Welcome to the world of my poems, short-stories, essays and journalistic write-ups
Tuesday, 15 June 2021
હિન્દી ફિલ્મગીતનો રસાસ્વાદ
ઐસે નાતા છોડ ગએ હૈં
મુઝ સે યે સુખ સારે
જૈસે જલતી આગ કિસી વન મેં
છોડ ગએ બંજારે...
કેટલું પ્રોફાઉન્ડ છે આ મેટાફર!
સુખના દિવસો પાછળ છૂટી ગયા છે. હવે બચ્યું છે વણઝારાએ પડાવ ઉપાડતી વખતે મનના
વનમાં સળગતું છોડી દીધેલું તાપણું. હવે એ તાપણું ઠંડી, ઉદાસ જિંદગીને હૂંફ આપશે? કે પછી એની ઝાળ સુક્કાભઠ થઈ ગયેલા વનને
દાવાનળમાં હોમી દેશે?
શું આ પંક્તિ અતીતને ધમરોળી ગયેલા કોઈ વણઝારાની બેદરકારી સામેની એવી ફરિયાદ છે
કે મને માત્ર સ્મૃતિનું તાપણું આપીને તું કેમ ચાલ્યો ગયો? કે પછી વિવશતાથી વ્યક્ત થતો એવો ઉપકારભાવ છે કે ચાલો, સુખ નહીં તો સુખનાં સ્મરણો તો રહ્યાં?
હિન્દી ફિલ્મગીતોમાં છુપાયેલું આવું અર્થબાહુલ્ય વર્ષો સુધી એ ગીતો ગણગણવા
છતાં ઊઘડતું નથી ને ક્યારેક અનાયાસે ઊઘડી જતું હોય છે. કારણ, ગાયકી અને ધૂનની રમઝટમાં એના પર ઝટ ધ્યાન નથી જતું. તો ક્યારેક એવુંય બને છે
કે ગીત સાવ સામાન્ય હોય અને આવું કાવ્યરત્ન એની એકાદ પંક્તિમાં છુપાયેલું હોય એટલે
એ ધ્યાનબહાર રહી જાય છે.
આ ગીતમાં પણ એવું જ બન્યું છે. આરડી બર્મને કમ્પોઝ કરેલું અને કિશોર-લતાએ
ગાયેલું કટી પતંગ ફિલ્મનું આ ધમાલ હોળીગીત છે, જેની માત્ર આ બે પંક્તિમાં આનંદ બક્ષી કમાલ
કરી ગયા છે. યાદ આવ્યું કયું ગીત છે?
આજ ન છોડેંગે બસ હમજોલી
ખેલેંગે હમ હોલી...
બે દિવસ પછી હોળીટાણે ઉલ્લાસના રંગમાં ભળી ગયેલો અવસાદનો આ રંગ પણ જોજો
યુટ્યુબ પર.
Hellaro - Gujarati Film Introduction
હેલ્લારોઃ હળવી નજરે
આજે હવે અમે ઘીની બાધા છોડશું, કેમ
કે ગઈ કાલે રાતે સપરિવાર, સપૉપકૉર્ન
અને સ-સમોસા થિયેટરમાં બેસીને અમે ગુજરાતી તરીકેની પવિત્ર ફરજ બજાવી લીધી, આંખોથી પ્રશંસાની દાંડી પીટતાં પીટતાં બજાવી લીધી. એક
ગુજરાતી તરીકે છાતી પણ ગજગજ-મીટરમીટર ફુલાવી લીધી. બે કલાક સુધી સંવેદનસાગરમાં
ડૂબકીઓ માર્યા પછી થિયેટરના પાર્કિંગ લૉટમાં જતાં જતાં અમે પશ્ચાતાપનો શુદ્ધ શીતળ
પવન પણ અમારા હૈયામાં ભરી લીધો. આમ, સજડબંબ
હૈયું પહોળું થયું એટલે અમે પત્ની ને દીકરીને કહ્યું કે તથાસ્તુ, આવતાં નોરતાંમાં તમે ગરબા રમજો રે, રમજો
માઝમ રાત... અમને એમ કે અમારા નારીસમ ઋજુ થયેલા હૃદય પર દુનિયા ટકી હોવાના તથ્યને
એ બેય હોંકારો દેશે. એને બદલે એમની આંખમાં અમને વંચાયું: ડોન્ટ પેટ્રનાઇઝ અસ, ઓકે?
ઑલ સેડ ઍન્ડ ડન,
હેલ્લારો અમને ગમી. સ્ત્રીની અભિવ્યક્તિના દમનનું રૂપક
(ગરબા કરવા પર રોક) માની શકાય એવું ન લાગ્યું, છતાં ગમી. ઉપમાન સાથે જેની તુલના
કરાઈ હોય એ ઉપમેય અવિશ્વસનીય ન લાગવું જોઈએ. વળી, વ્યંજનાના ગર્ભિત અર્થમાં અભિધાનો
શબ્દાર્થ પણ જળવાવો જોઈએ, જે
અહીં નથી જળવાયો એ સાચું. આમ છતાં એ પણ સાચું છે કે સ્ત્રીની અભિવ્યક્તિનું દમન
આજેય થાય છે. અભિવ્યક્તિનું દમન તો ઠીક,
સ્ત્રી પર અત્યાચારો પણ થાય છે. ફિલ્મમાં ઢોલીની સૂકી
આંખમાં જે દેખાય છે અને 13 સ્ત્રીના
દબાયેલા સ્વરમાંથી જે પડઘાય છે એ હજીય સત્ય છે: દલિત અને સ્ત્રી એ બેય પર
અત્યાચારની પરંપરા. આ વાત ફિલ્મમાં, પાત્રના
મોઢે લેખક બોલતો લાગે તોય, રંજકતાનો
ભોગ લીધા વિના કહેવાઈ છે.
જો
અમને ફિલ્મ ગમી હોય તો ઉપરની અવળવાણી શું કામ કાઢી? એનો જવાબ: એવી ઈર્ષ્યા કે આ અથવા આવી
જ કોઈ ફિલ્મ અમે કેમ ન લખી. 🙂
------- ઉમેરો ------
Shweta Upadhyay
Dave: મેં એમ માની લીધું કે જેમ ભરતકામની મનાઈ વાંઢમાં તાજેતરમાં
બનેલી કોઈ ઘટનાને કારણે થઈ એવી જ કોઈક જૂની ઘટનાને કારણે ગરબાની મનાઈ થઈ હશે..
મારો જવાબ: Shweta
Upadhyay Dave... આ મુદ્દો મારે લખવો હતો, પણ મોબાઈલ પર ટાઈપ કરવાની પળોજણમાં
ભુલાઈ ગયો. સારું થયું તમે યાદ દેવડાવ્યો અને એક vague વાત સ્પષ્ટ પણ કરી આપી. કોઈ પણ ફિલ્મ
કે સાહિત્યકૃતિ એ મેક-બીલીવનું વિશ્વ હોય છે. એમાં તમે કોઈ પણ કલ્પિત વાત કરો તો
પણ ભાવક એ માનવા તૈયાર હોય છે. શરત માત્ર એટલી કે એમાં એક ઈન્ટર્નલ લૉજિક હોવું
જોઈએ, કાર્ય-કારણનો
સંબંધ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે હેરી પોટરનું જાદુઈ વિશ્વ પણ આપણે માની લઈએ છીએ, કેમ કે એમાં જાદુની કલ્પના જ માત્ર
નથી, બલ્કે
એના અમુક નિયમોનું એક ઇન્ટર્નલ લૉજિક પણ છે.
આ ઇન્ટર્નલ લૉજિક હેલ્લારોમાં ભરતકામના પ્રસંગમાં
દર્શાવ્યું છે, પણ
ગરબા પરની રોક શા માટે લાગી એનું કોઈ કારણ ઘટના-પ્રસંગરૂપે દર્શાવાયું નથી. આથી
તમે કહો છો તેમ એવું ધારી લેવું પડે છે કે એવી કોઈ ઘટના બની હશે, જેને લીધે આવો પ્રતિબંધ આવ્યો. આવું
જાતે ધારી લેવું દર્શક માટે મુશ્કેલ છે. ખાસ કરીને ત્યારે જ્યારે એ ધારણા હકીકતથી
વેગળી હોય.
