હિમમાનવ
ઉપરથી શીતળ અને શાંત લાગતું
મારું રેસ્ટલેસ બ્રહ્માંડ
અંદરથી ખદબદે છે બોઇલરની જેમ
પળેપળે થાય છે એમાં અસંખ્ય ઉલ્કાપાતો
ક્ષણેક્ષણે સર્જાય અને વિલોપાય છે
અગણિત આકાશગંગાઓ, તારાઓ, સૂર્યમાળાઓ ને બ્લૅક હોલ્સ
અને હું એ કરોડો આકાશગંગામાં
અશ્વત્થામાનું ટાઈમ મશીન લઈને વિહરું છું
સેકન્ડના એક લાખ છ્યાંસી હજાર માઈલની ગતિએ
એટલે મીન્સ કે
ઍટ ધ સ્પીડ ઑફ લાઈટ
સ્થળકાળની સરહદોની તો ઐસી કી તૈસી...
પ્રકાશવેગે થતી આ રઝળપાટ
મને ફેરવી નાખે છે ઊર્જામાં
હજારો સૂર્યનો પ્રચંડ ઊર્જાધોધ બની જાય છે
મારો અણુએ અણુ
છતાં એ રહે છે
ફ્યુઝન વિના સુષુપ્ત અને ઠંડોગાર
સભ્યતાનું શિલ્પ ઘડનાર
રોમન સામ્રાજ્યના કોલોઝિયમમાં
જીવસાટે લોકરંજન કરતાં કરતાં ટપકી ગયેલું
ગ્લૅડિયેટરનું શિવામ્બુ ચાખ્યું છે મેં
આંસુ જેવું ખારું
ગૌમૂત્ર જેવું પવિત્ર ને પાપભંજક.
પછી ચચરી ગયેલી જીભ પર
ખડીસાકરનો ગાંગડો મૂકીને
ગાયું છેઃ અજીબ દાસ્તાં હૈ યહ...
કોલંબસના વહાણવટાની દિશાહિનતામાંથી જન્મીને
ગોલ્ડરશનાં આંધળુકિયાં કરતો
રેડ ઈન્ડિયનોનું નિકંદન કાઢતો
ગુલામોનાં સીસમિયાં શરીરોને લપેટતો
મલ્ટીનૅશનલોનો જયઘોષ બોલાવતો
ગામને ચોતરે બેસીને પારકી પંચાતો કરતો
એક રાષ્ટ્રધ્વજ
ચંદ્રની છાતી પર ફરકતો જોઈને
21 તોપોની સલામી આપી છે મેં.
એ તોપોનાં નાળચાનું રૂદન
હજી હસાવે છે મને
હસતાં હસતાં રામધૂને ચડી જાઉં છું હું
ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો...
દેવો અને દાનવોના સ્વર્ગલોભ પર હાક થૂ કરી,
વેદકાલીન ઋષિઓનાં તપ, ક્રોધ, મોહ અને ત્યાગનો
સ્વાસ્થ્યવર્ધક ચ્યવનપ્રાશ આરોગી,
મનુના ચાર વર્ણનું જીર્ણશીર્ણ સામાજિક બખ્તર ધારણ કરી
હું ભમ્યો છું
કૌરવો અને પાંડવોના મહાન ભારતમાં.
રામરાજ્યમાં સીતાની અગ્નિપરીક્ષા લેતા
મર્યાદાપુરુષોત્તમની આંખમાં છુપાયેલી લાચારી
નિહાળી છે મેં.
કૃષ્ણની વાંસળીમાંથી પ્રેમગીત સાથે વછૂટેલા
કાર્બન ડાયોક્સાઈડને શોષીને
ઑક્સિજનની લહાણી કરતા
કદંબવૃક્ષ હેઠળ પોરો ખાધો છે મેં.
ચાણક્યની બદલાયેલી હેરસ્ટાઈલનું
સાચું કારણ હિન્દી ફિલ્મમાં મેં જોયું છેઃ
ખૂન કા બદલા ખૂન.
પુરાણથી ઈતિહાસ સુધી
જ્ઞાનથી વિજ્ઞાન સુધી
અને ભક્તિથી શક્તિ સુધીની
આ ગાઈડેડ ટુરમાં
મોક્ષના હિલસ્ટેશન પર વેકેશન ગાળી,
થોડા સમયમાં કંટાળીને
પાછો ફર્યો છું હું રૂટિન લાઈફમાં.
