Friday, 28 September 2018


એક કવિતા

તું ત્રસ્ત છે, ઉધ્વસ્ત છે
તું ભ્રષ્ટ છે, તું કષ્ટ છે
તેજમાં તું ગ્રસ્ત છે ને તિમિરથી આશ્વસ્ત છે
શબ્દ તારો ઉદય છે ને અર્થ તારો અસ્ત છે

સ્વતંત્ર તું, પરતંત્ર તું
મંત્ર તું ને તંત્ર તું
તું ગર્ભિણી ને તું રજસ્વલા
તું તૃપ્તિ છે ને તું જ નિર્જલા

રતિ તું છે ને જતિ તું
ક્રાંતિ તું છે ને ભ્રાંતિ તું
સ્તુતિ તું, તું જ પ્રસ્તુતિ
શ્રુતિ તું ને તું જ સ્મૃતિ
તું સતી ને તું જ ગણિકા
ગંગાયે તું ને તું જ મણિકર્ણિકા
દુંદુંભિનો નાદ તું, તું જ સંધિની આર્દ્રતા
તું ચિત્તનો વિસ્ફોટ છે ને તું જ સ્થિતપ્રજ્ઞતા

ખોંખારો વરતાય તારો
હોંકારો પડઘાય તારો
મલિનતાના કાંપમાં ને સાચની તીખી આંચમાં
થાય છે આભાસ તારો, થાય છે આભાસ તારો...

તુષારનો અવતાર તું ધરીને આવતી
ભૃંગપ્રિયાની સુગંધ તું બધે પ્રસરાવતી
તત્ત્વનાં ઝાંઝરથી તું ચિત્તને રણકાવતી
વજ્રજ્વાલા થઈ કદીક તું જ ગગન ચમકાવતી
તું જ ગગન ચમકાવતી...

ઓટલે અવ્યક્તના આરૂઢ તું સંવેદના
થાકમાં શ્રમિકોના તું કણસતી વેદના
અન્યાય સામે બની જતી તું કર્ણભેદી ગર્જના
સચરાચરમાં વ્યાપ્ત એવી તું ચેતના

વેદોનું છે જ્ઞાન તું
પ્રસ્વેદનું પ્રમાણ તું
પોંખું તને, પીંખું તને
રોપું તુજમાં બીજ મારું
તોય ના પામું તને
ના પામું, ના પામું
તોય હું ના પામું તને
કેમ કે તું ત્રસ્ત છે, ઉધ્વસ્ત છે 
તું ભ્રષ્ટ છે, તું કષ્ટ છે.

-   13 ઑગસ્ટ 2018

No comments:

Post a Comment