મારી વહાલી દીકરી
મારી વહાલી દીકરી
માફ કરજે મને
હાલરડાંની સ્નિગ્ધતાને બદલે
હું તને આપું છું
ખરબચડી કવિતા
જેમાં છે ખચાખચ માંસ કાપતા
કસાઈના છરાનો
લોહિયાળ લય.
મને ખબર છે
તારે હરિયાળા ઘાસ પર ઝૂમતાં
પતંગિયાંના રંગથી
રંગવી છે
તારી નાજુક હથેળી
પણ મારે ભરવો છે એમાં
દારૂગોળાનો કાળો રંગ
માફ કરજે મને.
પરી અને રાજકુમારની વાર્તા કહીને
નહીં આંજી શકું હું
તારી આંખમાં
વિસ્મયનું આંજણ
મને માફ કરજે
મારે તો માંડવી છે
લંપટ દૈત્યોની વાર્તા
જે અંધારી ગલીઓમાં
કરે છે નગ્ન અટ્ટહાસ્ય
ને ખેંચે છે સભ્યતાનાં ચીર.
માફ કરજે મને
હું તારા બાળપણને તપાવીને
બનાવી રહ્યો છું
સખત લોઢા જેવું, જેથી
કોઈ તારી યુવાની પર
તેજાબ રેડી ન જાય.
આમ છતાં
જો દુર્ભાગ્યે બને એવું કે
લાળ પાડતો અંધકાર
શોષી લે તારી ચીસો
ને રાક્ષસી નહોર
ઉતરડી નાખે તારું અસ્તિત્વ
તો મારી દીકરી
શરમનો પહાડ ઊંચકીને
ફરતી નહીં તું
દાટી દેજે તારી
ભયાનક સ્મૃતિઓ માટીમાં
ઊગી નીકળજે ફરી
તારા આત્માના સૂરજ સાથે
એના તાપમાં
અંજાઈ જશે
તારા પર હસતી
બધી આંખો.
No comments:
Post a Comment