ગીત
રાતવરાતે એકલદોકલ કોઈ ભટકતું આવી ચડે ને
જો ખખડાવે જીવતરની સૂમસામ ડેલીની સાંકળ
જાગતા રહેજો જાગતા રહેજો કહી પછાડી ડાંગ અમસ્તી
પહોર પાછલે કાં ધમરોળે ઈચ્છા નામના સાથળ
રાતવરાતે એકલદોકલ...
આછું આછું ઘેન હોય ને પડખું ફરતાં સાવ સફાળા
જાગી આપણે અજવાળાનું પહેરી લઈએ પહેરણ
ધારણાઓનો સાફો બાંધી પડછાયાનો ખેસ વીંટાળી
અંધારાને ઊંબરે જઈને ગીરવે મૂકીએ ડહાપણ
ટાઢું ટાઢું કંઇક અડે ને કાયા આખી ચડે હિલોળે
ઊની ઊની અકળામણ ને વરાળ થાતું ઝાકળ
રાતવરાતે એકલદોકલ...
રાત ઓગળે જાત ઓગળે વરસાદી તરખાટ ઓગળે
ભળભાંખળું થાતાં થાતાં વૃત્તિઓનો નાચ ઓગળે
થવાકાળ તો થઇ જાય ને ઘટનાનો પડકાર ઓગળે
કોણ હશે એ માયાવી જણ જે કરી જતું કંઇક લીલા
લખી જતું એ લેખ લાખેણા કોરો રાખી કાગળ
રાતવરાતે એકલદોકલ...
No comments:
Post a Comment