નીલેશ રૂપાપરા
(16 નવેમ્બર, 2020 – ફેસબુક)
મેરી અંગડાઈ ન ટૂટે તૂ આ જા...
આમ તો અત્યારના અવસાદી માહોલમાં રોમૅન્ટિક વાત કરવામાં
ગિલ્ટ થાય, પણ કાલે સાંજે
ઝરમર વરસાદે અવસાદને થોડોક સમય માટે ધોઈને પ્રસન્નતા ભરી દીધી હતી. કારણ હતું
કજરારે ગીત...
ઘણી વાર
સાંભળેલું શંકર-અહેસાન-લૉયનું અને ખાસ તો ગુલઝારનું આ ગીત આજે સોસાયટીમાં ભીના
ભીના આંટા મારતી વખતે પાછું સાંભળ્યું. દર વખતે ધ્યાન આ પંક્તિ પર જ જતું: તેરી
બાતોં મેં કિમામ કી ખુશ્બૂ હૈ, તેરા આના ભી ગર્મિયોં કી લૂ હૈ... અને ઝૂમી ઊઠવા માટે
મ્યુઝિક ઉપરાંતનું ગુલઝારી કારણ મળી જતું..
જોકે આજે આલિશા
ચિનૉયના માદક અવાજમાં વારંવાર
રિપીટ થતી અને સામાન્ય લાગતી લાઈન 'મેરી અંગડાઈ ના ટૂટે તૂ આજા' મનમાં પહેલી વાર ઉઘાડ કરી ગઈ. આમ તો હિન્દીમાં 'અંગડાઈ તોડના'નો અર્થ થાય કામ કર્યા વિના એદીની જેમ પડ્યા રહેવું.
જોકે ગુલઝારને એવો સાદો અર્થ અભિપ્રેત હોય? મને નથી લાગતું. ઉપરથી ઉર્દૂમાં અંગડાઈને બદનની
ખૂબસૂરતી સાથે જોડતા ઢગલાબંધ શેર છે અને આ ગીતમાં અંગડાઈ સાથે નાયિકાનું ઈજન પણ
છે. એ રીતે વિચારતાં બત્તી થઈ કે આ ગીતમાં આ લાઈન તો શૃંગારનું શિખર છે.
નાયિકા અહીં નાયકને માત્ર ઈજન નથી આપતી, બલ્કે એવી પળે આવવાનું કહે છે કે જ્યારે એ જાગીને આળસ
મરડી રહી હોય. ના, એમ નહીં. આળસ
મરડવી એમ કહેવામાં રોમાન્સ મરડાઈ જાય છે. એટલે અંગડાઈ પૂરતું હિન્દી જ રાખીને હજી
શૃંગારિક રીતે કહેવાની કોશિશ કરું.
નાયિકા અહીં
જેટલું કહે છે એના કરતાં ઘણું અધ્યાહાર રાખે છે. એ અધ્યાહારમાં, એ અવ્યક્તમાં છલકાય છે એની આરઝૂ, જે નાયકને પોતાનું સૌંદર્યપાન કરાવવાની છે. એ જાણે છે
કે અંગડાઈ લેતી એની અંગભંગિમાઓ એના શરીરમાં જે કમનીય વળાંકો સર્જશે, એનાં અંગોને જે આકર્ષક રૂપ આપશે એ જોઈને એનો પ્રેમી
એને પોતાની ભુજાઓમાં સમાવી લેશે. અહીં અવ્યક્ત છે નાયિકાનાં નાયક સાથે પ્રેમનાં
પ્રચંડ મોજાં પર સવાર થઈને નિર્બંધ સાયુજ્ય માણવાનાં અરમાન.
આ સિવાય હજી
અવ્યક્ત છે એ નાયિકાનો છૂપો ડર. એને લાગે છે કે નાયક જલ્દી નહીં આવે તો એ મારી
અંગડાઈ જોઈ નહિ શકે અને મારાં અરમાનો અધૂરાં રહી જશે. એટલે એ એક રીતે નાયકને પળ
વારમાં આવી જવાનું સૂચવે છે. અંગડાઈ તો પળ વારમાં જ લેવાય ને તૂટે ને? જિંદગીનું પણ સાલું એવું જ છે. પળ વારમાં પૂરી થઈ જાય
છે. એટલે જ આનંદ બક્ષી કહે છેઃ આદમી ઠીક સે દેખ પાતા નહીં ઔર પરદે પર મંઝર બદલ
જાતા હૈ.
ઓહ, રોમાન્સ તોડીને ફિલસૂફીમાં સરી પડવા બદલ સૉરી. એનીવે, થોડામાં ઝાઝું કહી દેવાનો કસબ ગુલઝારમાં ઠાંસીને
ભરેલો છે એવું માનવું મને ગમે છે. શક્ય છે કે ઉપરોક્ત લાઈન વિશે તમારામાંથી ઘણાની
બત્તી બહુ પહેલાં થઈ ગઈ હોય. શક્ય છે કે હિન્દી-ઉર્દૂના જાણકારો કઈંક બીજો જ અર્થ
કાઢે. મેં તો જે સૂઝ્યું-સમજાયું એ લખ્યું.
ઉપર ઉર્દૂમાં
અંગડાઈના શેરની વાત કરી છે તો પ્રસ્તુત છે પાકિસ્તાની શાયરા પરવીન શાકિરનો શેર:
अब भी बरसात की
रातों में बदन टूटता है
जाग उठती हैं अजब ख़्वाहिशें अंगड़ाई की
ને આ જૌન એલિયાનો
શેરઃ
अब तो उस के बारे
में तुम जो चाहो वो कह डालो
वो अंगड़ाई मेरे कमरे तक तो बड़ी रूहानी थीTop
of Form
Ligh Post on Western Genre films
વેસ્ટર્ન ક્લાસિક્સની મજા
મને કોરોનાકાળમાં ડૂબતા મનને ઠેકાણે રાખવા જાતજાતનાં દોહદ
ઊપડતાં રહ્યાં છે. લેટેસ્ટ દોહદ છે વેસ્ટર્ન જોનરની ફિલ્મો જોવાનું. ખાસ કરીને
ક્લિન્ટ ઈસ્ટવુડ અને ડિરેક્ટર સર્જિયો લિયોનીની ફિલ્મો. ‘ગુડ બૅડ ઍન્ડ અગ્લી’ અથવા
‘ફૉર
અ ફ્યુ ડૉલર્સ મોર’ જેવી
ડૉલર્સ ટ્રિલૉજીની પહેલાં જોયેલી ક્લાસિક વેસ્ટર્ન્સ અને કેટલીક પહેલાં જોવાની રહી
ગયેલી વેસ્ટર્ન્સ. આહા! બે’ક
કલાકનો જલસો હોય, બાપુ.
જોઈને આંખો ઠરે એવો માહોલ હોય.
સુક્કાભઠ્ઠ ને વેરાન પહાડી પ્રદેશમાંથી પસાર થતી સ્ટીમ
એન્જિનવાળી ટ્રેન હોય. 19મી
સદીના અમેરિકાનું ટિપિકલ નિરાંતવું ગામડું હોય. ગામડામાં વિશાળ ઘંટવાળું દેવળ હોય.
