Friday, 28 September 2018


અણમાનીતી                      

એક છે રાજા
એને ચાર-પાંચ રાણી
ત્રણ-ચાર માનીતી
ને એક અણમાનીતી

સદીઓથી અણમાનીતી
ઉતારતી રહી છે
એનાં સાંસ્કૃતિક આભૂષણો
અમુક ઝગમગતાં તો અમુક કોહવાયેલાં
અમુક સાજાંસારાં તો અમુક નંદવાયેલાં

માનીતીઓ હસે છે
દરબારીઓ મરકે છે
રાજા પણ ખુશ છે
એણે અ આભૂષણો ગળાવીને
ઘડાવી છે હીરાજડિત રાજપોથી
એ જ તો છે મુક્તિ ને સ્વાતંત્ર્યની જ્યોતિ

અણમાનીતી
હૈયામાં શ્રદ્ધા ને હથેળીમાં દીવો લઈ
પવિત્ર રાજપોથીને પૂજવા જાય ત્યારે
માનીતીઓને લાગે છે, સાલી
આ તો રાજપોથી બાળવાને હાલી

માનીતીઓના આક્રંદને
કવિતા પહેરાવીને
દરબારીઓએ બનાવ્યું છે વધુ વેધક
એટલે જ અણમાનીતીના અવાજે
કરી લીધું છે જૌહર
હવે તો એનું મૌન ખુદ કરે છે એને સવાલ
તેં માનીતીઓ વિરુદ્ધ ચાલી છે કોઈ ચાલ?”

અણમાનીતી ક્ષુબ્ધ છે
દરબારીઓ રોજ એના ભોજનમાં ભેળવે છે
અપરાધભાવનું ઝેર
એની આડઅસરમાં આજકાલ
એ ઉતારે છે ગંદી ગાળોનો ફાલ

દરબારીઓ
રોજ બેસાડે છે રાજાને
માનીતીઓના ચોટલા વાળવા
ત્યારે અણમાનીતીને આવે છે યાદ
મુક્તિ ને સ્વાતંત્ર્યનો ખોરો સ્વાદ

એના કાનમાં ઊગી છે તરસ, રાજા
સમાનતાનાં ક્યારે વાગશે વાજાં?

No comments:

Post a Comment