શિકા રાધા ભારદ્વાજે બે-અઢી વર્ષ પહેલાં ધ હિન્દુ અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું: આંતરરાષ્ટ્રીય મીડિયા અને મનોરંજનજગતમાં ભારતીય પુરુષોને હિંસક બળાત્કારીઓ તરીકે અને સ્ત્રીઓને રાંક પીડિતા તરીકે જ ચિતરવામાં આવ્યાં છે. મારે ભારતીય સ્ત્રીત્વનું જુદું જ રૂપ દુનિયાને દેખાડવું હતું. એવું રૂપ જે સપાટી પર સાધારણ લાગે પણ ભીતરથી દૃઢ, મહત્ત્વાકાંક્ષી અને અસાધારણ હોય.
આ કામ રાધા ભારદ્વાજે ખરેખર ઈમાનદારીથી કર્યું છે. ફિલ્મમાં દર્શાવાયેલી ત્રણ મહિલા એન્જિનીયરોની પ્રતિભા અસાધારણ છે, છતાં એમની રહેણીકરણી અન્ય ભારતીય મહિલાઓ જેવી સાધારણ છે. એમાં ભારતની સંસ્કૃતિ પડઘાય છે. જેમ કે વડીલોને માન આપવું, બાળકોને ભણાવવાં, ઘરનાં કામ કરવાં, ઈસરો જેવી સંસ્થામાં એક પડકારરૂપ મિશન સંભાળવું અને સંકટમાં ઈશ્વરનેય યાદ કરી લેવો.
કામ કરતી સ્ત્રી ઘરની જવાબદારી પણ સંભાળતી હોય ત્યારે નારીવાદીઓને સ્વાભાવિક રીતે જ એવું લાગે કે પિતૃસત્તાક સમાજ એને પૅટ્રનાઈઝ કરે છે, એના પગમાં સાંકળ બાંધેલી રાખીને જ એને ઊડવાની છૂટ આપે છે. પરંતુ ના, અહીં એવું નથી. ઊલટાનું, આ સ્ત્રીઓના પતિઓનાં પાત્રો એટલી હદે સપોર્ટિવ છે કે એવું લાગે છે જાણે એમણે એ સ્ત્રીઓનું આધિપત્ય સ્વીકારી લીધું હોય. જોકે અહીં કોઈ ઊંચું કે નીચું નથી. બસ, સમજણ છે. પરિવારની સાથે દેશ માટે મહત્ત્વનું એવું અવકાશ અભિયાન ચલાવવાનો દૃઢ સંકલ્પ છે.
આ ફિલ્મમાં અદ્ભુત સંવાદો નથી. પટકથામાં દર્શકને જકડી રાખે એવી રસની છોળો નથી. અવકાશનો વિષય હોવા છતાં આંજી નાખનારી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ નથી. સિનેમેટોગ્રાફીની રંગત કે મ્યુઝિકની રમઝટ નથી. છે તો માત્ર સરળ વાર્તા, જે ઋષિદાની સાદગીથી કહેવાઈ છે. અફકોર્સ, બળકટ પાત્રાલેખન અને સંયત હ્યુમન ઈમોશન્સ સાથે.
ટૂંકમાં, સ્ટાર પાવર વિનાના થિયેટર આર્ટિસ્ટોને લઈને બનાવાયેલી આ ફિલ્મ અદ્ભુત નથી છતાં એમાં એક પ્યોરિટી છે, જે વિદ્યા બાલન, તાપસી પન્નુ અને અક્ષય કુમારની મિશન મંગળ ફિલ્મમાં નહોતી. અને હા... મિશન મંગળ રાધા ભારદ્વાજની જ પટકથાની ઉઠાંતરી હતી એટલું જાણખાતર. એ બધા વિવાદોમાં નથી પડવું, પણ એ વિવાદને કારણે જ આ ફિલ્મને થિયેટરો નથી મળ્યાં એ પણ હકીકત છે. તો, આ ફિલ્મ જોવી હોય તો ગુગલના પ્લેસ્ટોર પર અવેલેબલ છે.
નીલેશ રૂપાપરા
No comments:
Post a Comment