ઊંચા સ્તંભો પર બેસાડેલી પાણીની ટાંકી હોય. ગામડાની વચ્ચેથી કાચી લાલ માટીનો રસ્તો
પસાર થતો હોય. એની બેય બાજુએ મધ્યયુગીન બાંધણીવાળાં બેઠાઘાટનાં મકાનો હોય, જે
મહદંશે ઘૂંટણસમાણા લાકડાના માંચડા પર ઊભાં હોય. એ મકાનોની આસપાસ મેલાઘેલા ઘેરદાર
વિક્ટોરિયન ટાઈપ્સ ગાઉનમાં ફરતી ભરાવદાર સ્ત્રીઓ હોય. એમાંથી એકાદ મકાનમાં જૂની
બૅન્ક હોય અને એકાદમાં લાકડાનું ઍન્ટિક ફર્નિચર ધરાવતું ટિપિકલ ટૅવર્ન (જૂની ઢબનું
પબ) હોય. એ ટૅવર્નમાં કરડા ને કદરૂપા વિચિત્રવીર્યોને બીયર ને વ્હીસ્કી પીરસતી
રૂપાળી કન્યાઓ હોય, જેમની
ક્લીવેજ ટેક્સસની ખીણો જેવી નયનરમ્ય લાગતી હોય.
રસ્તાના છેક છેડે ક્ષિતિજે રાતી ઝાંયવાળો રેતાળ પ્રદેશ નજરે
ચડતો હોય. ડૂબતા સૂરજની પશ્ચાદભૂમાં હણહણતો અશ્વ ગામમાં પ્રવેશતો હોય. એના પર સવાર
હોય માથે કાઉબૉય જેવી હૅટ પહેરીને અને ખભે કારતૂસનો હારડો વીંટાળીને બેઠેલો ગ્રીક
ગૉડ જેવો બાઉન્ટી હન્ટર (જેમના માથે ઈનામ હોય એવા ડાકુ-બહારવટિયાને પકડીને કાનૂનને
હવાલે કરનાર જવાંમર્દ). બહુ ઓછું બોલતા અને બુઝાઈ ગયેલી સિગરેટ ચૂસ્યા કરતા
હીરોનું વ્યક્તિત્વ ઉભારવા રહસ્ય ને રોમાંચ ઘૂંટતું સૂરીલું મ્યુઝિક હોય. આ ઉપરાંત, આઉટલૉઝ
તરીકે ઓળખાતા નિષ્ઠુર ગુનેગારોની ટોળકી હોય. કીડામકોડાની જેમ માણસોને માર્યા પછી
ધુમ્રસેર ઓકતી રિવૉલ્વરો પર ક્રૂર સ્મિત સાથે મરાતી મર્દાના ફૂંકો પણ હોય.
આ અને આવું તો ઘણુંબધું હોય, જે હકીકતમાં સાઠના ને સિત્તેરના
દાયકાની વેસ્ટર્ન ક્લાસિક ફિલ્મોનું બિલ્ડિંગ મટીરિયલ છે. જોકે આમાં સૌથી વધુ
ઈન્ટરેસ્ટિંગ વાત હોય તો એ છે એક અનોખો સીન. કાઉબૉય કે બાઉન્ટી હન્ટર હીરોએ બધા
આઉટલૉઝને ફૂંકી માર્યા હોય અને વેરાન વગડામાં હીરો ને વિલન બેય એકલા બચ્યા હોય
ત્યારે એ સીન આવે. લગભગ દરેક વેસ્ટર્નમાં આવે - થોડાઘણા ફેરફાર સાથે. એ સીનમાં
ખજાનો કે બૅન્કલૂટના ડૉલર્સની કોથળીઓ લાદેલા એકાદ ઘોડો પણ હોય.
છેવટે હીરો કે વિલન બેમાંથી કોઈ એક જણ પ્રસ્તાવ મૂકે કે તું
મને પહેલો શૂટ કરે તો આ ડૉલર્સ તારા. બન્ને ઈમાનદારીથી એ શરતનું પાલન કરવા એકમેકથી
વિરુદ્ધ દિશામાં દસ-પંદર ડગલાં દૂર જાય. પછી એકમેક તરફ ફરે. આપણા ઢેનટેણેનની જેમ
વ્હીસલ જેવું વેસ્ટર્નનું સિગ્નેચર મ્યુઝિક તેજ થાય. હીરો ને વિલનની આંખોના, કમરપટ્ટે
ખોસેલી એમની રિવૉલ્વરોના અને એ રિવૉલ્વર પાસે ધ્રૂજતી એમની આંગળીઓના ક્લોઝ-અપ્સ
દેખાય. આકાશમાં મોતનાં ફરિશ્તાની જેમ ચકરાવા લેતાં ગીધ દેખાય. ટેન્શનથી તરબોળ એવી
હાઈ વોલ્ટેજ થ્રિલિંગ મોમેન્ટ્સ ક્રિયેટ થાય.
આપણને ખબર હોય કે અંતે સાલું શું થવાનું છે તોય આપણામાં
અડ્રેનલિન રશ આવી જાય. આખરે,
પાનબાઈએ વીજળીના જે ચમકારે મોતી પરોવેલાં એવા જ ચમકારામાં
બેયની રિવૉલ્વરો ખેંચાય. બે ધડાકા સંભળાય. વિલન ઊછળીને ઊંધો પડે. હીરો શાંત અને
સ્વસ્થ ચહેરે રિવૉલ્વરની નાળીને ફૂંક મારી, આંગળીઓમાં એને સ્ટાઈલથી ગોળ
ફેરવીને કમરપટ્ટામાં પાછી મૂકે. ખેલ ખતમ પૈસા હજમ.
આવું બધું હવે જોવા નથી મળતું. જોવું જ હોય તો ઈન્ટરનેટના
ટાઈમ મશીનમાં પેસીને સાઠના ને સિત્તેરના દાયકામાં જવું પડે. જોકે હજી એક કમાલની
ચીજ તો કહેવાની રહી જ ગઈ. આ વેસ્ટર્ન જોનરની ફિલ્મો સર્ચ કરતાં કરતાં અચાનક નજર
સામે એક શબ્દપ્રયોગ આવ્યોઃ સ્પૅઘેટી વેસ્ટર્ન. થયું, આ વળી શું હશે? રહેવાયું
નહીં એટલે ગૂગલની મશાલ ચેતાવી. અને સ્પૅઘેટી વેસ્ટર્નનો જે અર્થ મળ્યો એ જાણીને
જબરું કૌતુક થયું.
વાત એમ છે કે સર્જિયો લિયોનીની સફળ વેસ્ટર્ન ફિલ્મોની
ફૉર્મ્યુલા ઉઠાવીને ઈટાલિયન ડિરેક્ટરોએ ઈટાલીમાં વેસ્ટર્ન ફિલ્મોનો ફાલ ઉતાર્યો
હતો. એ બધી આપણા મિથુને ઊટીમાં બનાવેલી ફિલ્મોની જેમ લો બજેટ હતી. વળી, એમાં
મહદંશે ક્લિન્ટ ઈસ્ટવુડ જેવા દેખાતા ઈટાલિયન હીરોને લેવામાં આવતા હતા. આવી
ફિલ્મોને અમેરિકન ક્રિટિક્સે સ્પૅઘેટી વેસ્ટર્ન તરીકે ઓળખાવી. સ્પૅઘેટી એટલે
પરંપરાગત ઈટાલિયન નૂડલ પાસ્તા અને સ્પૅઘેટીરસિયા ઈટાલિયનોની વેસ્ટર્ન એટલે
સ્પૅઘેટી વેસ્ટર્ન.