પિરામિડોમાં દટાયેલાં મમીના ચહેરા પર ડોકાતી
ફાની દુનિયામાં પાછા ફરવાની એષણાને
ડિજિટલ કૅમેરામાં કૅપ્ચર કરી લીધી છે મેં
જિઝસ ક્રાઈસ્ટને વેટિકનના એક ખૂણામાં
નામદાર પોપની સામે બેસીને
ક્રિશ્ચિયનિટીના પાઠ ભણતા જોયા છે.
વિશ્વવિગ્રહો અને આંતરવિગ્રહો પછી ગીધોનાં ટોળાંને
બેસ્ટ સફાઈ કામદારનો અવૉર્ડ આપતા સન્માન સમારંભોમાં
ગેટક્રૅશિંગ કર્યું છે મેં.
હિટલરના હાથે હણાયેલા
યહુદીઓની કબરો પર
પ્રાર્થના કરતાં કરતાં
સ્વસ્તિકના પ્રતીકને દયાભાવે જોયું છે મેં.
મહેમૂદ ગઝનીના મૂર્તિભંજક હાથમાં ચમકતી
ઈસ્લામી શમશેરમાં વીજળીના કડાકા અને
અયોધ્યાની મસ્જિદ પર પડતા હિન્દુત્વના હથોડામાં
ભૂકંપની ગડગડાટીઓ પણ સાંભળીને મેં.
ગાંધીસત્યનો સૂપ અને
શિવાજી, અકબર, રાણા પ્રતાપ, બોઝ, ભગતસિંહ
જેવા વીરપુરુષોના વીર્યનું કૉકટેલ
પીધું છે મેં.
હજી છે યાર, સાંભળો.
પ્રેમના પતરા પર શિશ્નને ઘસી ઘસીને ઊજળું કર્યું છે.
ક. મા. મુન્શીની મંજરીને બગલમાં દબાવીને
હસ્તમૈથુન કરતાં કરતાં
વાત્સ્યાયનને સાષ્ટાંગ દડવત્ પ્રણામ કર્યાં છે.
પૉર્નોગ્રાફીની વેબસાઈટોમાં
પુષ્પધન્વાનાં દર્શનથી કૃતાર્થ થઈ ગયો છું હું.
મેરિલીન મનરોના સ્કર્ટ હેઠળની દુનિયા દર્શાવનાર પવનને
ચૂમ્યો છે તીવ્રતાથી.
સામ્યવાદનું હળ લઈને
વાસકસજ્જાનું ત્રિકોણાકાર ખેતર પણ ખેડ્યું છે, યાર.
સાહિત્ય પરિષદોમાં નાગા શબ્દોને
લાઈનબંધ ઊભા રાખી
એમનાં છાતી, કમર, જાંઘ આદિનું
માપ લેતાં લેતાં
ગલગલિયાં થતાં હોય એ રીતે હસતા દરજીઓ સાથે
સર્જનના સંચા પર પણ બેઠો છું હું.
અરે, શેરબજારના કામાતુર ઇન્ડેક્સનું ઉત્થાન જોઈને
ગાંડીતૂર થયેલી સિસ્ટમની સાંઢણીઓ પર
સવારી પણ કરી છે
મુક્ત અર્થતંત્રના રણમાં, બૉસ.
એ સાંઢણીઓએ ઉડાડેલી
લિબરલાઈઝેશનની ડમરીઓમાં ઢંકાઈ ગયેલા
મિડલ ક્લાસ હોમેસેપિયન્સ સેપિયન્સના મહાસાગરને જોઈને
દિલથી ગાયું છેઃ કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહેં...
માહિતીના વિસ્ફોટની કરચો
ઊડીને મનમાં ખૂંચી ગઈ છે
મારામાં કાંકરી ખૂંચે છે, ભાઈ... ખૂંચે છે.
આમ છતાં
મારા રેસ્ટલેસ બ્રહ્માંડ પર
બરફના થર જામેલા છે
જેણે બનાવી દીધો છે મને હિમમાનવ,
ઉપરથી શાંત ને ઠંડોગાર
અને ભીતરથી ખદબદતો.
બસ, ગાતો રહું છું:
યહ રોશની કે સાથ ક્યૂં, ધુંઆ ઉઠા ચરાગ સે...
No comments:
Post a Comment