આમ
તો સર્જિયોએ વેસ્ટર્ન ફિલ્મો બનાવી એ પહેલાં પણ યુરોપમાં વેસ્ટર્ન જોનરની ફિલ્મો
બનતી હતી. એ યુરોપિયન વેસ્ટર્ન તરીકે ઓળખાતી હતી. જોકે ઈટાલિયનોએ ધડાધડ સસ્તી
ફિલ્મોનું એસેમ્બ્લી લાઈન પ્રૉડક્શન તો સર્જિયો લિયોનીની ડૉલર્સ ટ્રિલૉજી પરથી ‘પ્રેરણા’ લઈને
જ શરૂ કરેલું. આવી ચોરી ભારતમાંય થઈ છે. જેમ કે ખોટે સિક્કે અને ઝલઝલા જેવી
ફિલ્મો. થોડીક વધારે બની હોત તો એને પણ ઢોસા વેસ્ટર્ન કે ગાજર કા હલવા વેસ્ટર્ન કે
ચપાતી વેસ્ટર્ન જેવાં લેબલો મળ્યાં હોત. ☺️
જોકે સર્જિયોએ પોતે પણ મહાન જપાની ડિરેક્ટર અકીરા
કુરોસાવાની યોજિમ્બો નામની ફિલ્મ પરથી ઉઠાંતરી કરીને અ ફિસ્ટફુલ ઑફ ડૉલર્સ બનાવી
હતી. પછી અકીરા કુરોસાવાએ એને કહ્યું કે આ તો મારી ફિલ્મ છે ત્યારે સર્જિયોએ એમને
કમાણીમાંથી અમુક ટકાનો ભાગ આપ્યો હતો.
એનીવે, આ તો એમ જ જરા #સ્પૅઘેટી_ઉજાગરા (જેમાં
સ્પૅઘેટી ઉર્ફે નૂડલ્સ ખવાય એટલે) થાય છે એનું પરિણામ છે આ પોસ્ટ.
Film Review / Space Moms
સ્પેસ મૉમ્સઃ રાષ્ટ્રવાદનું સાત્વિક રૂપ
કાલે પહેલી નજરે પ્રેમ થઈ જાય એવી ફિલ્મ જોઈ. સ્પેસ મૉમ્સ. આ ફિલ્મમાં સામા પૂરે તરીને જીતતી સ્ત્રીઓની વાત છે, ટાંચાં સાધનોના જોરે અશક્યને શક્ય કરવાના સંઘર્ષની વાત છે. આ વાતમાં કંઈ નવું નથી, કેમ કે આ ઘરેડ પરથી ઘણી ફિલ્મો બની છે.
આમ છતાં ફિલ્મ અનોખી છે એનાં સંયમ અને સહજતાને કારણે. અહીં રાષ્ટ્રવાદનાં નગારાં વગાડ્યા વિના ભારતના મંગળયાન મિશનની કથા મંડાઈ છે. એટલે જ ફિલ્મ આપણા રાષ્ટ્રવાદને જામગરી નથી ચાંપતી. હા, ઢંઢોળે છે જરૂર, પણ સાત્વિક રીતે. એની સહજતા આપણી ભીતર લાગણીનો જુવાળ જગાડવાને બદલે આંખોમાં ભીનું સ્મિત છોડી જાય છે.
અહીં ભારતીય અવકાશસંસ્થા ઈસરોની સામા પૂરે તરતી એન્જિનીયર સ્ત્રીઓ એવા ભારતનું પ્રતીક બની છે જે પોતાનાં સાંસ્કૃતિક મૂળિયાંને છોડ્યા વિના આધુનિકતાના આકાશમાં ઊડવા મથે છે. જે પશ્ચિમે ચીતરેલી ભારતીય સ્ત્રી-પુરુષોની છાપને દૃઢતાથી છતાં કોઈ ઊહાપોહ વિના બદલવાની કોશિશ કરે છે. જે પોતાનું લક્ષ્ય અમેરિકાની અવકાશસંસ્થા નાસાના લક્ષ્યની સામે મૂકી એની બરોબરી કરે છે.
અહીં બે સંઘર્ષની સહોપસ્થિતિ (જક્સ્ટાપોઝિશન) છેઃ પહેલો નિયત સમયમાં અને સાવ ઓછા ભંડોળમાં મંગળયાન મિશન પૂરું કરવાનો ઈસરોનો સંઘર્ષ. બીજો, સંસ્થાની મહિલા એન્જિનીયરોનો પરંપરાને તિરસ્કાર્યા વિના આધુનિકતાને ભેટવાનો સંઘર્ષ. બે સંઘર્ષની કથા હોવા છતાં ફિલ્મમાં વિલન કોઈ નથી. હા, નાસાને અને પશ્ચિમને ભારતનું સાચું સ્વરૂપ દેખાડવાનો એક ઉદ્યમ છે, પણ એમાં કોઈ ડંખ નથી.
ફિલ્મનાં દિગ્દર્શિકા રાધા ભારદ્વાજે બે-અઢી વર્ષ પહેલાં ધ હિન્દુ અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું: આંતરરાષ્ટ્રીય મીડિયા અને મનોરંજનજગતમાં ભારતીય પુરુષોને હિંસક બળાત્કારીઓ તરીકે અને સ્ત્રીઓને રાંક પીડિતા તરીકે જ ચિતરવામાં આવ્યાં છે. મારે ભારતીય સ્ત્રીત્વનું જુદું જ રૂપ દુનિયાને દેખાડવું હતું. એવું રૂપ જે સપાટી પર સાધારણ લાગે પણ ભીતરથી દૃઢ, મહત્ત્વાકાંક્ષી અને અસાધારણ હોય.
આ કામ રાધા ભારદ્વાજે ખરેખર ઈમાનદારીથી કર્યું છે. ફિલ્મમાં દર્શાવાયેલી ત્રણ મહિલા એન્જિનીયરોની પ્રતિભા અસાધારણ છે, છતાં એમની રહેણીકરણી અન્ય ભારતીય મહિલાઓ જેવી સાધારણ છે. એમાં ભારતની સંસ્કૃતિ પડઘાય છે. જેમ કે વડીલોને માન આપવું, બાળકોને ભણાવવાં, ઘરનાં કામ કરવાં, ઈસરો જેવી સંસ્થામાં એક પડકારરૂપ મિશન સંભાળવું અને સંકટમાં ઈશ્વરનેય યાદ કરી લેવો.
કામ કરતી સ્ત્રી ઘરની જવાબદારી પણ સંભાળતી હોય ત્યારે નારીવાદીઓને સ્વાભાવિક રીતે જ એવું લાગે કે પિતૃસત્તાક સમાજ એને પૅટ્રનાઈઝ કરે છે, એના પગમાં સાંકળ બાંધેલી રાખીને જ એને ઊડવાની છૂટ આપે છે. પરંતુ ના, અહીં એવું નથી. ઊલટાનું, આ સ્ત્રીઓના પતિઓનાં પાત્રો એટલી હદે સપોર્ટિવ છે કે એવું લાગે છે જાણે એમણે એ સ્ત્રીઓનું આધિપત્ય સ્વીકારી લીધું હોય. જોકે અહીં કોઈ ઊંચું કે નીચું નથી. બસ, સમજણ છે. પરિવારની સાથે દેશ માટે મહત્ત્વનું એવું અવકાશ અભિયાન ચલાવવાનો દૃઢ સંકલ્પ છે.
આ ફિલ્મમાં અદ્ભુત સંવાદો નથી. પટકથામાં દર્શકને જકડી રાખે એવી રસની છોળો નથી. અવકાશનો વિષય હોવા છતાં આંજી નાખનારી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ નથી. સિનેમેટોગ્રાફીની રંગત કે મ્યુઝિકની રમઝટ નથી. છે તો માત્ર સરળ વાર્તા, જે ઋષિદાની સાદગીથી કહેવાઈ છે. અફકોર્સ, બળકટ પાત્રાલેખન અને સંયત હ્યુમન ઈમોશન્સ સાથે.
ટૂંકમાં, સ્ટાર પાવર વિનાના થિયેટર આર્ટિસ્ટોને લઈને બનાવાયેલી આ ફિલ્મ અદ્ભુત નથી છતાં એમાં એક પ્યોરિટી છે, જે વિદ્યા બાલન, તાપસી પન્નુ અને અક્ષય કુમારની મિશન મંગળ ફિલ્મમાં નહોતી. અને હા... મિશન મંગળ રાધા ભારદ્વાજની જ પટકથાની ઉઠાંતરી હતી એટલું જાણખાતર. એ બધા વિવાદોમાં નથી પડવું, પણ એ વિવાદને કારણે જ આ ફિલ્મને થિયેટરો નથી મળ્યાં એ પણ હકીકત છે. તો, આ ફિલ્મ જોવી હોય તો ગુગલના પ્લેસ્ટોર પર અવેલેબલ છે.
નીલેશ રૂપાપરા
ફિલ્મ રિવ્યુ / જાઉં કહાં બતા ઐ દિલ
ચાંદની આઈ ઘર જલાને...
યથાર્થનું નિરૂપણ કરવાની ઘેલછામાં
આ ફિલ્મ પોતે જ યથાર્થ
સામે જ પ્રશ્ન ઊભો કરે છે.
કોઈ સારી ચીજને હદબહાર વખોડવામાં આવે ત્યારે અથવા તો કોઈ
ખરાબ ચીજને હદુપરાંત વખાણવામાં આવે ત્યારે બોલવું જોઈએ. જાઉં કહાં બતા ઐ દિલ એક સરેરાશ ફિલ્મ છે, છતાં એની પ્રશંસામાં અતિરેક થયો
છે. પ્રશંસાનો અતિરેક પણ ક્યારેક ઘાતક સાબિત થઈ શકે છે. એટલે જ આ ફિલ્મ રિવ્યુની
ટેરિટરીમાં ઘૂસણખોરી કરી છે. સહમત થવું ન થવું એ સૌની મરજીની વાત છે.
પહેલાં તો એ જોઈએ કે આદિશ કેલુસ્કર દિગ્દર્શિત અને ખુશ્બુ
ઉપાધ્યાય તથા રોહિત કોકાટે અભિનિત આ ફિલ્મ એક સરેરાશ ફિલ્મ હોવા છતાં લોકોને આટલી
બધી કેમ ગમી રહી છે. કારણ, આ ફિલ્મ સામાજિક માન્યતાઓમાં વિસ્ફોટ કરે છે. અસલમાં, દરેક
માણસની અંદર એક નાનોમોટો બૌદ્ધિક વસતો હોય છે, જે સામાજિક માન્યતાઓમાં જામગરી
ચાંપે એવી કૃતિઓથી આકર્ષાતો રહે છે. જાઉં
કહાં બતા ઐ દિલ એવી જ એક કૃતિ છે, જેણે આપણી માન્યતાઓના ફૂરચા ઉડાવ્યા છે. એટલે
એને વિશિષ્ટ કૃતિ માની લેવામાં આવી છે.
કઈ માન્યતા? એ જ કે સ્ત્રીપુરુષ
વચ્ચેનો સંબંધ રોમાન્સ, પ્રેમ, સૌંદર્ય અને આદર જેવા ઉમદા સ્તંભોના ટેકે ઊભો છે. એ
માન્યતાને તોડીને સ્ત્રીપુરુષના સંબંધની નવી વ્યાખ્યા કરતી આ ફિલ્મ કહે છે કે એ
સંબંધ હિંસા, ક્રૂરતા, કુરૂપતા, સેક્સ, સ્વાર્થ અને માલિકીભાવના તકલાદી પાયા પર
ઊભો છે. આ વ્યાખ્યામાં તથ્યનો ખાસ્સો અંશ છે એમાં કોઈ શક નથી. તો પછી તકલીફ ક્યાં
છે?
તકલીફ ફિલ્મના કથનમાં નહીં, કથનરીતિમાં છે જે સપાટ, સ્થૂળ,
ક્રૂર અને બીભત્સ છે. ફિલ્મમાં સ્ત્રીપુરુષનાં જનનાંગોનાં નામ રોડછાપ ભાષામાં સતત બોલાય
છે. પ્રેમીઓના સંબંધની વાસ્તવિકતા તો ગાળોને મરીમસાલાની જેમ ભભરાવીને પણ દર્શાવી
શકાઈ હોત, પરંતુ અહીં તો ફિલ્મને ગાળોના રસાથી લથપથ કરી દેવાઈ છે.
ઓટીટીના જમાનામાં આપણે આવી બીભત્સતાથી ટેવાયેલા છીએ એટલે
ગાળો પણ પચી જાય છે. પરંતુ ફિલ્મ ગાળો કરતાંય વધુ બીભત્સ લાગે છે, કારણ કે એનાં પાત્રો,
પરિવેશ, ભાષા, મેકઅપ, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, ટ્રીટમેન્ટ, ટેકિંગ વગેરે જેવાં તમામ
પાસાંને ઘેલછાની હદ સુધી વાસ્તવિકતાનાં વાઘાં પહેરાવાયાં છે. આથી સભાન પ્રેક્ષકને કોઈના
બેડરૂમમાં ડોકિયું કરતા પીપિંગ ટૉમ જેવી ફીલ આવે છે. અથવા તો એવું લાગે છે કે એ
કોઈ ફિલ્મ નહીં, બલ્કે ડાર્ક વેબ પર કોઈ વાસ્તવિક યુગલની અંગત જિંદગી જોઈ રહ્યો
છે.
યથાર્થનું નિરૂપણ તો સત્યજિત રે, ઋત્વિક ઘટક, શ્યામ બેનેગલ,
કેતન મહેતા, ગોવિંદ નિહલાની વગેરે જેવા આર્ટફિલ્મના સર્જકો પણ કરતા, પરંતુ એમનો
વાસ્તવવાદ કલાને કે કલાસૌંદર્યને ગળી નહોતો જતો. અરે, આજની દસ્તાવેજી ફિલ્મો પણ
કલાને દરકિનાર નથી કરતી. જોકે આદિશ કેલુસ્કરનું રિયલિઝમ તો કલાતત્ત્વને ગણનામાં જ
નથી લેતું એવું લાગે છે.
વાસ્તવનું વાસ્તવ અને કલાનું વાસ્તવ એ બે જુદી ચીજ છે એવું
આ ઓટીટીના જમાનાના ફિલ્મમેકરો કાં સમજતા નથી અને કાં સ્વીકારતા નથી. આમ છતાં આ
ફિલ્મ કલાત્મક હોય એ રીતે એનાં ઓવારણાં લેવાઈ રહ્યાં છે ત્યારે એ સ્પષ્ટ કરવું
જરૂરી છે કે આ ફિલ્મને આર્ટ વૅલ્યુ નથી, માત્ર શૉક વૅલ્યુ છે. આ ફિલ્મ ન ગમવાનું આ
મુખ્ય કારણ. બીજાં પણ કેટલાંક કારણો છેઃ
ફિલ્મ કાન કરતાં વધુ આંખોની જરૂરિયાત સંતોષતું માધ્યમ છે,
પરંતુ અહીં દૃશ્યોનો અભાવ ખટકે છે. ફિલ્મ જોતી વખતે એવું સતત લાગ્યા કરે છે કે એ
જોવા માટે નહીં, સાંભળવા માટે બની છે. હા, સંવાદોમાંથી ખરબચડું અને ક્રૂર વાસ્તવ
સરસ રીતે છલકે છે, પણ માત્ર સંવાદોના ખભે રેડિયો નાટક ટકી શકે, ફિલ્મ નહીં. આ
ફિલ્મ તમે જોવાને બદલે આંખો બંધ કરીને સાંભળો તોપણ ખાસ કંઈ ગુમાવતા નથી. ઊલટાનું,
વધુ પામો છો. એટલે દિગ્દર્શકે આ વાર્તા કહેવા માટે નાટક, નવલિકા કે નવલકથાને બદલે
ફિલ્મનું માધ્યમ કેમ પસંદ કર્યું એવો સવાલ મનમાં ઊઠ્યા વિના નથી રહેતો.
આખી ફિલ્મમાં નાયક-નાયિકા સ્ક્રીન પર ફોરગ્રાઉન્ડમાં દેખાયા
કરે છે. પશ્ચાદભૂનાં દરિયો, ભીડ, ટ્રાફિક જેવાં દૃશ્યો જરૂર કરતાં વધુ ન દેખાઈ જાય
એ બાબતે દિગ્દર્શક સભાન છે. કદાચ, પ્રેક્ષકની આંખોને વિઝ્યુઅલ રિલીફ ન આપીને
દિગ્દર્શક એવું કહેવા માગે છે કે પ્રેમીઓના સંબંધોમાં પણ કોઈ રિલીફ નથી હોતી. આખી
ફિલ્મમાં જો કોઈ સિમ્બલિઝમ હોય તો આ. બીજું, અંતના દૃશ્યમાં મુક્ત થયેલી નાયિકાનું
નૃત્ય. બાકી, આ ભ્રષ્ટ સંબંધની કથા આંખને કષ્ટ આપે છે.
મરિન ડ્રાઈવના પ્રૉમિનાડ પર નાયક-નાયિકાના એક લાંબા વૉક
સાથે શરૂ થતી ફિલ્મમાં ટૅક્સી, કૅફે, થિયેટર, દરિયો અને હૉટલ રૂમ વગેરે જેવા પાંચ-છ
લોકાલ્સ પર થતી વાતચીત સિવાય ભાગ્યે જ કોઈ ઘટના છે. માત્ર અંતમાં હૉટેલના કમરામાં
આદિમતાની પરાકાષ્ઠા જેવા હિંસક સંભોગની ઘટના દર્શાવાઈ છે. બાકી, ટૅક્સીમાં અને
થિયેટરમાં આદિમ જાતીય આવેગનું મૅનિફેસ્ટેશન દેખાય છે. જોકે ત્યારે પણ વાતચીત તો
ચાલુ જ છે.
એ વાતચીત પણ મહદંશે તો નાયકનાં પ્રવચનો જ છે, જે રસપ્રદ છે.
એમાં નાયક રાજકીય પક્ષો, નેતાઓ, અભિનેતાઓ, ફિલ્મો, સંબંધો, જિંદગી, લગ્ન તમામને ભાંડે
છે. એમાં બધું જ જાણતા-સમજતા માણસનો બળાપો અને જીવનની અર્થહીનતા ગાતું નાઈલિઝમ (શૂન્યવાદ)
છે. નાયકની શાણી વાણી સાથે એનું હિંસક પશુ જેવું વર્તન મેળ નથી ખાતું. એને માટે ગર્લફ્રેન્ડ
વૉશબેસિન છે, જેમાં એ પોતાના ડહાપણની ઊલટી કરે છે અને પોતાની વાસનાનું ઝનૂન શાંત
કરે છે. રોહિત કોકાટે આ પાત્રને એટલું જીવંત કરે છે કે ફિલ્મના અંતે એ આપણને
દીઠ્ઠો ગમતો નથી.
પિતૃસત્તાક સમાજમાં સમજુ પુરુષો પણ અંદરથી તો મેલ શૉવિનિસ્ટ
પિગ હોય છે એવું કંઈક કહેવાનો દિગ્દર્શકનો આશય હોઈ શકે છે. આવા પાત્ર સામે
પ્રમાણમાં રાંક એવા સ્ત્રીપાત્રને મૂકીને દિગ્દર્શકે એક બાઈનરી, એક દ્વંદ્વ ઊભું કર્યું છે. ફિલ્મના અંતે એ બાઈનરીનું ડીકન્સ્ટ્રક્શન/વિખંડન થયું હોત અને એ બાઈનરી ઊલટાઈ હોત તો કદાચ ફિલ્મને ઊંચાઈ મળત. જોકે
દિગ્દર્શકનો આશય ખરાબને ખરાબ ચિતરવાનો જ છે, સમસ્યાનો ઉકેલ આપવાનો નહીં. ધૅટ્સ ફેર
ઈનફ.
એનીવે, સ્ત્રીપાત્રને ખુશ્બુ ઉપાધ્યાયે એવી રીતે ભજવ્યું છે
કે એ ફિલ્મમાં અભિનય કરી રહી હોવાની પ્રતીતિ બિલકુલ નથી થતી. એ પાત્ર પ્રેમીની જોહુકમી
સહે છે. એની ગેરવાજબી માગણીઓને તાબે થાય છે. અપમાનો સહે છે. શાબ્દિક અને શારીરિક
હિંસા સહે છે. પૂતળી જેવી થઈ જાય છે. આખરે અકસ્માતે મુક્તિ પામે છે ત્યારે
નિરાંતનો શ્વાસ લે છે. આવી વાતો નવી નથી. પહેલાં પણ કહેવાઈ ચૂકી છે. અહીં કહેવાની
રીત જુદી છે.
કથન અને કથનરીતિ એકમેકમાં ભળી જાય એ સ્ટોરી ટેલિંગની આદર્શ
સ્થિતિ છે, પરંતુ અહીં પ્રેમસંબંધની કુરૂપતા દર્શાવવા સંબંધનું ચિત્રણ પણ કુરૂપ
રીતે કરાય છે ત્યારે આડઅસરરૂપે એવું સ્થાપિત થાય છે કે પ્રેમસંબંધ એક ભ્રમ છે અને
એ ભ્રમનું નિરસન થવું જરૂરી છે.
જોકે પ્રેમસંબંધ એટલો સંકુચિત નથી હોતો કે એમાં માત્ર
સૌંદર્ય કે માત્ર કુરૂપતા હોય. એમાં સ્વાર્થ હોય છે તો જતું કરવાની વૃત્તિ પણ હોય
છે. એમાં એક જ વ્યક્તિમાં સ્વામીત્વના ભાવની સાથે દાસત્વનો ભાવ પણ રહી શકે છે.
એમાં રોમાન્સમાંથી સેક્સ તરફની ગતિ હોય તો સેક્સમાંથી રોમાન્સ તરફની ગતિ પણ હોઈ
શકે છે. એમાં ખોવું ને પામવું એ વિરોધાર્થી શબ્દો પણ હોય છે અને પર્યાયવાચી શબ્દો પણ
હોય છે.
આમ, પ્રેમસંબંધ માત્ર સારો કે માત્ર ખરાબ નથી હોતો. એ માણસ
જેટલો જ વિરોધાભાસી હોય છે. એને માત્ર ખરાબ ઠેરવવો એ આધી હકીકત, આધા ફસાના જેવી
વાત છે. અને અડધું સત્ય ક્યારેક ઘાતક સાબિત થઈ શકે છે. આ ફિલ્મ જોતી વખતે આપણને
એના શીર્ષક તરીકે લેવાયેલા ગીતની પેલી પંક્તિ દર મિનિટે યાદ દેવડાવે છે કે ચાંદની આઈ ઘર જલાને...
આ જ વાત ફિલ્મ વિશે પણ કહી શકાય તેમ છે કે આ ચાંદની પણ આપણાં
અમુક મૂળિયાંને બાળવા આવી છે. આવું નાછૂટકે કહેવું પડે છે, કારણ કે યથાર્થનું
નિરૂપણ કરવાની ઘેલછામાં આ ફિલ્મ પોતે જ યથાર્થ સામે જ પ્રશ્ન ઊભો કરે છે.
નીલેશ રૂપાપરા
વાસાંસિ જીર્ણાનિઃ પુસ્તક અવલોકન
તમે લેખક છો? તો
તમારે Devangi Bhattની
વાસાંસિ જીર્ણાનિ નામની નવલકથા વાંચવી જ જોઈએ. તમે વાચક કે ભાવક છો? તો ખાસ વાંચવી જોઈએ. તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી છો કે
માનવમનની અંધારી વાવનો અભ્યાસ કરવામાં તમને રસ છે? તો
આ નવલકથા વાંચ્યા વિના તમારો છૂટકો જ નથી. તમને જીવનની અરાજકતા નામની કાળુ માછલીની
છીપમાં સર્જાતાં પર્લ્સ ઑફ વિઝડમમાં રસ છે? તો
આ વાચન તમને બહુ ઉપયોગી થશે.
ઉપરોક્ત ફકરો પ્રમોશન જેવો લખાઈ ગયો. બટ બિલીવ મી, એ પ્રમોશન નહીં, ભાવાવેશ
છે; વાસાંસિ જીર્ણાનિ વાંચ્યા પછી ચિત્તના પાર્ટિકલ
ઍક્સેલરેટરમાં થયેલી ભાવોર્મિઓ અને વિચારતરંગોની અથડામણ છે. આ અથડામણે ડહાપણ અને
ગાંડપણના સંયોજનનો એક એવો ભાવપિંડ સર્જ્યો છે, જે
આનંદરૂપે ચિત્તને આંદોલિત કરી રહ્યો છે. હોપ કે તમારા ચિત્તમાં પણ આ આંદોલન થાય.
એવું તે શું છે આ નવલકથામાં? આપણી
બૌદ્ધિકતા અને તર્કસંગતતાનું માન જાળવીને આ નવલકથા આપણને માનવમનના એવા ભંડકિયામાં
લઈ જાય છે, જેમાં ઈચ્છાઓનું સમાંતર બ્રહ્માંડ ધબકી રહ્યું છે. આ
ભંડકિયું છે પોલોમા નામની પચાસેક વર્ષની સામાન્ય બંગાળી સ્ત્રીનું. પોલોમાનો સંસાર
ખાસ કોઈ તડકીછાંયડી વિનાનો કે ઊથલપાથલ વિનાનો છે. સુખી અને સ્થિર.
પોલોમાના કોલકાત્તાના ઘરના ભંડકિયામાં જમીનમાં ધાન ભરવાની
કોઠીઓ દાટેલી છે. એક દિવસ એ કોઠીઓ વેચવાનો પ્રસ્તાવ મુકાય છે એટલે પોલોમાને એ
જમાનાજૂની અવાવરુ કોઠીઓમાં ડોકિયું કરવાની ઈચ્છા થાય છે. પોલોમા એ કોઠીમાં ઊતરે
છે. કહો કે એના મનના કોઈ અજાણ ભોંયરામાં ઊતરે છે અને પહોંચી જાય છે કોઈ અગોચર
પ્રદેશમાં.
હવે પોલોમા ઓગળે છે અને અવતરે છે ઓરોરા. પ્રથમ અને બીજા
વિશ્વયુદ્ધ વચ્ચેના ગાળામાં જર્મનીમાં રહેતી આ સ્ત્રી એના અભાવો બદલ હિટલરની જેમ
યહુદીઓને ધિક્કારે છે. ઓરોરાની નકારાત્મક લાગણી પછી પોલોમાની ભીતર પિંડ બંધાય છે
પ્રેમની પૅશનેટ લાગણીનો. હવે અવતરે છે રાજકુમારી રાબિયા. ઈજિપ્તના વૈભવી મહાલયોમાં
રહેતી અને નિષેધોમાં જીવેલી રાબિયા જીવનની વાસ્તવિકતાથી અનભિજ્ઞ છે, પણ પ્રેમ એને પોતાનું સત્ય ને પોતાની ઓળખ આપે છે. પોલોમાની
ત્રીજી ને છેલ્લી સફર છે કાઠિયાવાડની, જ્યાં
મોંઘી નામની અભણ સ્ત્રી મૃત્યુમાં મુક્તિનો અવસર જુએ છે.
આ ત્રણેય સ્ત્રીમાં પોલોમા ક્યાંય દેખાતી નથી, છતાં એ ત્રણેય પોલોમાના મનોજગતની જ નિવાસી છે. ત્રણેય
હકીકતમાં પોલોમાએ જીવવા ઈચ્છેલી, પણ
ન જીવી શકાયેલી જિંદગીનાં આભાસી સ્વરૂપો છે; પોલોમાની
અધૂરી રહેલી ઈચ્છાઓનું પર્સોનિફિકેશન છે. પોલોમા જ પોલોમા પાસે લટકા કરી રહી છે.
એની સ્થિતિ કદાચ નરસિંહ મહેતાના પદથી વર્ણવી શકાયઃ “જાગીને
જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં
અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ
લટકા કરે બ્રહ્મ પાસે…” પોલોમાને
પણ અટપટા ભોગ ભાસે છે, પણ
એ માયા એણે પોતે નથી રચી. એ તો એના અચેતન મનમાં ધરબાયેલી ઝંખનાઓએ રચી છે.
આમ, ત્રણ
જુદા જુદા કાલખંડમાં અવતરતી ઓરોરા, રાબિયા
અને મોંઘીના મિષે અહીં પોલોમાની કથા કહેવાઈ છે અને અદ્ભુત રીતે કહેવાઈ છે. સંકુલ
મનોભાવો, પાત્રો અને લેખિકા દ્વારા પમાતાં સત્યો, નિરીક્ષણો, વર્ણનો, સંવાદો, કથનની
રીત અને કલાનું વાસ્તવ અચંબિત થઈ જવાય એ રીતે શબ્દોમાં મુકાયાં છે. એ શબ્દોની
સરળતા અને સહજતા એટલી છેતરામણી છે કે એમના અવતરણમાં અનુભૂતિઓ અને વિચારોનું
કેટલુંક વલોણું થયું હશે એનો અંદાજ પહેલી નજરે આવી નથી શકતો.
હવે કથાકથનની એકાદ-બે ખામીની વાત. પોલોમા વાસ્તવ અને ભ્રમણા
વચ્ચે ઝૂલતી થઈ ગઈ એની પાછળનાં કારણો કે પરિસ્થિતિનું નિરૂપણ નવલકથામાં ખાસ થયું
નથી. હા, વાચકોને માહિતી અપાતી હોય એમ ત્રણ વાત કહી દેવાય છેઃ એક, પોલોમાનું જીવન સ્થિર, સુખી
તથા લગભગ ઘટનાહીન હતું. બીજું, એનામાં
જીવનરસ હતો. ત્રીજું, એને
લાગતું હતું કે જીવન આટલું સીધી લીટીમાં ન ચાલવું જોઈએ, એમાં
વળાંકો હોવા જોઈએ. આટલી માહિતી પરથી અને ઓરોરા, રાબિયા
તથા મોંઘીનાં પાત્રો પરથી વાચકોએ ધારી લેવાનું રહે છે કે પોલોમાના મનના ઊંડાણમાં
ક્યાંક વેર, પ્રેમ અને મુક્તિની ઈચ્છાઓ દટાયેલી હશે.
ખરેખર તો પ્રારંભિક પ્રકરણમાં જો પોલોમાના શાંત જીવનનું
નિરૂપણ કરતી વખતે એના વ્યક્તિત્વમાં કોઈક રીતે ઓરોરા, રાબિયા
અને મોંઘીની આછેરી ઝલક દેખાડાઈ હોત તો વાત ઓર સંગીન બની શકત. અત્યારે એવું લાગે છે
કે પચાસ વર્ષની ઉંમરે અચાનક પોલોમાનાં મનોસંચલનો ટ્રિગર થયાં. રાતોરાત આવું બનવું
શક્ય નથી, કેમ કે એ તો પોલોમાના જીવનમાં સતત ચાલેલી પ્રક્રિયા હોય.
બીજું કે ઓરોરા, રાબિયા અને મોંઘીની કોઈક વાતો-ક્રિયાઓમાં પણ પોલોમાની સાવ
આછેરી ઝલક દેખાઈ હોત તો કથાતંતુ સંધાયેલો રહેત. મનોવિજ્ઞાન આ બાબતે જે કહે તે, કલાનું વાસ્તવ જુદું હોય છે. હોવું જોઈએ.
આવા
નાનામોટા ખટકા છતાં આ નવલકથા પ્રભાવશાળી છે. એનો એક છેડો ક્લાસને અડે છે ને બીજો
માસને. છેલ્લાં થોડાં વર્ષોમાં ગુજરાતીમાં આવું બળકટ લખાણ મેં બહુ ઓછું વાંચ્યું
છે. જો કોઈ જાદુ થઈ શકતો હોત તો એના વડે આ નવલકથા હું મારા નામે કરાવી લેત.
બદલામાં મારું રાજપાટ (અફકોર્સ, જાદુથી
જ ઊભું કરેલું 😊) આપી
દેત.
ચેતનાનો ચિતાર અને પરમચેતનાનો નિતાર
જાગીને જોઉં તો જગત દીસે નહિ
ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત-ચૈતન્ય-વિલાસ તદ્રૂપ છે
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે… જાગીને
પંચમહાભૂત પરબ્રહ્મથી ઊપન્યાં
અણુ અણુમાંહીં રહ્યાં તેને વળગી
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં
થડ થકી ડાળ નવ હોય અળગી… જાગીને
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનકકુંડળ વિશે ભેદ ન્હોયે
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે… જાગીને
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાથી કંઈ સંત સીધ્યા… જાગીને
– નરસિંહ મહેતા
બેએક દિવસ પહેલાં માંડૂક્ય ઉપનિષદ પર, વિશેષતઃ સાતમા શ્લોક પર, દૃષ્ટિ પડી ત્યારે આ મનમાં વસેલું આ
ભજન/કાવ્ય એક નવા જ તેજપુંજમાં આખેઆખું ઊઘડ્યું.
કવિ અહીં જાગ્રતાવસ્થા અને સ્વપ્નાવસ્થાનો
ચિત્ત પર પડતો પ્રભાવ ચીંધીને બાહ્ય અને આંતરિક જગતને વશમાં રાખતી માયાનો સંકેત
આપે છે. ચિત્ત, ચૈતન્ય અને વિલાસ અંતે તો બ્રહ્મનાં જ
સ્વરૂપો છે એની સમજ પણ કવિ આપે છે. “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” જેવી રમતિયાળ છતાં ગૂઢ પંક્તિ થકી ચેતના અને પરમચેતનાના ઐક્યનું સત્ય હળવાશથી
વહેતું મૂકીને કવિ જાણે કલા અને દર્શનનું અદ્વૈત રચી આપે છે. મારા મતે ગુજરાતી
કવિતાનું આ મહાવાક્ય છે. આનંદ, આદ્ય કવિ, સચ્ચિદાનંદ!
બ્રહ્મમાંથી ઉદ્ભવેલાં પંચમહાભૂતના કણેકણમાં
બ્રહ્મ છે એવી ગહન વાત સરળતાથી સમજાવીને કવિ કહે છે કે વૃક્ષનાં વિભિન્ન સ્વરૂપો
વૃક્ષથી નોખાં નથી અને કનક-કુંડળનાં નોખાં નામ છતાં અંતે તો એ સુવર્ણ જ છે. શ્રુતિ
કહેતાં વેદો-ઉપનિષદો અને સ્મૃતિ કહેતાં ધર્મશાસ્ત્રો-ઈતિહાસ-પુરાણો ઈત્યાદિની સાખે
કવિ અદ્વૈતની વાત માંડે છે.
અંતિમ પંક્તિઓમાં કવિ આ અદ્વૈતની વિભાવના સમજાવતાં
કહે છે કે જીવ ને શિવ માયાના પ્રપંચને કારણે ભલે નોખા લાગે, બાકી જીવ જ શિવ છે, તું જ શિવ છે. શિવોહમ છે. એને રેખાંકિત કરવા
કવિ છાંદોગ્ય ઉપનિષદના મહાવાક્ય ‘તત્ત્વમસિ’
(તે જ તું
છે)નું સ્મરણ કરાવે છે.
આ કાવ્યમાં ઈશ્વરના કોઈ પણ સાકાર સ્વરૂપની
ભક્તિને બદલે નિરાકાર પરમસ્વરૂપની સમજણ છે એટલે એ ભજન લાગતું નથી. જોકે પરમચેતનાને
સ્મરીને કંઈક સંતો સિદ્ધિને વરી ચૂક્યા છે એવું કહેતી એની અંતિમ પંક્તિ એને ભજન
બનાવે છે, કેમ કે એમાં પરમચેતનાની ભક્તિનો મહિમા છે.
હવે જોઈએ માંડૂક્ય ઉપનિષદનો સાતમો શ્લોકઃ
नान्तःप्रज्ञं न बहिष्प्रज्ञं
नोभयतःप्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं
नाप्रज्ञम् ।
अदृष्टमव्यवहार्यमग्राह्यमलक्षणं
अचिन्त्यमव्यपदेश्यमेकात्मप्रत्ययसारं
प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं
चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः
It is not that which is conscious of the internal subjective
world, nor that which is conscious of the external world, nor that which is
conscious of both, nor that which is a mass of consciousness, nor that which is
simple consciousness, nor is it unconsciousness. It is unseen by any
sense-organ, beyond empirical dealings, incomprehensible by the mind,
uninferable, unthinkable, indescribable, essentially by of the Self alone,
negation of all phenomena, the peaceful, the auspicious and the nondual. This
is what is considered as the Fourth (Turiya). This is the Atman and this is to
be realized.
આ ચેતનાની, કૉન્શિયસનેસની વાત છે. ચેતના શું છે અને શું નથી એની વાત છે. માંડૂકય ઉપનિષદમાં હું કોણ છું જેવા તાત્ત્વિક પ્રશ્નનો
વિસ્તૃત ઉત્તર અપાયો છે. એ સંક્ષિપ્તમાં જોઈએઃ
આપણે જાગ્રત હોઈએ ત્યારે આપણી પંચેન્દ્રિયો
દ્વારા બાહ્ય જગતને અનુભવતા હોઈએ છીએ, પણ એ જાગ્રતાવસ્થા આપણું સાચું સ્વરૂપ નથી.
બીજું, આપણે સૂઈએ ત્યારે સ્વપ્નમાં પણ જાતજાતના
અનુભવ કરતા હોઈએ છીએ, પણ એય આપણું સાચું સ્વરૂપ નથી. એ બંને માયાના
પ્રપંચ છે. ત્રીજું, આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે કોઈ અનુભવ
નથી કરતા, પણ ઊઠીએ ત્યારે કહી શકીએ છીએ કે હું ગાઢ
નિદ્રામાં હતો. આ પણ આપણું સાચું સ્વરૂપ નથી.
સાચું સ્વરૂપ છે ચોથી અવસ્થા, જેને તુરીય અથવા તુર્યમ્ તરીકે ઓળખવામાં આવી છે. એ તુર્યમ્ આપણો નિર્ગુણ ‘હું’ છે, આપણી ચેતના છે, જે પરમચેતનાનું જ રૂપ છે, જે બાકીની ત્રણેય અવસ્થાને સાક્ષીભાવે જોયા કરે છે.
કોઈક સમજૂતીમાં કહેવાયું છે કે જેમ સોનાનાં
હાર, વીંટી અને કંદોરો જેવાં ઘરેણાં એકમેકથી જુદાં
હોવા છતાં મૂળે તો એ સોનું જ હોય છે એ જ રીતે આપણી નોખી નોખી અવસ્થાઓ એકમેકથી જુદી
હોવા છતાં એ મૂળે તો તુર્યમ્ જ છે. તુર્યમ્ ન હોય તો એ એકેય અવસ્થા ન હોય. આમ છતાં
આપણે એ અવસ્થાઓને જ આપણું સાચું સ્વરૂપ એટલે કે ‘હું’ માની બેસીએ છીએ, જે ખોટું છે.
અદ્વૈતવાદનું આ ગૂઢ સત્ય માંડૂકય ઉપનિષદમાં
વિશદ રીતે ચર્ચાયું છે. આ જ સત્ય નરસિંહ મહેતાએ સોળ પંક્તિઓમાં ઉભારી આપ્યું છે.
તો, આદ્ય કવિને વંદન સાથે સૌ કાવ્યપ્રેમીઓને
વર્લ્ડ પોએટ્રી ડેનાં, મોડાં મોડાં પણ, વધામણાં.
- નીલેશ રૂપાપરા
